કેનેડા-ભારત વચ્ચે સબંધો વણસતાં ગુજરાતી વિદ્યાર્થી-વાલીઓ ચિંતાતુર, એડમિશન પછીય કેનેડિયન કોલેજોએ હાથ ઊંચા કર્યાં
કેનેડા અને ભારત વચ્ચે રાજદ્વારી સબંધો વણસ્યા છે. કેનેડાએ ખાલિસ્તાન તરફી વલણ દાખવતાં ભારત સરકારે એડવાઇઝરી જારી રહી છે. એટલુ જ નહીં, ક્રાઇમ હેટ થવાની દહેશત વ્યક્ત કરી કેનેડામાં અભ્યાસ કરતાં ભારતીય વિદ્યાર્થીઓને સાવચેત રહેવા અપીલ કરી છે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા સવિશેષ છે. આ જોતાં ગુજરાતમાં ચિંતાનો માહોલ ઉભો થયો છે.આ ઉપરાંત અત્યારે કેનેડામાં અભ્યાસ કરવા જવા ઇચ્છુક 800થી વધુ વિદ્યાર્થીઓએ પણ થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. ભારત-કેનેડા વચ્ચેના રાજકીય સબંધો વચ્ચે તિરાડ પડતાં વિઝા કન્સલ્ટટન્ટની ઓફિસો પર ઇન્કવાયરી વધી છે.
દર વર્ષે ગુજરાતમાંથી વિવિધ દેશોમાં વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે એડમિશન મેળવે છે. કેનેડા ગુજરાતી વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે. આ વર્ષે કેનેડામાં સપ્ટેમ્બર અને જાન્યુઆરી ઇન્ટેક ફુલ થયુ છે. સપ્ટેમ્બર સત્ર માટે વિદ્યાર્થીઓ તો કેનેડા પહોચી ગયા છે. કેનેડિયન કોલેજોમાં એડમિશન માટે સૌથી વધુ અરજીઓ ગુજરાતમાંથી થઇ છે. ગત વર્ષે આખાય ભારતમાંથી સ્ટુન્ડસ વિઝા પર કુલ 2,26,450 વિદ્યાર્થીઓ કેનેડા પહોચ્યા હતાં. ઉલ્લેખનીય છેકે, દર વર્ષે આઠ-દસ હજાર ગુજરાતી વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે કેનેડા જાય છે.
ભારત સરકારે એડવાઇઝરી જાહેર કરી છેકે, કેનેડામાં ભારતવિરોધી ગતીવિધિઓ વધી રહી છે જેના કારણે ભારતીય વિદ્યાર્થીઓએ સાવધાની રાખવી. નફરત અને હિંસાની ઘટના બનતી હોય તેવા સંભવિત વિસ્તાર-સ્થળોએ જવાનુ ટાળે. આ કારણોસર ગુજરાતી વિદ્યાર્થીઓ-વાલીઓમાં ચિંતાનો માહોલ છે. ટ્રાવેલ એજન્ટ અંકિત બજાજનું કહેવુ છે કે, કેનેડા અને ભારત વચ્ચેના સબંધો વણસતાં વિદ્યાર્થીઓની માનસિક ચિંતા વધી છે. આજે જ 12-15 સ્ટુડન્ટ્સોએ હાલ પુરતુ કેનેડા જવાનુ રદ કર્યુ છે. મહત્વની વાત એ છે કે, આ પરિસ્થિતી વચ્ચે કેનેડિયન કોલેજોએ પણ હાથ ઉંચા કર્યા છે. કોલેજ તરફથી કોઇ સપોર્ટ અપાતો નથી. વાલીઓ સંતાનોની ચિંતા કરી રહ્યા છે. લાખો રૂપિયા ખર્ચીને પણ કેનેડામાં અસમંદશભરી સ્થિતી હોય તો કરવું શું ? તે મૂંઝવતો સવાલ છે. આખાય ગુજરાતમાં 800થી વધુ સ્ટુડન્ટસ એવા છે જેમણે હાલની સ્થિતીને જોતા થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. ટૂંકમાં, અમદાવાદ સહિત ગુજરાતમાં વિઝા કન્સલ્ટટન્ટોની ઓફિસોમાં ઇન્ક્વાયરીને લઇને ફોનની ઘંટડીઓ રણકી ઉઠી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp