Human Metapneumovirus: ચીનમાંથી ઉદ્વભવેલા કોરોનાની લહેરની તબાહી દુનિયાએ જોઇ ચૂકી છે. કોરોનાએ માત્ર ચીનમાં જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વમાં નરસંહાર સર્જ્યો હતો. ચીનના વુહાન શહેરમાં કોરોનાનું રહસ્ય આજ સુધી એક રહસ્ય જ છે. કોરોના મહામારીના 5 વર્ષ થઇ ગયા છે. દરમિયાન, ચીનમાં તબાહીની વધુ એક લહેર ઉઠતી દેખાઇ રહી છે. કોરોના બાદ ચીનમાં વધુ એક રહસ્યમય વાયરસ આવ્યો છે. જી હાં, ચીનમાં હ્યુમન મેટાપ્યૂમોવાયરસ (HMPV)નો પ્રકોપ ફેલાઇ રહ્યો છે. જેના કારણે ચીનમાં ફરી કોરોના જેવું દૃશ્ય જોવા મળી રહ્યું છે. હૉસ્પિટલોમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે. સ્મશાનભૂમિ પણ ભરાઇ ગઇ છે.
ચીન વિશેનું આ સત્ય હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ફેલાઇ રહ્યું છે. ઘણા અહેવાલો અને સોશિયલ મીડિયા પોસ્ટ્સમાં દાવો છે કે આ નવો વાયરસ HMPV ઝડપથી ફેલાઇ રહ્યો છે. ચીન પર નજર રાખનારા કેટલાક લોકો એવો પણ દાવો કરે છે કે હૉસ્પિટલો અને સ્મશાનગૃહો હવે ભરાઇ ગયા છે. લોકો ઝડપથી આ વાયરસનો શિકાર બની રહ્યા છે. ઓનલાઇન શેર કરવામાં આવેલા વીડિયોમાં હૉસ્પિટલોમાં ભીડ જોવા મળી રહી છે. કેટલાક યુઝર્સ કહે છે કે HMPV, ઇન્ફલ્યુએન્ઝા A, માયકોપ્લાઝમા ન્યૂમોનિયા અને કોવિડ-19 સહિતના ઘણા વાયરસ ચીનમાં એક સાથે ફેલાઇ રહ્યા છે. ચીન ફુલ એલર્ટ મોડમાં છે. જો કે, હજુ પણ આ વાયરસ વિશે વધુ સારી રીતે કંઇ કહેવામાં આવી રહ્યું નથી.
મીડિયા અહેવાલ મુજબ, ચીન હાલમાં હ્યુમન મેટાપ્યૂમોવાયરસથી સંપૂર્ણપણે તબાહ થઇ ગયું છે. HMPVમાં ફ્લૂ જેવા લક્ષણો જોવા મળે છે. તેના લક્ષણો પણ કોવિડ-19 જેવા જ છે. અત્યારે ચીનના હાથ-પગ ફૂલી ગયા છે. તેમના આરોગ્ય વિભાગને સમજાતું નથી કે શું થઇ રહ્યું છે. તેથી આરોગ્ય અધિકારીઓ પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
‘SARS-CoV-2 (COVID-19)’ નામના એક્સ-હેન્ડલ અનુસાર, ઇન્ફલ્યૂએન્ઝા A, HMPV, માયકોપ્લાઝમા ન્યૂમોનિયા અને કોવિડ-19 સહિત ઘણા વાયરસ ચીનમાં એક સાથે ફેલાઇ રહ્યા છે. જેના કારણે હૉસ્પિટલો અને સ્મશાનગૃહો સંપૂર્ણ ભરાઇ ગયા છે. બાળકોની હૉસ્પિટલો ખાસ કરીને ન્યૂમોનિયા અને 'વ્હાઇટ લંગ'ના વધતા કેસોથી પરેશાન છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ચીનની રોગ નિયંત્રણ પ્રાધિકરણે શુક્રવારે કહ્યું હતું કે, તે અજાણ્યા પ્રકારના ન્યૂમોનિયા માટે સર્વેલાન્સ સિસ્ટમ ચલાવી રહ્યું છે. શિયાળામાં શ્વાસ સંબંધી રોગોના કેસમાં વધારો થવાની સંભાવના છે. વિશિષ્ટ સિસ્ટમની સ્થાપનાનો હેતુ અધિકારીઓને અજાણ્યા રોગાણુઓ સાથે વ્યવહાર કરવા માટે પ્રોટોકોલ સ્થાપિત કરવામાં મદદ કરવાનો છે. 5 વર્ષ અગાઉ, જ્યારે કોવિડ-19નું કારણ બનનાર કોરોનાવાયરસ પ્રથમ સામે આવ્યો હતો, ત્યારે ખૂબ જ ઓછી તૈયારી હતી.
તેના લક્ષણો કોરોના જેવા જ છે.
તેના લક્ષણો શરદી અને ઉધરસ જેવા જ હોય છે.
તેમાં તાવ અને ઉધરસ પણ થાય છે.
જી હાં, કોવિડ-19ના આગમનના 5 વર્ષ બાદ ચીનમાં વધુ એક રહસ્યમય HMPV વાયરસ લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ચીનના ઘણા ભાગોમાં હ્યૂમન મેટાપ્યૂમોવાયરસ (HMPV)નો પ્રકોપ વધી રહ્યો છે, જેના કારણે અધિકારીઓ ચિંતિત છે. અધિકારીઓએ લોકોને માસ્ક પહેરવા અને વારંવાર હાથ ધોવા કહ્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે HMPV શું છે? અને ચીનમાં તેના વધતા કેસોને લઇને ચિંતા શું છે? સવાલ એ છે કે શું ચીન તેને કોરોનાની જેમ દબાવી તો નથી રહ્યું ને.
વાસ્તવમાં, હ્યૂમન મેટાપ્યૂમોવાયરસ એ RNA વાયરસ છે. તે ન્યૂમોવાયરિડે પરિવારના મેટાપ્યૂમોવાયરસ વર્ગ સાથે જોડાયેલો છે. તે સૌ પ્રથમ 2001માં ડચ સંશોધકો દ્વારા શોધાયો હતો. આ વાયરસ ત્યારે બહાર આવ્યો જ્યારે સંશોધકો શ્વસન ચેપથી પીડિત બાળકોના નમૂનાઓનો અભ્યાસ કરી રહ્યા હતા. અભ્યાસો દર્શાવે છે કે આ વાયરસ ઓછામાં ઓછા 6 દાયકાથી અસ્તિત્વમાં છે. તે સામાન્ય શ્વસન રોગકારકના રૂપમાં સમગ્ર વિશ્વમાં ફેલાય ગયો છે. તે મુખ્યત્વે ખાંસી અને છીંક દ્વારા નીકળતા ટીપાંઓ દ્વારા ફેલાય છે. સંક્રમિત લોકોના નજીકના સંપર્ક અને દૂષિત વાતાવરણના સંપર્ક દ્વારા પણ ટ્રાન્સમિશન થઇ શકે છે. ચાઇનીઝ CDC વેબસાઇટ અનુસાર, આ વાયરસના ચેપનો સમયગાળો 3-5 દિવસનો હોય છે.
HMPV દ્વારા પ્રેરિત રોગપ્રતિકારક પ્રતિક્રિયા ખૂબ નબળી છે. જો કે તે આખા વર્ષ દરમિયાન જોવા મળી શકે છે, તે શિયાળા અને વસંતમાં સૌથી વધુ જોવા મળે છે.
આ વાયરસના સોફ્ટ ટાર્ગેટ બાળકો અને વૃદ્ધો છે. કોરોનાના સોફ્ટ ટાર્ગેટ આજ લોકો હતા. વાયરસના વધતા પ્રકોપને જોતા અધિકારીઓએ ફરીથી માસ્ક પહેરવાની સલાહ આપી છે. આરોગ્ય અધિકારીઓએ કહ્યું છે કે ભીડવાળી જગ્યાએ જવાનું ટાળો અને માસ્ક પહેરો. તમારા હાથને વારંવાર સેનિટાઇઝ કરતા રહો.
એક અન્ય ચીની અધિકારી કાન બિયાઓ અનુસાર, ચીન શિયાળા અને વસંતઋતુમાં શ્વાસ સંબંધી અનેક પ્રકારની બીમારીઓથી પ્રભાવિત થઇ શકે છે. જો કે, તેમણે કહ્યું નહોતું કે આ વર્ષે કુલ કેસોની સંખ્યા ગયા વર્ષ કરતા ઓછી હશે. તાજેતરમાં શોધાયેલ કેસોમાં રાઇનો વાયરસ અને હ્યૂમન મેટાપ્યૂમોવાયરસ જેવા રોગજનકનો સમાવેશ થાય છે. 14 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં હ્યૂમન મેટાપ્યૂમોવાયરસના કેસો વધી રહ્યા છે. આશ્ચર્યજનક રીતે, આ હ્યૂમન મેટાપ્યૂમોવાયરસ માટે હજુ સુધી કોઇ રસી બનાવવામાં આવી નથી. તેના લક્ષણો શરદી અને ઉધરસ જેવા જ છે.