Haryana Local Poll Results: હરિયાણામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. 10 મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં યોજાયેલી મેયર ચૂંટણી અને પેટાચૂંટણીમાં ભાજપે 9 જીત મેળવી છે અને કોંગ્રેસ પોતાનું ખાતું પણ ખોલાવી શકી નથી. માનેસર કોર્પોરેશનમાં મેયરની બેઠક એક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ છે.
માહિતી અનુસાર, હરિયાણા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓની ગણતરી બુધવારે સવારે શરૂ થઈ હતી અને શરૂઆતથી જ ભાજપના ઉમેદવારોએ લીડ મેળવી લીધી હતી. અંબાલા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેયરની પેટાચૂંટણીમાં ભાજપનો વિજય થયો. એ જ રીતે ફરીદાબાદ, ગુરુગ્રામ, કરનાલ અને સોનીપત, હિસાર, પાણીપત, રોહતક, યમુનાનગરમાં ભાજપના મેયર જીત્યા છે.
લગભગ દોઢ વર્ષ બાદ, પાનીપત શહેરને નવી સરકાર મળી છે. ભાજપે 26માંથી 23 વોર્ડ જીત્યા. કોંગ્રેસે એક વોર્ડમાં અને અપક્ષોએ બે વોર્ડમાં જીત મેળવી. ભાજપના મેયર પદના ઉમેદવાર કોમલ સૈનીનો વિજય થયો છે. ભાજપમાં જીતને લઈને ભારે ઉત્સાહ છે.
પાર્ટીની હાર પર ભુપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે, 'હારથી કોઈ ફરક પડતો નથી. પહેલા પણ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપનો જ દબદબો હતો. જો અમે કોઈ મેયર સીટ હારી ગયા હોત તો ઝટકો લાગતો, પરંતુ પહેલાથી જ આ સીટો અમારી પાસે નહોતી. કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક ફાયદો જરૂર થયો છે. અમે ચૂંટણીમાં કોઈ જોર ન લગાવ્યો. મેં ચૂંટણી દરમિયાન ક્યાય ગયો નહોતું. હું પંચાયત કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી દરમિયાન પ્રચાર કરતો જ નથી.
શું ખરેખર હુડ્ડાની વાત સાચી છે કે, પાલિકાની ચૂંટણીમાં હારથી કોંગ્રેસનો શું ફરક નથી પડતો છે? કોંગ્રેસના નેતા ભુપેન્દ્ર સિંહ હુડ્ડાનું આ નિવેદન દર્શાવે છે કે, કોંગ્રેસના મોટા નેતા સ્થાનિક સ્તર પર વધારે સક્રિય રહેતા નથી, જેથી તેમને મોટા કદની ચૂંટણીમાં પણ તેનું નુકસાન ઉઠાવવું પડે છે.
પોતે હુડ્ડા કહે છે કે પંચાયત કે મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી ચૂંટણીમાં પ્રચાક કરતો જ નથી. આ એક ખૂબ મોટી વાત છે. વાસ્તવમાં મોટા નેતાઓ સક્રિય ન રહેતા હોય તો કાર્યકર્તાઓનું મનોબળ હંમેશાં તૂટી જતું હોય છે. અને નાની-નાની ચૂંટણીઓની હાર-જીત ખૂબ મહત્ત્વ ધરાવતી હોય છે, એ વાત મોટા નેતાઓને કેમ ધ્યાન બહાર રહી જાય છે.
કોંગ્રેસના મોટા નેતાઓએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જમીની સ્તર પર કામ કરવું પડશે, તો જ પાર્ટી કંઇક કરી શકશે. બાકી કોંગ્રેસને આવી જ રીતે હાર મળતી રહે તો પણ નવાઈ નહીં.