તિરુપતિ મંદિરના પ્રસાદ કૌભાંડમાં મોટો ઘટસ્ફોટ, આંકડો ૨૫૦ કરોડને પાર, જાણો સંપૂર્ણ વિગતો
તિરુપતિ બાલાજી મંદિરના પ્રસાદ કૌભાંડને લઈને તપાસ ટીમે મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશ પર ‘તિરુપતિ લાડુ’માં ઉપયોગ થતું ઘી ભેળસેળીયું હોવાની CBI તપાસ ચાલી રહી છે. જે અંગે CBIએ જણાવ્યું છે કે, ઉત્તરાખંડની ભોલે બાબા ઓર્ગેનિક ડેરીએ 2019થી 2024 વચ્ચે તિરુપતિ મંદિરને આશરે 68 લાખ કિલો નકલી ઘી પહોંચાડ્યું હતું. જે ઘીનું મૂલ્ય આશરે રૂ. 250 કરોડ જેટલું છે.
ડેરીના પ્રમોટરો પોમિલ જૈન અને વિપિન જૈને દૂધનું એક ટીપું પણ ખરીદ્યા વગર આ આખું કૌભાંડ આચર્યું હતું. આ તપાસમાં આ નિષ્કર્ષ ત્યારે આવ્યો જ્યારે ધરપકડ થયેલા સપ્લાયર અજય કુમાર સુગંધની પૂછપરછ થઈ, જે ડેરીને મોનોડિગ્લિસરાઈડ અને એસેટિક એસિડ એસ્ટર જેવા કેમિકલ પૂરું પાડતો હતો. અહેવાલ મુજબ સ્થાનિક દૂધ ઉત્પાદકો પાસેથી દૂધ કે માખણની ખરીદી કરી ન હતી, છતાં મોટા પાયે ઘી ઉત્પાદન બતાવવા માટે નકલી ખરીદી અને ચુકવણીના રેકોર્ડ બનાવ્યા હતા.
TTDએ 2022માં ભોલે બાબા ઓર્ગેનિક ડેરીને બ્લેકલિસ્ટ કરી દીધી હતી. તેમ છતાં પણ તેના પ્રમોટરોએ બીજા માધ્યમ મારફતે મંદિરને નકલી ઘી સપ્લાય કરવાનું ચાલુ રાખ્યું હતું. જેમાં તેમણે તિરુપતિ સ્થિત વૈષ્ણવી ડેરી, ઉત્તર પ્રદેશની માલ ગંગા અને તામિલનાડુની AR ડેરી ફૂડ્સ સહિત અનેક અન્ય ડેરીઓ મારફતે સપ્લાય કર્યું હતું.
CBIન આ તપાસમાં એક ખાસ ચોંકાવનારી ઘટના સામે આવી. જેમાં એનિમલ ફેટ (પશુ ચરબી)થી મિલાવટ કરેલા ઘીના ચાર કન્ટેનર, જે AR ડેરીએ સપ્લાય કર્યા હતા અને TTDએ જુલાઈ 2024માં જે રિજેક્ટ કર્યા હતા, તેને બાદમાં ફરી સિસ્ટમમાં પ્રવેશ કરાવવામાં આવ્યાં હતાં. રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, રિજેક્ટ કરાયેલા ઘીનો સ્ટોક ભોલે બાબાના પ્રમોટરોએ વૈષ્ણવી ડેરી મારફતે તિરુપતિ ટ્રસ્ટને ફરી સપ્લાય કરાવ્યો હતો. જેનો ઉપયોગ મંદિરના પ્રસાદ બનાવવા માટે થતો હતો.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ઘીમાં ભેળસેળ ઉત્તરાખંડમાં રુરકી નજીક ભગવાનપુર ખાતે આવેલા પ્લાન્ટમાં કરવામાં આવી હતી. તેમા પામ ઓઇલ, પામ કર્નેલ ઓઇલ અને પામોલિન ઉમેરવામાં આવ્યું હતું. ભેળસેળિયાઓએ ઘીની સાથે-સાથે આ તેલ ઉપરાંત અન્ય રસાયણો બીટા-કેરોટિન, એસેટિક એસિડ ઇસ્ટર, ઘી ફ્લેવરનું મિશ્રણ કર્યુ હતું. આ કેસમાં ભોલેબાબા ડેરીના ડિરેક્ટરો પોમિલ જૈન અને વિપિન જૈનની ધરપકડ થઈ ચૂકી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp