Joe Biden: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેનનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. તેમણે કહ્યું છે કે નવેમ્બરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં તેઓ ડોનાલ્ડ ટ્રમ્પને હરાવી શક્યા હોત, પરંતુ તેમણે ડેમોક્રેટિક પાર્ટીની એકતા માટે એક મોટો નિર્ણય લીધો. ચૂંટણી દરમિયાન તેમણે પોતાની ઉમેદવારી પાછી ખેંચી લીધી હતી. શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે મીડિયાને સંબોધતા બાઇડેને આ વાત કહી હતી.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, “શું તમને ચૂંટણી ન લડવાના તમારા નિર્ણયનો અફસોસ છે? જો બાઇડેને આ પ્રશ્નનો જવાબ ખૂબ જ ગંભીરતાથી આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે, મને એવું નથી લાગતું. મને લાગે છે કે હું ટ્રમ્પને હરાવી દેત અથવા હરાવી શક્યો હોત. મારા માટે પાર્ટીને એકજૂથ રાખવી મહત્ત્વપૂર્ણ હતું. જ્યારે પાર્ટીને ચિંતા હતી કે હું આગળ વધી શકીશ કે નહીં, ત્યારે મેં વિચાર્યું કે પાર્ટીને એકજૂથ કરવી એ વધુ સારો વિકલ્પ રહેશે. જોકે મને લાગ્યું હતું કે હું ફરીથી જીતી શકું છું.
જૂનમાં એટલાન્ટામાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે થયેલી ડિબેટમાં, 82 વર્ષીય રાષ્ટ્રપતિ જો બાઇડેનનું પ્રદર્શન કંઈ ખાસ નહોતું. ત્યારબાદ, તેમના જ પક્ષના સભ્યોએ બાઇડેનને આ પદ માટેની રેસમાંથી ખસી જવાની વાત શરૂ કરી. આખરે, બાઇડેને ટ્રમ્પ સામે અમેરિકન રાષ્ટ્રપતિ પદની રેસમાંથી ખસી જવાનો મોટો નિર્ણય લીધો. તેમના સ્થાને, ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસને ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવવામાં આવ્યા. જોકે, તેમને ટ્રમ્પના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો.
આ સમય દરમિયાન, મીડિયા દ્વારા બાઇડેનને પૂછવામાં આવ્યું કે, શું તમે રાષ્ટ્રપતિ પદ છોડ્યા બાદ પણ સક્રિય રહેવાની યોજના બનાવી રહ્યા છો, કે તમે બુશ મોડેલને અનુસરવા જઈ રહ્યા છો, જ્યાં તમે લોકોની નજરથી દૂર રહેશો? આનો જવાબ આપતા બાઇડેને કહ્યું હતું, હું ન તો નજરોથી દૂર થઈશ કે ન તો દિલોમાંથી.
ડૉનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ તરીકે ક્યારે શપથ લેશે?
ડેમોક્રેટિક પાર્ટીના નેતા જો બાઇડેન 20 જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ પદ છોડશે. તેમના સ્થાને, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. રિપબ્લિકન પાર્ટીના ટ્રમ્પ બાઇડેન પહેલા પણ અમેરિકાના રાષ્ટ્રપતિ રહી ચૂક્યા છે.