Indian startup founder's post on Reddit: એક ભારતીય સ્ટાર્ટઅપ ફાઉન્ડરે રેડિટ પર એક પોસ્ટ શેર કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે વાર્ષિક એક કરોડ કમાયા બાદ પણ તેઓ ખુશ નથી. તેઓ હંમેશાં ડિપ્રેશનમાં રહે છે અને તેમનું સ્વાસ્થ્ય પણ ખરાબ રહે છે. 28 વર્ષીય બિઝનેસમેને જણાવ્યું કે તેઓ દર વર્ષે લગભગ 1 કરોડ રૂપિયા કમાય છે, છતા તેઓ વધારે ખુશી અનુભવતા નથી. ઘણા લોકોએ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે અને પોસ્ટ ખૂબ વાયરલ થઈ રહી છે.
રેડિટ પર તેમની પોસ્ટમાં બિઝનેસમેને લખ્યું કે, ‘મારા જીવનની શોર્ટ સ્ટોરી અને હું અહીં કેવી રીતે પહોંચ્યો. હું મધ્યમ વર્ગના પરિવારમાંથી આવું છું. 12મા ધોરણ બાદ મેં CA કરવાનું શરૂ કર્યું, તે પણ શિષ્યવૃત્તિ સાથે. હું ખૂબ જ જિજ્ઞાસુ છું અને દરેક વસ્તુ પર રિસર્ચ કરું છું કે લેટેસ્ટ ટ્રેન્ડ શું છે. વર્ષ 2017માં 1 લાખનું રોકાણ કરીને સ્ટાર્ટઅપ શરૂ કર્યું. પૂરી રીતે નિષ્ફળ રહ્યું. ત્યારબાદ વર્ષ 2020માં કોવિડ દરમિયાન, હું મારા CA ફાઇનલમાં હતો. મારી પરીક્ષાઓ સ્થગિત થઈ ગઈ અને મેં ઓનલાઈન બિઝનેસ શરૂ કર્યો.
એક પણ રૂપિયો રોકાણ કર્યા વિના માત્ર ઇન્સ્ટગ્રામ માર્કેટિંગથી મેં દર મહિને 1-2 લાખ કમાવવાનું શરૂ કરી દીધું. (જેમ કે આપણે બધા જાણીએ છીએ કે કોવિડ દરમિયાન લોકોએ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવાનું ચાલુ કરી દીધું હતું). વર્તમાન સ્થિતિની વાત કરીએ તો.. મેં ઘણા વ્યવસાયો શરૂ કર્યા છે અને આ જૂનમાં, મેં દુબઈમાં પણ એક બિઝનેસ શરૂ કર્યો છે. જેનાથી આવક થવા લાગી છે. સૌથી મોટી વાત એ છે કે મેં ક્યારેય મારા પોતાના પૈસાથી એક પણ રૂપિયો રોકાણ કર્યો નથી કે કોઈ લોન લીધી નથી.
બિઝનેસમેને પોતાની પોસ્ટ સાથે પોતાના સાદા અને સિમ્પલ બેડરૂમની તસવીર પણ શેર કરી છે. જ્યારે એક યુઝરે તેને પૂછ્યું કે, ‘ખુશ છો?’, તો બિઝનેસમેનનો જવાબ ભાવુક કરી દેનારો હતો. તેણે લખ્યું- ‘ખૂબ સારો સવાલ... સાચું કહું તો, હું વધારે ખુશ નથી. હું પહેલા ખુશ વ્યક્તિ હતો, હવે હું હંમેશાં તણાવમાં રહું છું. સ્વાસ્થ્ય પણ સારું નથી. પૈસા છે, પરંતુ મારી પાસે સમય નથી. હું લાંબી મુસાફરી પર જઈ શકતો નથી, ખૂબ કામ છે.” જોકે, તેણે એમ પણ કહ્યું કે મારા માતા-પિતા મારા પર ગર્વ કરે છે. હવે મને ખરીદી કરતી વખતે કિંમત જોવાની જરૂર પડતી નથી. પૈસા સુરક્ષાની લાગણી આપે છે.
એક યુઝરે લખ્યું કે, મને લાગે છે કે તમે આ CA Sab પર પણ પોસ્ટ કરી શકો છો.. ઘણા લોકો પ્રેરણા અનુભવશે. અને તમારા સાહસ માટે અભિનંદન અને શુભેચ્છાઓ. વાસ્તવમાં મેં CA નો અભ્યાસ છોડી દીધો હતો... જ્યારે મેં વ્યવસાય શરૂ કર્યો અને પૈસા કમાવવાનું શરૂ કર્યું. અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું મુશ્કેલ હતું. અભ્યાસ વિના 2 વાર પ્રયાસ કર્યો, પણ નિષ્ફળ ગયો.
The_Fastus નામના યુઝરે લખ્યું કે, શું તમે મને તમારા સ્ટાર્ટઅપમાં નોકરી આપી શકો છો? હું 18 વર્ષનો છું અને હાલમાં CAની તૈયારી કરી રહ્યો છું અને મારા પરિવારનો ખર્ચ ચલાવવા માટે કેટલાક વધારાના પૈસા કમાવવા માગુ છું, તો શું તમે મને નોકરી આપી શકો છો? હું B.Com કરી રહ્યો છું અને તાજેતરમાં મારું પહેલું વર્ષ પૂર્ણ કર્યું છે.