Narmada Canal Bridges: થોડા દિવસ અગાઉ જ મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રને જોડતો મહત્ત્વપૂર્ણ ગંભીરા બ્રિજનો એક સ્લેબ તૂટી પડ્યો હતો, જેમાં ઘણા વાહનો મહિસાગર નદીમાં ખાબક્યાં હતા. અકસ્માતમાં 20 જેટલા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના તમામ પુલોનું નિરીક્ષણ કરવાનો આદેશ આપ્યો હતો. ત્યારે હવે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા વિભિન્ન માર્ગો અને પુલોનું સમારકામ યુદ્ધના ધોરણે ચાલી રહ્યું છે.
રાજ્ય સરકારે સાવચેતીના પગલાના ભાગ રૂપે રાજ્યમાં વ્યાપક નર્મદા નહેર નેટવર્ક પર સ્થિત વિવિધ પુલોનું ટેક્નિકલ નિરીક્ષણ પણ કર્યું છે અને તેની ગુણવત્તા સુનિશ્ચિત કરવામાં આવી છે. એવામાં હવે સમાચાર સામે આવી રહ્યા છે કે નર્મદા કેનાલ પરના 36 જેટલા પુલોને તાત્કાલિક પ્રભાવથી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 5 ફૂલને પૂરી રીતે બંધ કરી દેવામાં આવ્યા છે અને 4 પુલ એવા છે જેના પર હેવી વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે.
સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ (SSNNL)ના જણાવ્યા અનુસાર, આ નહેર નેટવર્ક પરથી પસાર થતા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો અને ગ્રામીણ રસ્તાઓને જોડતા લગભગ 2110 પુલ છે. આ પુલોની વર્તમાન સ્થિતિનું મૂલ્યાંકન કરવા, સંભાવિત ક્ષતિ રોકવા અને આ સંરચનાઓને ટકાઉ બનાવવા માટે SSNNL દ્વારા હાલમાં આ બધા પુલો પર એક વ્યાપક નિરીક્ષણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું કે, 5 પુલ પૂરી રીતે બંધ છે, તેમાંથી 2 મોરબી જિલ્લામાં છે જ્યારે 3 સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર વઢવાણ તાલુકાના બાલા-બાલા ફાર્મ પાસેનો પુલ.
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર તાલુકાના ઢાંકી-છારદ ગામ પાસે સ્થિત પુલ.
સુરેન્દ્રનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર બ્રાંચ કેનાલ પર લખતર-વણા ગામ પાસે સ્થિત પુલ.
મોરબી જિલ્લામાં નેશનલ હાઇવે 151 અને મચ્છુ નદી વચ્ચે માળિયા બ્રાંચ કેનાલ પર સ્થિત પુલ.
મોરબી જિલ્લામાં માળિયા બ્રાંચ કેનાલ પર અજીતગઢ અને ઘંટીલા ગામને જોડતા રોડ પર સ્થિત પુલ.
આ પુલો પર ભારે વાહનોની અવરજવર બંધ કરાઇ
અમદાવાદ જિલ્લામાં રાયપુર અને મેદરાને જોડતા માર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.
અમદાવાદ જિલ્લામાં વલ્લભીપુર બ્રાંચ કેનાલ પર ફેદરા-બગોદરા અને ભાવનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર સ્થિત પુલ.
અમદાવાદના નરોડા અને ગાંધીનગરના દહેગામને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પરની કેનાલ પર સ્થિત પુલ.
પાટણ જિલ્લાના સંતાલુર તાલુકામાં કચ્છ બ્રાંચ કેનાલ પર સીધાળા અને સુઈગામને જોડતા રોડ પર સ્થિત પુલ.