પાકિસ્તાનમાં હાલત વધુ બગડી, 48 કલાકમાં થયા 57 હુમલા
Pakistan: પાકિસ્તાનમાં પરિસ્થિતિ વધુ વણસી રહી છે. બલુચ લિબરેશન આર્મી અને તહરીક-એ-તાલિબાન પાકિસ્તાને મોરચો ખોલી રાખ્યો છે. પાકિસ્તાનમાં છેલ્લા 48 કલાકમાં દેશભરમાં 57 હુમલા થયા છે, જેમાં બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગનો સમાવેશ થતો નથી. તેમાં મોટાભાગના હુમલા તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) અને બલોચ લિબરેશન આર્મી (BLA) દ્વારા કરવામાં આવ્યા છે.
વિદ્રોહીઓએ સ્નાઈપર શૉટ, ગ્રેનેડ હુમલા અને IED વિસ્ફોટોથી પાકિસ્તાનને હચમચાવી નાખ્યું છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 16 લોકોના મોત થયા છે, જ્યારે 46 લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો BLA ના દાવા મુજબ, આ સંખ્યા 100 થી વધુ હોવાનું કહેવાય છે.
રવિવારે ક્વેટાથી પાકિસ્તાનના તાફ્તાન જઈ રહેલા સૈન્ય કાફલા પર બળવાખોરોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં 7 સૈનિકો માર્યા ગયા હતા, જ્યારે 21 અન્ય ઇજાગ્રસ્ત થયા હતા. જોકે, બલૂચ લિબરેશન આર્મી (BLA)એ દાવો કર્યો છે કે આ હુમલામાં 90 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. BLAએ હુમલાની જવાબદારી લેતા તેને પોતાની કાર્યવાહી ગણાવી. આ હુમલો ક્વેટાથી 150 કિમી દૂર નોશકીમાં થયો હતો. આ ઘટના બાદ પાકિસ્તાની સેનાએ આ વિસ્તારમાં હેલિકોપ્ટર અને ડ્રોન તૈનાત કર્યા છે.
9 સૈનિકો ઇજાગ્રસ્ત થયા
સેનાના કાફલા પર થયેલા હુમલા બાદ હવે વધુ એક હુમલો પ્રકાશમાં આવ્યો છે. આ હુમલો અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર સ્થિત ગરિગલ સરહદ ચોકી પર થયો હતો. મળતી માહિતી અનુસાર, આ હુમલામાં ફ્રન્ટિયર કોર્પ્સ બાજૌર સ્કાઉટ્સના 9 સૈનિકો ઇજાગ્રસ્ત થયા છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા 14 માર્ચે BLA એ એક ટ્રેનનું અપહરણ કર્યું હતું. પાકિસ્તાની સેના અને બલૂચ બળવાખોરો વચ્ચે કલાકો સુધી ભારે ગોળીબાર થયો. આ હુમલા અંગે પાકિસ્તાન અને બલૂચ બળવાખોરો દ્વારા અલગ-અલગ દાવા કરવામાં આવી રહ્યા છે. પાકિસ્તાની સેનાના જણાવ્યા અનુસાર, આ હુમલામાં 18 સૈનિકો સહિત 31 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનમાં સતત હુમલાઓને કારણે, દેશને આર્થિક સ્તરે પણ ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp