ચાઇનીઝ હેકર્સનું મોટું કારનામું, આ દેશના નાણામંત્રીનું કોમ્પ્યુટર હેક કરીને 50થી વધુ ફાઇલો ચોરી
Chinese Hackers Accessed Yellen's Computer in US Treasury Breach: ચાઇનીઝ હેકર્સે અમેરિકાના નાણામંત્રી જેનેટ યેલેનના કોમ્પ્યુટરમાં સેંધ લગાવી દીધી છે. અહેવાલો અનુસાર, ચાઇનીઝ હેકર્સે અમેરિકન સીનેટ સભ્ય અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના કમ્પ્યુટરમાંથી ઓછામાં ઓછી 50 ફાઇલો ચોરી લીધી છે. બ્લૂમબર્ગના અહેવાલ મુજબ, ડિસેમ્બરમાં ચાઇનીઝ હેકર્સે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી સેક્રેટરી વાલે એડેયેમો અને કાર્યકારી અંડર સેક્રેટરી બ્રેડ સ્મિથના કમ્પ્યુટર્સને પણ પ્રભાવિત કર્યા હતા.
રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ચાઇનીઝ હેકર્સે નાણામંત્રી અને ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેનના કોમ્પ્યુટરમાંથી લગભગ 50 ફાઇલો એક્સેસ કરી છે અને ટ્રેઝરી વિભાગના કામ, ગુપ્તચર અને આંતરરાષ્ટ્રીય બાબતો સંબંધિત માહિતી ચોરી લીધી છે.
રિપોર્ટ અનુસાર, હેકર્સે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટના 400થી વધુ પર્સનલ કમ્પ્યુટર્સ અને પર્સનલ ડિવાઇસમાં રહેલી 3,000થી વધુ ફાઇલો ઍક્સેસ કરી હતી. આ ઉપરાંત, હેકર્સે અમેરિકામાં વિદેશી રોકાણ સમિતિ સંબંધિત માહિતી પણ મેળવી છે. આ સમિતિ વિદેશી રોકાણના સુરક્ષા પરિણામોની સમીક્ષા કરે છે.
બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, હેકર્સે થર્ડ-પાર્ટી સાયબર સિક્યુરિટી સર્વિસ પ્રોવાઇડર બિયોન્ડટ્રસ્ટ કોર્પોરેશનના સોફ્ટવેરમાં ખામીનો ફાયદો ઉઠાવ્યો હતો. સાયબર સુરક્ષા સેવા પ્રદાતાએ ગયા મહિને 8 ડિસેમ્બરે આ માહિતી આપી હતી. ટ્રેઝરી વિભાગે સાયબર સિક્યુરિટી એજન્સી, FBI અને અન્ય ગુપ્તચર એજન્સીઓને આ અંગે જાણ કરી છે. ટ્રેઝરી સ્ટાફે આ અઠવાડિયે કોંગ્રેસના સહાયકો અને કાયદા નિર્માતાઓને ઘટના વિશે માહિતી આપી.
એજન્સીઓની તપાસમાં જાણવા મળ્યું છે કે હેકર્સ ચીન સરકાર સાથે જોડાયેલા છે. તેમણે ડેટા સંગ્રહને પ્રાથમિકતા આપી અને ઓળખથી બચવા માટે બિઝનેસ સમય બાદ, એટલે કે ઓફિસ સમય પછી પ્રક્રિયા હાથ ધરી. તો, અમેરિકન ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે તેને ગંભીર ઘટના ગણાવતા કહ્યું કે ડિસેમ્બરમાં ચીની હેકર્સે વિભાગની કમ્પ્યુટર સુરક્ષાને નુકસાન પહોંચાડ્યું હતું. તો, ચીનના નાણાં મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગે કહ્યું છે કે ચીન હંમેશાં કોઈપણ પ્રકારના સાયબર હુમલાની નિંદા કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp