India Vs Australia Test Series: સુનિલ ગાવસ્કરને લઈને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ માગી માફી, જાણો શું છે સમગ્ર મામલો
Cricket Australia On Not Calling Sunil Gavaskar To Present Border Gavaskar Trophy: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર શ્રેણી રવિવારે સમાપ્ત થઈ હતી, જેમાં કાંગારૂ ટીમ 3-1થી વિજેતા બની હતી. સીરિઝ પૂર્ણ થયા બાદ ઓસ્ટ્રેલિયાની ટીમ જીતના સેલિબ્રેશનમાં એટલી મગ્ન થઈ ગઈ કે તેણે મહાન ભારતીય ક્રિકેટર સુનિલ ગાવસ્કરનું અપમાન કરી દીધું. વાસ્તવમાં, ગાવસ્કરને ભારત સામેની 5 મેચોની શ્રેણી જીતનાર ઓસ્ટ્રેલિયન ટીમને બોર્ડર-ગાવસ્કર ટ્રોફી આપવા માટે આમંત્રિત કર્યા નહોતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA)એ એવોર્ડ સમારોહમાં માત્ર એલન બૉર્ડરને જ આમંત્રણ આપ્યું હતું. પરંતુ હવે વિવાદ વધ્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ અંગે માફી માગી છે.
CAએ સ્વીકાર્યું કે તે આદર્શ પરિસ્થિતિ નહોતી કે ભારતીય દિગ્ગજ પોડિયમથી દૂર રહે. CAએ ક્રિકબઝને આપેલા નિવેદનમાં કહ્યું કે, 'અમારું માનવું છે કે જો એલન બૉર્ડર અને સુનિલ બંનેને એકસાથે સ્ટેજ પર આવવા માટે કહેવામાં આવ્યું હોત તો સારું હોત.' તમને જણાવી દઈએ કે 75 વર્ષીય ગાવસ્કરે રવિવારે કહ્યું હતું, 'મને ઓસ્ટ્રેલિયન ટીમને ટ્રોફી આપવા માટે કહેવામાં આવ્યું નહોતું.'
એવું લાગે છે કે CAની યોજના ગાવસ્કર અથવા બોર્ડર કોઇ એકને એવોર્ડ સમારંભમાં આમંત્રિત કરવાની હતી, જેમાં શ્રેણી વિજેતાના આધારે મહેમાનનું નામ નિર્ભર હતું. આ બાબતની વિગતો આપતા, CA અધિકારીએ જણાવ્યું કે તેમની યોજના એવી હતી કે જો ભારત શ્રેણી જીતે તો સુનિલ પોતાની ટીમને ટ્રોફી આપશે, જ્યારે કાંગારૂ ટીમ શ્રેણી જીતશે તો એલન બૉર્ડર આપશે.
1996-97ની સીરિઝ દરમિયાન પહેલી વખત ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત થઈ હતી, જે ભારતમાં રમાઈ હતી. નામકરણ પછીથી, બંને દેશો વચ્ચે સ્થાનિક અને વિદેશી મેદાન પર 17 શ્રેણી રમાઈ છે. એકંદરે, બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 29 શ્રેણી રમાઈ છે, જેમાં ઓસ્ટ્રેલિયાએ ભારત પર અત્યાર સુધીમાં 13-11ની સરસાઈ મેળવી છે, જ્યારે 5 શ્રેણી ડ્રો રહી છે. 1947-48માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ શ્રેણી ઓસ્ટ્રેલિયામાં રમાઈ હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp