ખ્યાતિ હૉસ્પિટલ કાંડ: મૃતકોનું ઓપરેશન કરનારા ડૉક્ટરની ધરપકડ
Ahmedabad Khyati Hospital scandal: અત્યારે ગુજરાતમાં બહુચર્ચિત મામલો જો કોઇ હોય તો તે અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં 2 દર્દીના મોતનો મામલો છે. તેને લઇને આરોગ્ય મંત્રી અને મુખ્યમંત્રી સાથે અધિકારીઓની બેઠક યોજી હતી, જેમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે સરકાર પોતે ફરિયાદી બનશે. ત્યારબાદ હવે સરકારે કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. બુધવારે મોડી રાત્રે અમદાવાદના જાણીતા બિલ્ડર અને હૉસ્પિટલના ડિરેક્ટર કાર્તિક પટેલ, ડૉક્ટર પ્રશાંત વજીરાણી, ડૉક્ટર સંજય પટોલિયા, રાજશ્રી કોઠારી અને CEO ચિરાગ રાજપૂત સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સરકાર પક્ષે ફરિયાદ દાખલ થયા બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા ડૉક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરવામાં આવી હતી.
સોલા સિવિલ હૉસ્પિટલના સિવિલ સર્જન ડૉ. પ્રકાશ મહેતાએ ખ્યાતિ હૉસ્પિટલ કાંડ મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે તપાસ કરવા માટે ડૉ. પ્રકાશ મહેતા તેમજ, અન્ય ડૉક્ટરની એક ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ટીમના સભ્યોએ ખ્યાતિ હૉસ્પિટલમાં દાખલ દર્દીઓની ચકાસણી કરવાની સાથે રિપોર્ટ તપાસ્યા હતા. જેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા હતા.
19 દદીઓ પૈકી કોઇ દર્દીને એન્જિયોપ્લાટી અને એન્જિયોગ્રાફીની જરૂર ન હોવા છતા PMJAY દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવા માટે તમામની સારવાર કરવામાં આવી હતી. જેમાં જેમનું મોત થયું છે એવા મહેશ બારોટનો રિપોર્ટ તપાસતા જાણવા મળ્યું હતું કે એન્જિયોપ્લાસ્ટી કરવાનું કોઇ કારણ નહોતુ અને ઓપરેશન દરમિયાન કોઇ કાળજી લેવામાં આવી નહોતી. જ્યારે મૃત્યુ પામેલા અન્ય દર્દી નાગરભાઇ સેનમાના રિપોર્ટમાં CPRની સારવારના ડેટામાં છેડછાડ કરવામાં આવી હતી અને ઓપરેશન સમયે કાર્ડિયોલોજીસ્ટની હાજરી અંગેની નોંધ પણ કરવામાં આવી નહોતી. આમ બંને કેસમાં યોજના દ્વારા ખોટી રીતે આર્થિક લાભ લેવાનો બદઇરાદો સ્પષ્ટ થતો હતો.
અમદાવાદની ખ્યાતિ હૉસ્પિટલમાં બનેલી ઘટના સંદર્ભે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ધનંજય દ્વિવેદીએ દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ ઘટનાની સરકારે ગંભીરતાથી નોંધ લીધી છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને આજે ગાંધીનગર ખાતે મળેલી સમીક્ષા બેઠકમાં સમગ્ર ઘટનાની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
મંત્રી દ્વારા એવી સુચના આપવામાં આવી છે કે, આ ઘટનામાં જવાબદાર કોઈને પણ છોડવામાં આવે નહીં અને આ હૉસ્પિટલના માલિક, સંચાલકો, ડૉક્ટરો સહિતના લોકો વિરુદ્ધ રાજ્ય સરકાર દ્વારા કડકમાં કડક પગલાં લેવામાં આવે. વધુ માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, તા. 12 નવેમ્બરના રોજ આરોગ્ય વિભાગ દ્વારા U.N.મહેતાના કાર્ડિયોલોજીસ્ટ, સોલા સિવિલ હૉસ્પિટલના તજજ્ઞો તેમજ PMJAY-મા યોજના હેઠળની સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ (SAFU)ના તપાસ સમિતિની રચના કરાઇ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp