એક ઇનિંગ અને 10 વિકેટ : ભારતીય મૂળના કિવી ક્રિકેટર એજાઝ પટેલે ઈતિહાસ રચી દીધો

એક ઇનિંગ અને 10 વિકેટ : ભારતીય મૂળના કિવી ક્રિકેટર એજાઝ પટેલે ઈતિહાસ રચી દીધો

12/04/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

એક ઇનિંગ અને 10 વિકેટ : ભારતીય મૂળના કિવી ક્રિકેટર એજાઝ પટેલે ઈતિહાસ રચી દીધો

સ્પોર્ટ્સ ડેસ્ક: ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ હાલ ભારતના પ્રવાસે છે. બંને વચ્ચે બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. જેમાં મૂળ ભારતીય અને ન્યુઝીલેન્ડની ટીમ તરફથી રમતા એજાઝ પટેલે એક જ ઇનિંગમાં તમામ 10 વિકેટ લઈને ક્રિકેટના દુર્લભ વિક્રમોમાં પોતાનું નામ અંકિત કરી દીધું છે. 

એજાઝ પટેલે 47.5 ઓવરમાં 119 રન આપીને તમામ 10 વિકેટ ઝડપી હતી. આ સાથે પટેલ એક ઇનિંગમાં 10 વિકેટ લેનારો વિશ્વનો ત્રીજો બોલર બની ગયો છે. આ પહેલા અનિલ કુંબલે અને જિમ લેકરે આ રેકોર્ડ બનાવ્યો હતો.


અત્યાર સુધી માત્ર બે જ બોલરો આ કામ કરી શક્યા છે

141 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં માત્ર બે બોલરો એક ઈનિંગમાં 10 વિકેટ લઈ શક્યા છે. ઈંગ્લેન્ડના જિમ લેકરે સૌપ્રથમ 1956માં આ રેકોર્ડ પોતાના નામ કર્યો હતો. તેણે ઓસ્ટ્રેલિયા સામે માન્ચેસ્ટર ટેસ્ટમાં એક ઇનિંગમાં 10 વિકેટ ઝડપી હતી. 

લેકર બાદ ભારતના મહાન લેગ-સ્પિનર ​​અનિલ કુંબલેએ 1999માં આ સિદ્ધિનું પુનરાવર્તન કર્યું હતું. તેણે દિલ્હીમાં પાકિસ્તાન સામે રમાયેલી ટેસ્ટ મેચમાં એક ઇનિંગમાં તમામ 10 વિકેટ લીધી હતી. આ સાથે જ પટેલ વિદેશી ધરતી પર આ સિદ્ધિ મેળવનાર પ્રથમ બોલર બન્યો છે. કુંબલે અને જિમ લેકરે હોમ ગ્રાઉન્ડ પર આ રેકોર્ડ બનાવ્યો હતો. 


ભારતીય ટીમે અભિવાદન કર્યું

પોતાની કારકિર્દીની 11 મી ટેસ્ટ રમતા એજાઝે મોહમ્મદ સિરાજને આઉટ કરતાની સાથે તેની દસ વિકેટ પૂર્ણ કરી હતી. ભારતીય ટીમે ઉભા થઈને તેનું અભિવાદન કર્યું અને અમ્પાયરોએ તેને બોલ પણ આપી દીધો હતો. 

33 વર્ષીય સ્પિનર ​​એજાઝ પટેલનો જન્મ મુંબઈમાં થયો હતો. તે આઠ વર્ષની ઉંમર સુધી મુંબઈના જોગેશ્વરીમાં રહ્યો હતો. વર્ષ 1996માં તેના માતા-પિતા ન્યુઝીલેન્ડ સ્થળાંતર કરી ગયા હતા. બીજી ટેસ્ટની પહેલી ઇનિંગમાં એજાઝ પટેલે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી, ચેતેશ્વર પૂજારા, શુભમન ગિલ, શ્રેયસ ઐયર, રિદ્ધિમાન સાહા, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, જયંત યાદવ, મોહમ્મદ સિરાજ અને મયંક અગ્રવાલને આઉટ કરીને પેવેલિયન ભેગા કરી દીધા હતા. જેમાં કોહલી, પૂજારા અને અશ્વિન પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા ન હતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top