Monsoon Session Of Parliament From July 21 Eight New Bills On Agenda: સંસદનું ચોમાસુ સત્ર 21 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર 21 ઑગસ્ટ સુધી ચાલશે અને આ વખતે મોદી સરકાર ગૃહમાં લગભગ 16 નવા બિલ રજૂ કરી શકે છે, જેમાંથી 8 નવા અને 8 જૂના બિલ હોઈ શકે છે. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ ચોમાસુ સત્રની જાહેરાત કરી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ ચોમાસુ સત્ર બોલાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. 15 ઑગસ્ટે સ્વતંત્રતા દિવસની ઉજવણી છે, જેના કારણે 13 અને 14 ઑગસ્ટે સદનની કાર્યવાહી નહીં ચાલે. ચોમાસુ સત્ર શરૂ થાય તે અગાઉ 20 જુલાઈએ સવારે 11:00 વાગ્યે એક સર્વદળીય બેઠક બોલાવાશે, જેમાં સત્રના એજન્ડા અને બિલો પર ચર્ચા કરવામાં આવશે.
સંસદના ચોમાસું સત્રમાં, મોદી સરકાર 16 બિલો પસાર કરવાની યોજના બનાવી રહી છે, જેમાં મર્ચન્ટ શિપિંગ બિલ, ઇન્ડિયન પોર્ટ્સ બિલ 2025, કોસ્ટલ શિપિંગ બિલ, નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ, નેશનલ એન્ટી-ડોપિંગ એમેન્ડમેન્ટ બિલ, મણિપુર GST બિલ, IIM એમેન્ડમેન્ટ બિલ અને ટેક્સેશન એમેન્ડમેન્ટ બિલનો સમાવેશ થાય છે.
મર્ચન્ટ શિપિંગ બિલ- દેશના દરિયાઈ વેપાર અને શિપિંગ નિયમોને આધુનિક બનાવવા માટે પ્રસ્તાવિત છે.
ઇન્ડિયન પોર્ટ્સ બિલ 2025- દેશના બંદરોના સંચાલન અને અમલીકરણમાં સુધારો કરવા માટે પ્રસ્તાવિત છે.
કોસ્ટલ શિપિંગ બિલ- ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શિપિંગ ગતિવિધિઓનું નિયમન કરવા માટે પ્રસ્તાવિત છે.
નેશનલ સ્પોર્ટ્સ ગવર્નન્સ બિલ- દેશના સ્પોર્ટ્સ મેનેજમેન્ટની પારદર્શિતા અને જવાબદારી વધારવા માટે પ્રસ્તાવિત છે.
એન્ટી-ડોપિંગ એમેન્ડમેન્ટ બિલ- રમતગમતમાં ડોપિંગ અટકાવવા માટે નિયમોને વધુ કડક બનાવવા માટે પ્રસ્તાવિત છે.
મણિપુર GST બિલ- મણિપુરમાં માલ અને સેવા કર સાથે જોડાયેલા વિશેષ પ્રવધાન માટે સંબંધિત કાયદાઓમાં ફેરફાર કરવા
ટેક્સેશન સંશોધન બિલ: આ બિલના માધ્યમથી આવકવેરા અથવા અન્ય ટેક્સ કાયદાઓમાં સંશોધન કરીને તેમને વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવશે, જેથી ટેક્સદાતાઓને લાભ પહોંચે
જનવિશ્વાસ સંશોધન બિલ: આ બિલનો હેતુ નાના ગુનાઓ અથવા પ્રક્રિયાગત ઉલ્લંઘનોને ગુનાહિત સીરિઝમાંથી હટાવીને પ્રશાસનિક ગુનામાં બદલવાનો છે, જેનાથી નાગરિકો અને વેપારીઓ વચ્ચે સરકાર પ્રત્યે વિશ્વાસ વધે.
પહેલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર બાદ સંસદનું ચોમાસુ આવી રહ્યું છે, એટલે સત્રમાં આ બંને મુદ્દાઓ પર ચર્ચા દરમિયાન હોબાળો થવાની સંભાવના છે. કારણ કે વિપક્ષે મોદી સરકારને આ બંને મુદ્દાઓ પર ખાસ સત્ર બોલાવવાની માગ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. મણિપુરમાં રાષ્ટ્રપતિ શાસનનો સમયગાળો વધારવાના પ્રસ્તાવ પર પણ સત્રમાં ચર્ચા થઈ શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ અંગે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી પર પણ ચર્ચા થઈ શકે છે. વિપક્ષી પાર્ટી કોંગ્રેસ બિહારમાં મતદાર યાદી સુધારણા, મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ, મણિપુરમાં હિંસા અને મહિલા સુરક્ષા, ટ્રમ્પના ટેરિફ સહિત અનેક મુદ્દાઓ પર મોદી સરકારને ઘેરી શકે છે.