બુધવારે બાંગ્લાદેશના સ્થાપક શેખ મુજીબુર રહેમાનના ઢાકા સ્થિત નિવાસસ્થાનમાં પ્રદર્શનકારીઓના એક મોટા જૂથ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને આગ લગાવી દેવામાં આવી હતી. આ તોડફોડ ત્યારે થઈ જ્યારે તેમની પુત્રી અને પદભ્રષ્ટ વડાપ્રધાન શેખ હસીના લોકોને 'ઓનલાઇન' સંબોધિત કરી રહી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે સાંજથી જ રાજધાનીના ધનમંડી વિસ્તારમાં આવેલા ઘર સામે હજારો લોકો એકઠા થઈ ગયા હતા. આ ઘરને અગાઉ સ્મારક સંગ્રહાલયમાં રૂપાંતરિત કરવામાં આવ્યું હતું.
સ્થાનિક સમય મુજબ રાત્રે 9:00 વાગ્યે હસીનાનું ભાષણ થવાનું હોવાથી સોશિયલ મીડિયા પર "બુલડોઝર સરઘસ" કાઢવા માટે હાકલ કરવામાં આવી હતી. હસીનાના ભાષણનું આયોજન છાત્ર લીગ દ્વારા કરવામાં આવ્યું હતું, જે હાલમાં અવામી લીગની વિસર્જન પામેલી વિદ્યાર્થી વિંગ છે. પોતાના સંબોધનમાં, ભૂતપૂર્વ વડાપ્રધાને દેશવાસીઓને વર્તમાન શાસન સામે સંગઠિત પ્રતિકાર શરૂ કરવા હાકલ કરી.
હસીનાએ નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની સરકાર તરફ ઇશારો કરતા કહ્યું કે, "તેમનામાં હજુ પણ એટલી તાકાત નથી કે તેઓ લાખો શહીદોના જીવનના ભોગે મળેલા રાષ્ટ્રધ્વજ, બંધારણ અને સ્વતંત્રતાને તોડી શકે. તેઓ ઇમારત તોડી શકે છે, પણ ઇતિહાસ નહીં. પરંતુ તેમણે એ પણ યાદ રાખવું જોઈએ કે ઇતિહાસ તેનો બદલો લે છે."
સરમુખત્યારશાહીનું પ્રતિક
હજારો વિરોધીઓએ કહ્યું કે શેખ હસીનાનું પારિવારિક ઘર તેમની સરમુખત્યારશાહીનું પ્રતિક હતું, જ્યારે અગાઉ તેને દેશની સ્વતંત્રતા સાથે જોડાયેલું માનવામાં આવતું હતું. રાજધાની ઢાકામાં આવેલું આ ઘર હસીનાના સ્વર્ગસ્થ પિતા અને બાંગ્લાદેશના સ્વતંત્રતા નેતા શેખ મુજીબુર રહેમાનનું ઘર હતું, જેમણે 1971માં દેશને પાકિસ્તાનથી ઔપચારિક રીતે અલગ થવાની જાહેરાત કરી હતી. 1975માં તેમની હત્યા કરી દેવામાં આવી હતી. બાદમાં હસીનાએ આ ઘરને સંગ્રહાલયમાં રૂપાંતરિત કરી દીધું હતું.
શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પોતાના સભ્યો અને હસીનાના અન્ય સમર્થકો પર હુમલાના આરોપો વચ્ચે સમર્થન મેળવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે પાર્ટીએ એક મહિનાનો વિરોધ પણ શરૂ કર્યો છે. આ વિરોધ વચ્ચે, શેખ હસીનાએ ઓનલાઈન ભાષણો આપવાનું શરૂ કર્યું. આ અગાઉ બુધવારે શરૂઆતમાં, કેટલાક વિરોધીઓએ ધમકી આપી હતી કે જો ભૂતપૂર્વ વડાપ્રધાન તેમનું ભાષણ ચાલુ રાખશે તો તેઓ ઇમારતને "બુલડોઝર"થી ઉડાવી દેશે.
હસીનાએ બોલવાનું શરૂ કર્યું કે તરત જ વિરોધીઓ ઘરમાં ઘૂસી ગયા અને ઈંટની દિવાલો તોડવાનું શરૂ કરી દીધું, બાદમાં ઇમારત તોડી પાડવા માટે ક્રેન અને ખોદકામ કરનાર મશીન લઇ આવ્યા. હસીનાએ પોતાના ભાષણ દરમિયાન જવાબ આપતા કહ્યું કે, "તેમની પાસે બુલડોઝરથી દેશની સ્વતંત્રતાનો નાશ કરવાની શક્તિ નથી. તેઓ કોઈ ઈમારતનો નાશ કરી શકે છે, પણ ઈતિહાસ ભૂંસી નહીં શકે. જોકે, ઇમારત તોડી પાડવાનું કામ ચાલુ રહ્યું. તેમણે બાંગ્લાદેશના લોકોને દેશના નવા નેતાઓનો વિરોધ કરવા હાકલ કરી, અને આરોપ લગાવ્યો કે તેમણે ગેરબંધારણીય માધ્યમથી સત્તા કબજે કરી છે.
ભારત વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર
વિદ્યાર્થી નેતા હસનત અબ્દુલ્લાએ હસીનાના ભાષણ સામે મીડિયા આઉટલેટ્સને ચેતવણી આપી હતી અને ફેસબુક પર જાહેરાત કરી હતી કે "આજે રાત્રે બાંગ્લાદેશ ફાસીવાદના મંદિરમાંથી મુક્ત થઈ જશે. ગયા વર્ષે હસીના વિરુદ્ધ થયેલા બળવા દરમિયાન સેંકડો લોકોના મોત બદલ ઘણા વિરોધીઓએ હસીનાને મૃત્યુદંડની માગણી કરતા સૂત્રોચ્ચાર કર્યા. હસીનાએ મૃત્યુની સંયુક્ત રાષ્ટ્રની તપાસનો આગ્રહ કર્યો. પ્રદર્શનકારીઓએ ભારતની ટીકા કરતા સૂત્રોચ્ચાર પણ કર્યા. નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની બાંગ્લાદેશની વચગાળાની સરકારે હસીનાના પ્રત્યાર્પણની માગ કરી છે, પરંતુ ભારતે કોઈ જવાબ આપ્યો નથી.
વચગાળાની સરકાર વ્યવસ્થા જાળવવા અને હસીનાના સમર્થકો સામે ટોળાના ન્યાયને રોકવા માટે સંઘર્ષ કરી રહી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભૂતપૂર્વ વડાપ્રધાન પર 2009માં શરૂ થયેલા તેમના શાસન દરમિયાન વ્યાપક ભ્રષ્ટાચાર અને માનવાધિકાર ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. હસીનાની અવામી લીગે યુનુસની આગેવાની હેઠળની સરકાર પર માનવ અધિકારોનું ઉલ્લંઘન કરવાનો અને બાંગ્લાદેશના લઘુમતી જૂથોને દબાવવાનો આરોપ લગાવ્યો છે, જે આરોપોને અધિકારીઓ નકારે છે.