“જરૂરી નથી કે જે ગુરુ પાસે ભીડ આવે છે કે નેતા-અભિનેતા જાય છે તે ગુરુ પણ અસલી જ હોય!” : આનંદમૂર્

“જરૂરી નથી કે જે ગુરુ પાસે ભીડ આવે છે કે નેતા-અભિનેતા જાય છે તે ગુરુ પણ અસલી જ હોય!” : આનંદમૂર્તિ ગુરુમા

12/03/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

“જરૂરી નથી કે જે ગુરુ પાસે ભીડ આવે છે કે નેતા-અભિનેતા જાય છે તે ગુરુ પણ અસલી જ હોય!” : આનંદમૂર્

સુરત: સુરતના સ્વામીનારાયણ સભાગૃહમાં સવારે આઠથી દસ દરમિયાન યોજાયેલી આ પ્રવચન શૃંખલાનો લાભ મોટી સંખ્યામાં સુરતવાસીઓએ લીધો હતો. આજકાલ મોટા ભાગના સંત લોકોને ગમે એવું મીઠું મીઠું બોલતા હોય છે, પરંતુ મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમા ક્યારેક કડવા થઈને પણ લોકોને રોકડું સત્ય પરખાવી રહ્યા છે.


હીરા ગમે એટલા ચક્દાર હોય પણ...

હીરા ગમે એટલા ચક્દાર હોય પણ...

૨ ડિસેમ્બરનાં પ્રવચનમાં ગુરુમાએ ખીચોખીચ ભરેલા સમુદાયને સંબોધતા કહ્યું કે સુરતમાં લેબમાં બનાવેલા એટલે કે પ્રયોગશાળામાં સર્જાયેલા હીરા વેચાય છે. એ હીરા દેખાવમાં ગમે તેટલા ચમકદાર હોય પણ એ અસલી નથી હોતા એ જ રીતે જરૂરી નથી કે જે ગુરુ પાસે ભીડ આવે છે કે નેતા-અભિનેતા જાય છે તે ગુરુ પણ અસલી જ હોય. સાચા ગુરુની વ્યાખ્યા કરતા આધુનિક મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમાએ કહ્યું હતું કે જે ધન-પ્રતિષ્ઠાના ગુલામ નથી, જેમના મનમાં દ્વેત નથી, જે બધામાં પરમાત્માને જુએ છે, જે આનંદસ્વરૂપ છે, જ્ઞાનસ્વરૂપ છે તે ગુરુ છે. ગુરુ અથવા સંત અને સામાન્ય માનવીના મૂળભૂત સ્વરૂપમાં ભેદ નથી ફક્ત ગુરુ જ્ઞાની છે અને શિષ્ય કે ચેલાઓ અજ્ઞાની છે. જોકે લોકોને જ્ઞાનમાં નહીં આશીર્વાદમાં અથવા એવા ચમત્કારમાં જ રસ છે જેને કારણે તેમના જીવનની ભૌતિક તકલીફો દૂર થઈ જાય એવું ક્રાંતિકારી વિધાન જાણીતા મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમાએ સુરતમાં યોજાયેલી ચાર દિવસીય પ્રવચન શૃંખલાના ત્રીજા દિવસે કહ્યું હતું.


જે મંદિર વિશે એવી વાયકા ફેલાય કે...

જે મંદિર વિશે એવી વાયકા ફેલાય કે...

