અફઘાનિસ્તાન : નજીકમાં જ રોકેટ વડે હુમલા થતા હતા, છતાં નમાઝ પઢતા રહ્યા રાષ્ટ્રપતિ; જુઓ વિડીયો

અફઘાનિસ્તાન : નજીકમાં જ રોકેટ વડે હુમલા થતા હતા, છતાં નમાઝ પઢતા રહ્યા રાષ્ટ્રપતિ; જુઓ વિડીયો

07/20/2021 World

SidhiKhabar

SidhiKhabar

અફઘાનિસ્તાન : નજીકમાં જ રોકેટ વડે હુમલા થતા હતા, છતાં નમાઝ પઢતા રહ્યા રાષ્ટ્રપતિ; જુઓ વિડીયો

કાબુલ: અફઘાનિસ્તાન (Afghanistan) હાલ ચર્ચામાં છે. અમેરિકી સેના હટી ગયા બાદ દેશમાં ફરીથી તાલિબાનનું નિયત્રણ વધી રહ્યું છે અને દેશ ગૃહ યુદ્ધની કગાર પર ઉભો છે. દેશની રાજધાની કાબુલ (Kabul) સ્થિત રાષ્ટ્રપતિ ભવન નજીક આજે સવારે 8 વાગ્યે રોકેટથી હુમલો થયો હતો. અફઘાન રાષ્ટ્રપતિ તેમના નિવાસસ્થાને નમાઝ પઢી રહ્યા હતા, બરાબર ત્યારે જ આ હુમલો થયો હતો.

રાષ્ટ્રપતિએ નમાઝ પઢવાનું ચાલુ રાખ્યું

અફઘાનિસ્તાનના મીડિયા હાઉસ ટોલો ન્યુઝ દ્વારા જારી કરવામાં આવેલા એક વિડીયોમાં જોવા મળે છે કે અફઘાન રાષ્ટ્રપતિ અશરફ ગનીની (Ashraf Gani) ઉપસ્થિતિમાં રાષ્ટ્રપતિ ભવનના પરિસરમાં નમાઝ ચાલી રહી હતી. આ જ સમયે રોકેટ બ્લાસ્ટ થયો હતો. જોકે, હુમલો થયો હોવા છતાં નમાઝ જારી રાખવામાં આવી હતી અને આસપાસ રોકેટ દ્વારા હુમલા થયા હોવા છતાં અફઘાન રાષ્ટ્રપતિ ત્યાંથી ખસ્યા ન હતા તેમજ નમાઝ પૂરી થયા બાદ તેમણે એક મંચ પરથી ભાષણ પણ આપ્યું.

ત્રણ રોકેટ કાર દ્વારા મારવામાં આવ્યા

રિપોર્ટ અનુસાર, ત્રણ રોકેટ કાર દ્વારા મારવામાં આવ્યા હતા. અફઘાનિસ્તાનના ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ પણ પુષ્ટિ કરતા જણાવ્યું કે પેલેસ બહાર ત્રણ રોકેટ દ્વારા હુમલા કરવામાં આવ્યા હતા. જોકે, તેમણે જણાવ્યું કે આ હુમલામાં કોઈ જાનહાનિ થઇ નથી. હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

અફઘાન રાષ્ટ્રપતિએ શું કહ્યું?

ભાષણમાં અફઘાન રાષ્ટ્રપતિએ કહ્યું કે, અફઘાનિસ્તાનનું ભવિષ્ય અફઘાનો દ્વારા નિર્ધારિત કરવામાં આવવું જોઈએ. અફઘાનોએ હવે એ સાબિત કરવું જોઈએ કે તેઓ એકજૂટ છે. આગલા ત્રણથી છ મહિના માટે લોકોનું કડક વલણ સ્થિતિને બદલી નાંખશે. શું તાલિબાન પાસે અફઘાનો અને ખાસ કરીને મહિલાઓ પ્રત્યે કોઈ સકારાત્મક પ્રતિક્રિયા છે?’

ઉલ્લેખનીય છે કે હાલ અફઘાનિસ્તાનમાં સ્થિતિ સામાન્ય નથી અને આતંકી સંગઠન તાલિબાન ફરીથી દેશના ઘણા ભાગો ઉપર કબજો કરી રહ્યું છે. હાલમાં જ તાલિબાન તરફથી દાવો કરવામાં આવ્યો કે તેમણે અફઘાનિસ્તાનના 85 ટકા ભાગ ઉપર કબજો મેળવી લીધો છે. દેશના અનેક પ્રાંતની રાજધાનીઓને તાલિબાને (Taliban) કબજે કરી હોવાના અહેવાલો મળ્યા છે.

રિપોર્ટસ અનુસાર, છેલ્લા કેટલાક વર્ષોથી વિપરીત આ વર્ષે તાલિબાને ઈદના તહેવાર ઉપર સંઘર્ષ વિરામની ઘોષણા કરી નથી. અફઘાન સરકાર અને તાલિબાન વચ્ચે કતારના દોહામાં શાંતિ સમજૂતી નિષ્ફળ રહ્યા બાદ સોમવારે કાબુલમાં ૧૫ રાજનીતિક મિશન અને નાટોના પ્રતિનિધિઓએ તાલિબાનને હુમલાઓ બંધ કરવા કહ્યું હતું.

નોંધવું જરૂરી છે કે, ભારતના ફોટો જર્નલિસ્ટ દાનિશ સિદ્દીકીની (Danish Siddiqui) હત્યા પણ હાલમાં જ અફઘાનિસ્તાનમાં જ થઇ. તેઓ સ્પિન બોલ્ડક વિસ્તારમાં તાલિબાન અને અફઘાન સેના વચ્ચે ચાલતા સંઘર્ષ કવર કરવા માટે ગયા હતા જ્યાં તેમની હત્યા કરી દેવામાં આવી. તેમની સાથે અફઘાન ફોર્સના એક અધિકારીનું પણ મોત થયું હતું.

(Photo Credit: Tolo news)

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top