આ રાજ્યમાં સમાજે લગાવ્યો મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ! જાણો સંપૂર્ણ વિગતો

આ રાજ્યમાં સમાજે લગાવ્યો મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ! જાણો સંપૂર્ણ વિગતો

12/23/2025 National

SidhiKhabar

SidhiKhabar

આ રાજ્યમાં સમાજે લગાવ્યો મહિલાઓ માટે સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ! જાણો સંપૂર્ણ વિગતો

રાજસ્થાનના જાલોર જિલ્લાના એક સામાજિક પંચાયત દ્વારા જારી કરાયેલા વિચિત્ર હુકમનામાએ સામાજિક અને રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે. ઝાલોરના ચૌધરી સમાજની 21 ડિસેમ્બરના રોજ યોજાયેલી પંચાયતે એક મોટો નિર્ણય લેતા 15 ગામોમાં તમામ યુવતીઓ અને મહિલાઓ માટે સ્માર્ટફોન વાપરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દીધો છે. આ આદેશ મુજબ, 26 જાન્યુઆરી પછી કોઈ પણ મહિલા માત્ર બેઝિક કિ-પેડવાળા મોબાઈલ ફોનનો જ ઉપયોગ કરી શકશે.


૧૫થી વધુ ગામની મહિલાઓ માટે આ ફરમાન

૧૫થી વધુ ગામની મહિલાઓ માટે આ ફરમાન

સુજનરામ ચૌધરીના અધ્યક્ષસ્થાને મળેલી સમાજની બેઠકમાં સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું કે, આગામી 26મી જાન્યુઆરીથી સમાજની દીકરીઓ અને પુત્રવધૂઓ સ્માર્ટફોનનો ઉપયોગ નહીં કરી શકે. આ નિયમ ઝાલોરના ગાઝીપુરા, પાવલી, કાલડા, મનોજિયાવાસ સહિત કુલ 15 ગામને લાગુ પડશે. મહિલાઓ લગ્ન પ્રસંગો, સામાજિક કાર્યક્રમો કે પડોશીના ઘરે જતી વખતે પણ સાથે મોબાઈલ ફોન લઈ જઈ શકશે નહીં. જો કોઈ મહિલાને વાત કરવી હોય તો તેને માત્ર બેઝિક કિ પેડ મોબાઈલ ફોન રાખવાની જ મંજૂરી મળશે. જો કે, અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ ઘરમાં અભ્યાસ માટે સ્માર્ટફોન વાપરી શકશે, પરંતુ ઘરની બહાર લઈ જઈ શકશે નહીં. આ નિર્ણય જાલોર જિલ્લાના ભીનમાલ અને રાનીવાડા વિધાનસભા મતવિસ્તારના ઘણા ગામોને અસર કરશે, જ્યાં મહિલાઓ, સ્કૂલની છોકરીઓ અને કોલેજ જતી છોકરીઓ દ્વારા સ્માર્ટફોનના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.

ત્યારે લોકો સમુદાયના આ નિર્ણય અંગે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. કારણ કે, કેન્દ્ર અને રાજ્ય સરકારો મહિલાઓને ડિજિટલી સશક્તિકરણ અને આત્મનિર્ભર બનાવવા માટેની યોજનાઓ અમલમાં મૂકી રહી છે, ત્યારે સામાજિક સ્તરે મહિલાઓને ટેકનોલોજી સુધી પહોંચ મર્યાદિત કરવા માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ લખપતિ દીદી યોજના હેઠળ હજારો મહિલાઓને ટેબ્લેટનું વિતરણ કરી રાજ્યનું ભવિષ્ય બદલવા માટે હાંકલ કરી હતી.


સમાજનો વિચિત્ર તર્ક

સમાજનો વિચિત્ર તર્ક

ત્યારે આ નિર્ણય પાછળ પંચાયતે વિચિત્ર તર્ક આપ્યો છે કે, અનેક મહિલાઓ કામમાં વ્યસ્ત રહેવા માટે બાળકોને સ્માર્ટફોન આપી દે છે, જેના કારણે બાળકોની આંખો પર ખરાબ અસર પડી રહી છે. આ ઉપરાંત સોશિયલ મીડિયા અને સ્માર્ટફોનના વધતા વળગણને સામાજિક મર્યાદા માટે જોખમી ગણાવીને આ પ્રતિબંધ લદાયો છે. પંચાયતના આ નિર્ણયની સોશિયલ મીડિયા અને અન્ય સામાજિક વર્તુળોમાં આકરી ટીકા થઈ રહી છે. લોકો તેને વ્યક્તિગત સ્વતંત્રતા પર તરાપ સમાન 'તુગલકી ફરમાન' ગણાવી રહ્યા છે. ડિજિટલ ઈન્ડિયાની વાતો વચ્ચે આવા પછાત નિર્ણયો સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ત્યારે આ સમગ્ર મામલા અંગે, જાલોરના પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, તેમને આવા કોઈ નિર્ણયની જાણ નહોતી. પરંતુ જો કોઈ મહિલા આ બાબતે ફરિયાદ નોંધાવે છે, તો પોલીસ દ્વારા કાયદા મુજબ કાર્યવાહી કરાશે. આ હુકમનામું હાલમાં મહિલા અધિકારો, સમાનતા અને ડિજિટલ સ્વતંત્રતા વિશે એક નવી ચર્ચા જગાવી રહ્યું છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top