કોઈની શેહશરમ રાખ્યા વિના સત્ય ઉચ્ચારવા માટે જાણીતા ગુરુમાએ કહ્યું હતું કે જે મંદિર વિશે એવી વાયકા ફેલાય કે અહીં મનોકામના પૂર્ણ થાય છે એ મંદિરમાં ભીડ થાય છે. એ વખતે આપણે શ્રીકૃષ્ણે ગીતામાં કહેલી વાત ભૂલી જઈએ છીએ કે માનવીનો અધિકાર કર્મ પર છે તેના ફળ પર નહીં. વ્યક્તિને તેના કર્મ અનુસાર ફળ મળે છે એ સિદ્ધાંત છે. પાપકર્મનું ફળ દુઃખ જ હોવાનું છે. આજે લોકો બેફામ ભ્રષ્ટ્રાચાર કરે છે. સરકારી કામોમાં કેટલાંક લોકો ભ્રષ્ટાચાર કરે છે. જે વ્યક્તિ બેઈમાનીનો પૈસો કમાય છે તે વ્યક્તિ ધાર્મિક નથી; ઢોંગી છે.

પરમાત્મા મંદિરમાં નથી. મંદિર તો મનુષ્યે બનાવ્યા છે અને એટલે ત્યાં અમીરોનું માન-સન્માન થાય છે. મંદિરોમાં ભગવાન નથી, પણ એ મંદિર ભગવાનની યાદ અપાવવા માટે છે. પરમાત્મા તો સર્વત્ર છે, અનંત છે. સ્વયં શ્રીકૃષ્ણ ભગવાને ગીતામાં કહ્યું છે કે હું ઈશ્વર સર્વ ભૂત એટલે બધા તત્ત્વોમાં છું. આ સૃષ્ટિ પાંચ ભૂત એટલે કે પાંચ તત્ત્વોની બનેલી છે અને આ પાંચેય તત્ત્વનો આધાર-અધિષ્ઠાન ઈશ્વર છે જેને ઉપનિષદ બ્રહ્મા કહીને સંબોધે છે.


જેમ સોનાના આભૂષણમાં જ સોનું છે એ જ રીતે પરમાત્મા આ સૃષ્ટિમાં જ છે

જેમ સોનાના આભૂષણમાં જ સોનું છે એ જ રીતે પરમાત્મા આ સૃષ્ટિમાં જ છે

સામાન્ય લોકોના મનમાં ઘર કરી ગયેલી માન્યતાઓને દૂર કરતા તેમણે કહ્યું હતું કે જેમ સોનાના આભૂષણમાં જ સોનું છે એ જ રીતે પરમાત્મા આ સૃષ્ટિમાં જ છે. સોના વિના સોનાના ઘરેણાં હોઈ ન શકે એમ પરમાત્મા જ સૃષ્ટિ છે. આ જ વાતને ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણે કહી છે કે હું તારા જ હૃદયમાં વાસ કરું છું.

કર્મના સિદ્ધાંતને સાવ સરળતાથી અને સહજતાથી સમજાવતા તેમણે કહ્યું હતું કે વ્યક્તિએ કરેલા પાપ કર્મનું ફળ દુઃખ અને પુણ્ય કર્મનું ફળ સુખ છે. પુણ્ય અને પાપ વિશેની આ વાતો આપણી શાળાઓમાં કેમ ભણાવવામાં નથી આવતી? એવો પ્રશ્ન તેમણે ઉપસ્થિત કર્યો હતો. આપણે 15મી ઓગસ્ટ 1947માં આઝાદ થયા પણ આપણી માનસિકતા હજુ ગુલામીની જ રહી છે. આપણે પોતાની સંસ્કૃતિ અને મૂલ્યોથી વિમુખ થઈ રહ્યા છીએ. ઘરના એક ખૂણામાં મંદિર રાખીને સવારે ઘંટડી વગાડી લેવાથી ધાર્મિક નથી થઈ જવાતું. પરિવારોમાં અને શાળાઓમાં બાળકોને નૈતિક મૂલ્યોના પાઠ ભણાવવામાં નથી આવતા. તેમણે ગુજરાત એજ્યુકેશન બોર્ડને વિનંતી કરી હતી કે શાળામાં સંસ્કૃત ફરજિયાત કરો, બાળકોને આપણા ધર્મ અને મૂલ્યો વિશેનું શિક્ષણ પણ આપો.

તમારી જીવનમાં સુખ કે દુઃખ છે એ તમારા પાપ-પુણ્યના ફળસ્વરૂપ છે. જો કોઈને કષ્ટ આપશો, અપમાન કરશો, કોઈના હકના પૈસા ઝૂંટવી લેશો, નિંદા કરશો તો એના ફળ તરીકે દુઃખ આવશે જ. જેઓ આર્થિક રીતે કમજોર છે તેમનું અપમાન ન કરો ઉલ્ટું તેમની સાથે ખૂબ સારી રીતે વર્તો એવી શીખ તેમણે આપી હતી. આજે જો જીવનમાં કષ્ટ છે તો એ પૂર્વના કરેલા કર્મોને કારણે છે અને જો તમે ભવિષ્યમાં દુઃખ નથી ઇચ્છતા તો શુભ કર્મ કરો. આ રીતે તમારી જીવનની પટકથાના લેખક તમે જાતે જ બની શકો છો.

મનુષ્ય, પશુ-પક્ષીઓની સેવા, પ્રાણાયામ, ભજન, જપ દ્વારા મનને એકાગ્ર કરવાથી જીવનમાં તપસ્યા આવે છે, પુણ્ય વધે છે અને પુણ્યવાન વ્યક્તિ ક્યારેય દુઃખી નથી થતી. તેના જીવનમાં દુઃખભરી પરિસ્થિતિ હોય તો પણ તે વ્યક્તિ દુઃખી નથી થતી.

મહાભારતમાંના એક પ્રસંગ વિશે વાત કરતા તેમણે કહ્યું હતું કે કુરુક્ષેત્રના યુદ્ધ બાદ શ્રીકૃષ્ણ જ્યારે પાંડવોની વિદાય લઈ દ્વારિકા જઈ રહ્યા હતા ત્યારે શ્રીકૃષ્ણી ફોઈ અને પાંડવોની માતા કુંતીએ શ્રીકૃષ્ણ પાસે એક માગણી કરી હતી. તેમની માગણી સાંભળીને તેમના પુત્રો ચોંકી ગયા હતા કારણ કે કુંતીએ ભગવાન શ્રીકૃષ્ણને કહ્યું હતું કે દુનિયાભરનું દુઃખ મારી ઝોળીમાં નાખી દો. કૃષ્ણે જ્યારે પૂછ્યું કે ફોઈ, આવી માગણી શા માટે કરો છો? ત્યારે કુંતીએ જવાબ આપ્યો હતો કે મારા જીવનમાં જ્યારે-જ્યારે દુઃખ આવ્યું ત્યારે માધવ તું મારી સાથે હતો. મારા જીવનમાં દુઃખ હશે તો તું પણ મારા જીવનમાં હોઈશ એટલે હું દુઃખ માગુ છું.

ગુરુમાએ કહ્યું હતું કે મોટાભાગે જ્યારે સુખ આવે છે ત્યારે માણસ પાગલ થઈ જાય છે, પરંતુ દુઃખ આવે તો તે વિચાર કરે છે કે આવું શા માટે થયું? દુઃખ આવે ત્યારે માણસ ઈશ્વરને યાદ કરે છે.

આનંદમૂર્તિ ગુરુમા એક એવા સંત છે જે માત્ર ઉપદેશ નથી આપતા પરંતુ સમસ્યાઓના ઉકેલ પણ સૂચવે છે. એક શ્રોતાએ જ્યારે તેમને પ્રશ્ન પૂછ્યો કે મારું મન ભૂતકાળ અને ભવિષ્યના જ વિચારો કરે છે તો એને શાંત કઈ રીતે કરી શકાય ત્યારે માત્ર શબ્દો થકી જ નહીં પણ ભસ્ત્રિકા પ્રાણાયામ કરાવીને તેમણે શ્રોતાઓને એ વાતનો અનુભવ કરાવ્યો હતો કે આ પ્રાણાયામ દ્વારા મનને વિચારમુક્ત કરી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top