ICC Women T20 World Cup 2024: T20 વર્લ્ડ ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને મળ્યું 20 કરોડનું ઇનામ, જાણો ભારતીય ટીમને કેટલા રૂપિયા મળ્યા?
મહિલા T20 ક્રિકેટે 8 વર્ષ બાદ એક નવી ચેમ્પિયન ટીમ મળી ગઇ છે. ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત મહિલા T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો, છેલ્લા ઘણા વર્ષોથી ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના શાસનનો અંત આવ્યો. રવિવાર 20 ઓક્ટોબરે દુબઇમાં રમાયેલી ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રનથી હરાવ્યું અને તેની સાથે જ તેની ત્રીજી ફાઇનલ રમતા પ્રથમ વખત ચેમ્પિયનશિપ પર કબજો કર્યો હતો. ન્યૂઝીલેન્ડને વિશ્વ કપની ચમકતી ટ્રોફી મળી અને લગભગ 20 કરોડ રૂપિયાનું ઇનામ પણ મળ્યું હતું. તો દક્ષિણ આફ્રિકાને પણ 10 કરોડ રૂપિયા મળ્યા, જ્યારે પહેલા રાઉન્ડમાં જ બહાર થઇ ગયેલી ભારતીય ટીમને પણ થોડા પૈસા મળ્યા.
3 ઑક્ટોબરે UAEમાં શરૂ થયેલું ટૂર્નામેન્ટ, 20 ઑક્ટોબરે દુબઇ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત ફાઇનલ સાથે સમાપ્ત થયું હતું. આ ફાઇનલમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરીને 20 ઓવરમાં 158 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. દક્ષિણ આફ્રિકા માટે આ ટાર્ગેટ ખૂબ મોટો સાબિત થયો અને આખી ટીમ 20 ઓવરમાં માત્ર 126 રન જ બનાવી શકી. આ રીતે ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત T20 વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવી. જ્યારે દક્ષિણ આફ્રિકા ફરી એકવાર ખિતાબથી ચૂકી ગયું. ગયા વર્ષે પણ તેને ફાઇનલમાં જ ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ જીત સાથે, ન્યૂઝીલેન્ડને પ્રથમ વખત મહિલા T20 વર્લ્ડ કપની સુંદર ટ્રોફી મળી, પરંતુ માત્ર ટ્રોફી જ નહીં, પરંતુ ન્યૂઝીલેન્ડને ટૂર્નામેન્ટની શ્રેષ્ઠ ટીમ બનવાનો જબરદસ્ત ઇનામ પણ મળ્યું હતું. ICCએ આ વખતે મહિલા T20 વર્લ્ડ કપની ઇનામી રકમ બમણી કરી દીધી છે. આ રીતે ચેમ્પિયન ન્યૂઝીલેન્ડને પણ 2.34 મિલિયન ડૉલર એટલે કે લગભગ 19.67 કરોડ રૂપિયાનું ઇનામ મળ્યું છે. મહિલા T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં કોઇપણ ચેમ્પિયન ટીમને મળેલી આ સૌથી મોટી ઇનામી રકમ છે. આ ઉપરાંત ગ્રુપ સ્ટેજની એક મેચ જીતવા માટે દરેક ટીમને 26.19 લાખ રૂપિયા પણ આપવામાં આવશે. ન્યૂઝીલેન્ડે ગ્રુપ સ્ટેજમાં 3 મેચ જીતી હતી, તેથી તેને વધારાના 78 લાખ રૂપિયા મળશે. આ રીતે ન્યૂઝીલેન્ડને લગભગ 20.45 કરોડ રૂપિયા ઇનામ તરીકે મળશે.
તો ઉપવિજેતા દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં પહોંચવા માટે 1.17 મિલિયન ડૉલર એટલે કે 9.83 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. દક્ષિણ આફ્રિકાએ ગ્રુપ સ્ટેજમાં પણ 3 મેચ જીતી છે અને એટલે તેને વધારાના 78 લાખ રૂપિયા પણ મળશે. એટલે કે સાઉથ આફ્રિકાની ટીમ કુલ રૂ. 10.62 કરોડ લઇ જશે. જ્યાં સુધી ભારતીય ટીમનો સવાલ છે, ટૂર્નામેન્ટમાં તેના નિરાશાજનક પ્રદર્શનથી તેને મળેલી રકમ પર પણ અસર પડી. ભારતીય ટીમ ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઇ ગઇ હતી. જોકે, ભારતીય ટીમે પોતાના ગ્રુપમાં શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવ્યું હતું અને તેથી આ 2 મેચ જીતવા બદલ ભારતીય ટીમને માત્ર 52 લાખ રૂપિયા મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp