ગુપ્તચર એજન્સીઓએ ભારતને લઈને ચીનનો પ્લાન ઉઘાડો પાડ્યો
China: ભારતના પાડોશી દેશ મ્યાંમાર લાંબા સમયથી ગૃહયુદ્ધમાં ફસાયું છે. યુદ્ધના મેદાનમાં, અરાકાન આર્મી અને અન્ય વિદ્રોહી જૂથો છે, જ્યારે બીજી તરફ, જુન્ટા શાસનની સેના છે. મ્યાંમારમાં ચાલી રહેલા ગૃહયુદ્ધની અસર ભારત, બાંગ્લાદેશ અને ચીન સહિત અન્ય પડોશી દેશો પર પણ પડી રહી છે.
આવી પરિસ્થિતિમાં પણ, ચીન મ્યાંમારની સ્થિતિનો ઉપયોગ પોતાના ફાયદા માટે અને ભારતને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેનાથી ભારતના ઉત્તર-પૂર્વીય રાજ્યોની સુરક્ષા માટે જોખમ ઉભું થઈ શકે છે. જેના સંદર્ભમાં, ગુપ્તચર એજન્સીઓએ ભારતને મ્યાંમારમાં ચીનના વધતા પ્રભાવ અંગે ચેતવણી આપી છે.
CNNના અહેવાલ મુજબ, ગુપ્તચર એજન્સીઓએ ચેતવણી આપી છે કે મ્યાંમારમાં ચીનનો વધતો પ્રભાવ ભારત માટે મોટો જોખમી બની રહ્યો છે. ભારતનું ઉત્તર-પૂર્વીય રાજ્ય મણિપુર ચીનના નિશાના પર છે કારણ કે તે એક સંવેદનશીલ રાજ્ય છે જ્યાં લાંબા સમયથી અશાંતિ પ્રવર્તી રહી છે.
એજન્સીઓનું કહેવું છે કે ચીનની આક્રમક ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા ભારત અને મ્યાનમાર વચ્ચેની 1693 કિલોમીટર લાંબી સરહદ પર ભારતે સખત દેખરેખ રાખવાની જરૂર છે.
ચીને મ્યાંમારની સરહદે આવેલા યુનાન પ્રાંતમાં એક અત્યાધુનિક રડાર સિસ્ટમ લાર્જ ફેઝ્ડ એરે રડાર(LPAR) ઇન્સ્ટોલ કર્યું છે. તેનાથી ચીન સમગ્ર વિસ્તાર પર નજર રાખી શકે છે. આ ઉપરાંત, ચીન મ્યાંમારની જુન્ટા સેના સાથે પણ સંકળાયેલું છે, બીજી તરફ તે અરાકાન આર્મી જેવા સશસ્ત્ર જૂથોને પણ શસ્ત્રો પૂરા પાડે છે. મતલબ કે ચીન બેવડી નીતિ અપનાવી રહ્યું છે.
રિપોર્ટ અનુસાર, ચીનની રણનીતિ સ્ટ્રિંગ ઓફ પર્લ્સ થિયરી પર આધારિત છે. આ રણનીતિ દ્વારા, ચીન તેના વ્યૂહાત્મક સ્થળો અને સાથી દેશોમાં તેનું નેટવર્ક મજબૂત કરીને ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે. આનાથી ભારતની એક્ટ ઇસ્ટ નીતિ પ્રભાવિત થઇ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp