એક એવું મંદિર, જ્યાં પક્ષીઓ પણ રાતવાસો નથી કરતા!
10/17/2020
Religion & Spirituality
મારે મંદીરીયે
મહેશ પુરોહિત
શિક્ષક, વિચારક
વિશ્વમાં કોઈ પણ જ્ગ્યાએ ભારતીય રાજનીતિની વાત થતી હોય ત્યારે પ્રતિકાત્મક રીતે મોટા ભાગે ભારતીય સંસદ ભવન જ બતાવવામાં આવે છે. પરંતુ આજે એવા સ્થળ વિષે વાત કરવી છે, જે ભારતીય સંસદભવન માટેની ‘પ્રેરણામૂર્તિ’ ગણાય છે. એવું કહેવાય છે કે ભારતીય સંસદ ભવનની ડિઝાઈન આ મંદિર પર આધારિત છે. આજે વાત કરીશું મધ્યપ્રદેશના મુરૈના જિલ્લામાં મિતાવલી ખાતે આવેલું “ચોસઠ યોગિની મંદિર” આ મંદિર જમીનથી 300 ફૂટ ઉપર એક ટેકરી પર આવેલું છે. એમ તો આ મંદિર ક્યારે બંધાયું તે કહી શકાય તેમ નથી પરતું ઘણા લોકોનું કહેવું છે કે આ મંદિર નવમી સદીમાં બનેલું હોવું જોઈએ. એવું પણ કહેવાય છે કે આ વિસ્તાર વિદ્યા અને સાધના માટે પૂરા વિશ્વમાં પ્રચલિત હતો. પરંતુ કોઈ ચોક્કસ પુરાવા ન હોવાથી નવમી સદીવાળી વાત માનવી મુશ્કેલ છે. પરંતુ આર્કિયોલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયા - ASIના કહેવા પ્રમાણે ચોસઠ યોગિની મંદિર ભલે ગમે એ સદીમાં બન્યું હોય, પરંતુ આ મદિરનું સમારકામ ઇ.સ. 1323માં રાજા દેવપાલજીએ કરાવ્યુ હતું, એ વાત પાક્કી છે.
ચોસઠ યોગિની મંદિર આમ તો ઘણી બાબતે વિશેષ છે. જેમાં સૌથી વધુ અચરજની વાત એ છે કે આ મંદિરનો આકાર ભારતીય સંસદ ભવન જેવો જ છે. માટે જ એક દાવો એવો પણ થઈ રહ્યો છે કે સંસદ ભવન બનાવવા માટે આ જ મંદિર નો આધાર લેવામાં આવ્યો છે. આ મંદિર 300 ફૂટ ઉંચી ટેકરી પર આવેલું હોવા છતાં મંદિરના માળખા ઉપર આટલા વર્ષોમાં ભૂકંપની અસર પણ નહિવત દેખાય છે. મિતવાલીથી થોડા જ અંતરે આવેલું બટેશ્વર મંદિર ભૂકંપને કારણે જ તૂટેલું, પણ ચોસઠ યોગિની મંદિર કોઈક કારણોસર ભૂકંપ પ્રૂફ હોવાથી હેમખેમ રહ્યું.
અંગ્રેજો અહિયાં આવીને આ મંદિર જોયું હોઇ તેવા કોઈ આધાર પુરાવા નથી. છતાં કેટલાય લોકો માને છે કે જે હદે ૧૯૨૦માં બનેલા સંસદ ભવન અને આ મંદિરની વચ્ચે સામ્યતા જોવા મળે છે, તે જોતાં સંસદભવનની રચનામાં ક્યાંકને ક્યાંક ચોક્કસપણે આ મંદિરનો આધાર લીધો હોવાનું જણાઈ આવે છે.
આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. મંદિરની રચના વૃત્તીય આક્કારે છે. મંદિરની અંદર ફરતે 64 ઓરડાઓ છે. અને મધ્યમાં એક ખુલ્લો મંડપ છે. દરેક ઓરડામાં ભગવાન શિવનું શિવલિંગ અને બહાર યોગિનીની મૂર્તિ હતી. મંદિરનું ‘ચોસઠ યોગિની’ નામ એટલા માટે જ પડ્યું છે. હાલમાં આ મૂર્તિઓ હટાવી લેવામાં આવી છે અને સરકાર હસ્તક લેવામાં આવી છે. યોગિનીઓને માં દુર્ગાના જ રૂપો માનવમાં આવે છે.
દરેક યોગિનીની પોતાની એક ચોક્કસ શક્તિ હોય છે. કહેવાય છે કે દેવો પણ જ્યારે મુશ્કેલીમાં મૂકાતા, ત્યારે જરૂરિયાત મુજબ જે-તે યોગિનીની સાધના કરતા અને શક્તિ મેળવતા. આખા ભારતમાં યોગીનીઓના ચાર જ મંદિરો છે, જે પૈકી બે મધ્યપ્રદેશમાં અને બે ઓડિશામાં છે. વિશ્વ જ્યારે અંધકાર યુગમાં જીવતું હતું, ત્યારે આ મંદિરોમાં તાંત્રિક વિદ્યા, જ્યોતિષ વિદ્યા અને ગણિત જેવા વિષયો ભણાવવામાં આવતા! એવું કહેવાય છે કે ચોસઠ યોગિની મંદિર તો તાંત્રિક વિદ્યાનું વિશ્વવિદ્યાલય હતું. અહિયાં એવી વિદ્યા શીખવવામાં આવતી, કે જેના થકી ભૂતકાળ અને ભવિષ્ય કાળ પણ જાણી શકતો હતો.
મંદિરનુ બાધકામ વર્તુળાકારમાં કરાયું છે જેવા મંદિરમાં પ્રવેશ કરીયે એટલે વચ્ચે ગર્ભગૃહ છે ને તેની ફરતે 64 ઓરડાઓ છે આ તમામ ઓરડાઓ ના પરિસરમાં 100 સ્તંભો છે. સ્તંભો જે રીતે માપસર છે, તેનાથી મંદિરની સુંદરતા ઉડીને આંખે વળગે છે. એવું કહેવાય છે કે મંદિરના વચ્ચે આવેલ ગર્ભગૃહના નીચેના ભાગમાં પત્થરમાં હીરા જડેલા હતા! મંદિર ની ફરતે રાતના સમયમાં સળગતી મશાલ રાખવામા આવતી તેનો પ્રકાશ તે હીરાઓ પર પડતો ને રાતના સમયમાં આખું મંદિર થઇ ઊઠતું. પરંતુ મોગલકાળમાં તે હીરાઓ ચોરી થયા! (એક ટુરિસ્ટ ગાઈડના કહેવા પ્રમાણે) આજે પણ તે મંદિરમાં કોઈ રાત્રિ રોકાણ કરતું નથી. એવું કહેવાય છે કે માણસ તો છોડો ત્યાં કોઈ પક્ષી પણ રાત્રિ રોકાણ કરતું નથી! માટે જ આજ સુધી ત્યાં કોઈ પક્ષીનો માળો બન્યો જ નથી! જો કે આ વાત નું રહસ્ય અંકબંધ છે. કદાચ ભૂતકાળમાં આ મંદિર સાથે તાંત્રિક વિદ્યાની જે વાતો જોડાયેલી, એના પ્રતાપે લોકો રાત્રિ સમયે આ મંદિરથી દૂર રહેતા હોય એમ બને. પરંતુ પશુ-પક્ષીઓ પણ દૂર રહેતા હોવાનું કારણ શું હશે?!
ચોસઠ યોગિની મંદિર એન્જિનીયરીંગનો ઉત્તમ નમૂનો પણ ગણાય છે. આજે આપણે પાણી સિંચન માટે અલગ અલગ ટૅક્નિક અપનાવીએ છે. પાણીના નિકાલની અને પાણીને ભૂગર્ભમાં ઉતારવા માટેની જે વ્યવસ્થા અહીં જોવા મળે છે, એ આપણી અદ્યતન જળવ્યવસ્થાને ય ભૂ પીવડાવી દે એવી છે. આજથી થી એક હજાર વર્ષ પહેલા આપણા પૂર્વજો વોટર હાર્વેસ્ટિંગની ટૅક્નિક જાણતા હતા અને અમલમાં ય મુકતા હતા. ભૂગર્ભજળનું મહત્વ એ લોકો હજાર વર્ષ પહેલા ય સમજતા હતા. અગાઉ જણાવ્યું એમ ભૂકંપની ય આ મંદિર પર એવી કોઈ ખાસ અસર નથી થઇ. એ ય એક શામ્ત્કાર જ કહેવાય.
આવા તો હજારો લાખો નિર્માણો આપણા ભવ્ય વારસાના પુરાવા છે. ફરી મળીશું આવતા શનિવારે, આવા જ એક અદભૂત વારસાની વાત લઈને. સહુને આજથી શરુ થતી નવરાત્રીની શુભકામનાઓ.
હર હર મહાદેવ! બોલો શ્રી અંબે માત કી જય!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp