ભૂતાનના મંચ પરથી પીએમ મોદીની આતંકીઓને અંતિમ ચેતવણી- કોઈને બક્ષવામાં નહિ આવે..., જુઓ વિડિઓ
દિલ્હીમાં થયેલ કાર બ્લાસ્ટથી આખો દેશ હચમચી ગયો છે. આ વિસ્ફોટે સમગ્ર રાષ્ટ્રને દુઃખ અને આક્રોશમાં ડૂબાવી દીધું છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં નવ લોકોના મોત થયા છે અને 20થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો આત્મઘાતી હુમલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે ભૂટાનની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ હુમલા પર મોટું નિવેદન આપ્યું છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
તેઓએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતાં જણાવ્યું કે, આજે હું ભારે મનથી અહીં આવ્યો છું. ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ મને વ્યથિત કરી દીધો. આ હુમલાના કાવતરાખોરોને બક્ષવામાં આવશે નહીં. જવાબદાર દરેક વ્યક્તિને ન્યાયના કઠેરામાં લાવવામાં આવશે. તેમણે પોતાના ભાષણની શરૂઆત ભારે હૃદય સાથે કરતા કહ્યું કે, ગઈકાલે સાંજે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ દરેક ભારતીયને દુઃખી બનાવ્યો છે. હું અસરગ્રસ્ત પરિવારોના દુઃખમાં ભાગીદાર છું. આખું રાષ્ટ્ર તેમની સાથે છે.
મળતી માહિતી મુજબ લાલ કિલ્લા પાસે સાંજે 6:52 વાગ્યે આ વિસ્ફોટ થયો હતો. તપાસમાં પોલીસને આશંકા છે કે, આ હુમલો ફરીદાબાદના આતંકવાદી મોડ્યુલ સાથે જોડાયેલો છે. માહિતી મુજબ, હુમલો કરનાર શખ્સ ડૉ. ઉમર મોહમ્મદ હતો, જેણે કારમાં બેસીને આત્મઘાતી વિસ્ફોટ કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં તેના શરીરનો કપાયેલો હાથ મળ્યો છે, જે પરથી તપાસ એજન્સીઓએ ડીએનએ સેમ્પલ એકત્ર કર્યા છે. પોલીસ અને તપાસ એજન્સીઓએ પહેલેથી જ ત્રણ ડૉક્ટરોની ધરપકડ કરી છે, જેઓ ફરીદાબાદ આતંકવાદી મોડ્યુલ સાથે સંકળાયેલા હોવાનું કહેવાય છે. માહિતી પ્રમાણે ઉમર મોહમ્મદ પણ એ જ નેટવર્કનો ભાગ હતો.
આ હુમલા પછી દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. તમામ સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અને એનએસજી કમાન્ડોની તૈનાતી કરવામાં આવી છે. ગુપ્તચર એજન્સીઓ પણ અન્ય શહેરોમાં સંભવિત કડીઓ શોધી રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું છે કે, આપણી એજન્સીઓ આ કાવતરાના તળિયે પહોંચશે અને કોઈ દોષિતને છોડવામાં નહીં આવે.
આ દરમિયાન પીએમ મોદી ભુતાનના પ્રવાસે છે ત્યારે, વડાપ્રધાન ત્સેરિંગ ટોબગે સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. આ બેઠકમાં ઊર્જા, વેપાર, સુરક્ષા અને સાંસ્કૃતિક સહયોગ જેવા ક્ષેત્રોને વધુ મજબૂત કરવા પર ભાર મૂકવામાં આવશે. આ મુલાકાત દરમિયાન, બંને નેતાઓએ મળીને 1020 મેગાવોટની પુનાત્સાંગછૂ-II જળવિદ્યુત પરિયોજનાનું ઉદ્ઘાટન કરશે. આ પ્રોજેક્ટ ભારત-ભુતાન ઊર્જા સહયોગની એક મોટી સિદ્ધિ માનવામાં આવે છે અને બંને દેશોના સંબંધોને વધુ મજબૂત બનાવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp