India Vs Australia 5th Test: ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમને મોટો ઝટકો, ઇજાના કારણે સ્ટાર બૉલર બહાર
Akash Deep: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની 5 મેચોની ટેસ્ટ શ્રેણીમાં ઓસ્ટ્રેલિયન ટીમ 2-1થી આગળ ચાલી રહી છે. આ શ્રેણીની પાંચમી અને છેલ્લી મેચ સિડનીમાં 3 જાન્યુઆરી 2025થી રમાશે. આ ટેસ્ટ મેચ અગાઉ ભારતીય ટીમને જોરદાર ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરે જણાવ્યું કે આકાશદીપ ઇજાગ્રસ્ત છે અને પીઠના દુઃખાવાથી પરેશાન છે.
આ કારણે તે પાંચમી ટેસ્ટમાં ભારતના પ્લેઈંગ-11માંથી બહાર થઇ ગયો છે. એવા સ્થિતિમાં, એવું માનવામાં આવે છે કે આકાશદીપ બહાર થયા બાદ, ભારતીય ટીમ છેલ્લી ટેસ્ટ મેચ કદાચ હર્ષિત રાણા અથવા પ્રસિદ્ધ કૃષ્ણ સાથે રમવા ઉતરી શકે છે, કારણ કે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ સામાન્ય રીતે સ્પિન બોલરો માટે મદદરૂપ છે, તેથી ભારત 2 સ્પિનરો સાથે રમી શકે છે.
આકાશદીપે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2024-25માં 2 મેચમાં (બ્રિસબેન અને મેલબોર્ન) 5 વિકેટ લીધી હતી. સાથે જ તેની બૉલિંગમાં પણ ઘણા કેચ ડ્રોપ પણ થયા હતા. આ દરમિયાન, પાંચમી ટેસ્ટ મેચમાં ઇજાને કારણે બહાર થવાથી ભારતને ઝટકો લાગ્યો છે. કોચ ગૌતમ ગંભીરે મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં આ ખુલાસો કર્યો હતો. ગંભીરે કહ્યું કે, આકાશદીપ પીઠની ઇજાને કારણે ટીમની બહાર છે, આ દરમિયાન ગંભીરે એમ પણ કહ્યું કે પ્લેઈંગ-11નો નિર્ણય પીચને ધ્યાનમાં લઇને કરવામાં આવશે.
તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પુષ્ટિ કરી છે કે ઓલરાઉન્ડર મિશેલ માર્શ ખરાબ ફોર્મના કારણે શ્રેણી નિર્ણાયક મેચમાં ભાગ લેશે નહીં. તસ્માનિયાનો ઓલરાઉન્ડર બ્યૂ વેબસ્ટર પોતાનું ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. આ માહિતી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપી હતી.
33 વર્ષીય માર્શે ચાર ટેસ્ટ મેચની 7 ઇનિંગ્સમાં માત્ર 73 રન બનાવ્યા હતા અને કમિન્સે તેને જ ટીમમાંથી બહાર થવાનું કારણ ગણાવ્યું હતું. તેણે અત્યાર સુધી સીરિઝમાં માત્ર 33 ઓવર નાખી છે અને માત્ર 3 વિકેટ લીધી છે. કમિન્સે મેચ અગાઉ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે અમારી ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. મિચેલ માર્શની જગ્યાએ બ્યૂ વેબસ્ટર આવ્યો છે. મિચેલ જાણે છે કે તેણે પૂરતા રન બનાવ્યા નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp