વાત એક નાશપ્રાય: થઈ ગયેલા મંદિરના પુનઃનિર્માણના સંઘર્ષની
12/05/2020
Religion & Spirituality
મારે મંદીરીયે
મહેશ પુરોહિત
શિક્ષક, વિચારક
આ લેખશ્રેણીનો આગલો લેખ 64 યોગીની મંદિર વિશે હતો, જે વિસ્તાર-‘મિતાવળી’થી થોડા જ અંતરે બટેશ્વર મંદિર છે, જે વિશે આ લેખમાં વાત કરવાની છે. તેનાથી થોડે અંતરે ‘બડાવલી’ આવેલ છે. આ ત્રણેય જગ્યાને જે-તે સમયે ‘Golden triangle’ કહેવાતું. આ ત્રિકોણ પ્રદેશનું ત્યારે આધ્યાત્મક અને શૈક્ષણિક મહત્વ ઘણું હતું. આજે આપણે આ ત્રિકોણના એક ખૂણા સમાન ‘બટેશ્વર’ની વાત કરીશું.
બટેશ્વર મંદિરમાં ધાર્મિક,રાજનૈતિક,આધ્યાત્મ,સંઘર્ષ અને સર્વધર્મસમભાવ જેવા બધા જ તત્વો આવી જાય છે. જો કે બટેશ્વર કોઈ એક મંદિર નથી, પરંતુ 200 મંદિરોની એક શૃંખલા છે. એક સાથે એક જ જગ્યાએ 200 મંદિરો ભારતમાં બીજે ક્યાંય નથી. આજથી 1300 વર્ષ પહેલા ‘ગુર્જજર પરિહાર વંશ’ દ્વારા પ્રથમ મંદિર બનાવવામાં આવ્યું હતું. પરંતુ બાકીના મંદિરો બનાવવા માટે તેમની અગામી પેઢીઓ દ્વારા સતત 300 વર્ષ સુધી તેનું બાંધકામ ચાલુ રાખવામા આવ્યું ત્યારે જઈને આ 200 મંદિરોની શૃંખલા તૈયાર થઈ. ગુર્જજર પરિહાર વંશનું શાસન હતું એ પણ ભારતીય ઇતિહાસનું મોટું રાજ્ય હતું. તેમનું શાસન ગુજરાતથી લઈને બંગાળ સુધી પ્રસર્યું હતું. તેઓ પોતાને સૂર્યવંશી ગણાવતા અને લક્ષ્મણજીના વંશ ગણાવતા. કુતૂહલની વાત એ છે કે તે આખો વંશ ધર્મ અને કળા પ્રત્યે કેટલો સમર્પિત હશે કે તેઓ મંદિર નિર્માણ માટે સતત 300 વર્ષો સુધી લાગેલા રહ્યા.
પરંતુ સમય ચક્રને કંઈ અલગ જ મંજૂર હશે એટલે ‘ગુર્જજર પરિહાર વંશ’નો અંત આવ્યો, અને સાથે સાથે આશરે ઇ.સ. 1300 આજુબાજુ એક મોટો ભૂકંપ આવ્યો, જેણે આ 200 મંદિરોના ભવ્ય વારસાને તહેસ-નહેસ કરી નાંખ્યો. કોઈ મંદિર ઊભું ન રહ્યું. આ ખંડિત થયેલા વારસા પર કોઈની નજર ન પડી અને કદાચ પડી પણ હશે તો તેને ફરીથી ઊભા કરવાનું શક્ય લાગ્યું નહીં હોય.
મુઘલ શાસનના અંત બાદ ભારતમાં અંગ્રેજોનું શાસન આવ્યું. 1882માં એક અંગ્રેજ પ્રવાસી અહીં આવ્યો. તેણે દાવો કર્યો હતો કે અહીં 100થી વધુ મંદિરો હોવા જોઈએ. પરંતુ આ વાત પર કોઈએ ધ્યાન આપ્યું નહીં, ને ત્યારબાદ તો આ પ્રદેશમાં બાગી લોકોનું રાજ આવ્યું. ચંબલના ડાકુઓ આખા ભારતમાં કુખ્યાત હતા. જેમાં જાણીતા નામોમાં પાનસિંગ તોમર છે, જેની ઉપર બૉલીવુડ ફિલ્મ પણ બની છે. આ ડાકુઓ ચંબલની એક-એક જ્ગ્યાથી વાકેફ હતા પરંતુ સામાન્ય માનવી આ ભુલભુલૈયામાં ખોવાઈ જ જાય. જો કે ઇ.સ. 1922માં બટેશ્વર મંદિર બાબતે થોડું સંશોધન કરી તેનું ફરીથી નિર્માણ કરવા માટે કમિટી રચવામાં આવી. પરંતુ 80 વર્ષ સુધી તે ફાઈલો પરની ધૂળ ઊડી નહીં. આટઆટલા વર્ષોમાં કોઈને પણ આ મંદિરોના પુનઃ નિર્માણ માટે પ્રયાસ કર્યો નહીં. આવા તો હજારો મંદિરોનું આજે પણ પુનઃ નિર્માણ બાકી છે.
મુહમદ ગૌરી હોય કે મુહમદ ગજનવી, નામ સાંભળતા જ આપણને ગુસ્સો આવે કારણ કે તેઓએ અસંખ્ય મંદિરોને તોડ્યા અને ધર્મ આધારિત અત્યાચારો કર્યા. પરંતુ આજે એક એવા મોહમ્મદનો પરિચય કરાવવા જઈ રહ્યો છું, જેનો લેખ પૂરો વાંચી તમે પ્રેમમાં ન પાડો તો જ નવાઈ છે. તેમનું નામ કે.કે. મોહમ્મદ જેઓ ASI ના અધિકારી હતા. તેઓ મધ્યપ્રદેશની ટીમના સભ્ય હતા. એક દિવસ તેમણે અચાનક જ બટેશ્વર મંદિર વિશે તેમના સ્ટાફમાં વાત કરી, ને બધાએ એક સાથે જ ના પાડતા કહ્યું કે તે મંદિરોનું પુનઃ નિર્માણ શક્ય જ નથી. કારણ હતું ચંબલના ડાકુઓ. પરંતુ વર્ષ 2005માં તેમણે નિશ્ચય કર્યો કે મંદિરોની માવજત કરવી જ છે, અને તેમણે એક ટીમ બનાવીને ડાકુઓ સાથે વાટાઘાટો શરૂ કરી.
ડાકુઓ ખૂંખાર હતા, પરંતુ તેઓ પણ ભગવાન શિવના ભક્તો હતા. ખૂબ સમજાવ્યા બાદ તેઓ માન્યા, અને ત્યાં કામ ચાલુ કર્યું. કે.કે. મોહમ્મદે જણાવ્યું હતું કે, ‘અમે તે મંદિરોમાં ગયા ત્યારે એક એક પથ્થર અલગ હતો. જાણે તમે કાચનું વાસણ ઉપરથી છૂટું મૂક્યું હોય ને કેટલા ટુકડા થાય? બસ બધા જ મંદિરોની હાલત આ કાચના તૂટેલા વાસણ જેવી હતી. મંદિરનુ પુનઃ નિર્માણ ક્યાંથી કરવું તે ખૂબ કઠિન કામ હતું.’
ASI ની ટીમ માટે આ સૌથી કપરું કામ હતું. પરંતુ કે.કે. મોહમ્મદ માને છે કે પથ્થરો પણ બોલતા હોય છે જો આપણે તેમને સાંભળીએ તો.’ તેમણે પથ્થરો સાથે વાત કરવાનું ચાલુ કર્યું, ને શરૂ થયું મંદિરોનું નિર્માણ. કે.કે. મોહમ્મદ કેટલા વિદ્વાન છે તેનું એક ઉદાહરણ આપું. તેમને જાણવા મળ્યું કે આ મંદિરો ચોથી સદીમાં રચાયેલું ‘માણશાસ્ત્ર શિલ્પ’ અને આઠમી સદીમાં રચેયેલું ‘માયાવસ્તુશાસ્ત્ર’ આધારિત બાંધકામ છે. તેમણે આ બંને શાસ્ત્રો વિશે માહિતી મેળવીને મંદિરોની રચના શરૂ કરી. એક એક શ્લોક મંદિર નિર્માણ માટે મદદરૂપ થતાં હતા. કે.કે. મોહમ્મદ સાહેબ પોતે સંસ્કૃતમાં પારંગત છે. તેઓ કહે છે કે ભારતીય સાંસ્કૃતિક વારસાને સમજવો હોય તો સંસ્કૃત પહેલા સમજવું પડે. સાથે સાથે તેઓ પાલી, પર્સિયન અને અરેબિક ભાષાના પણ જાણકાર છે.
તેમનો ડાકુઓ સાથેનો એક રસપ્રદ કિસ્સો નોંધુ છું. કે.કે મોહમ્મદ એક દિવસ મંદિરમાં કામ કરાવતા હતા તે દરમિયાન એક વ્યક્તિને બીડી પીતા જોઇને ગુસ્સે થઇ ગયા અને મંદિરમાં બીડી પીવા બદલ તેમને ઠપકાર્યા. તે વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ ચંબલના સૌથી ખૂંખાર ડાકુ ‘નિર્ભયસિંહ ગુજજર’ હતા. આ દ્રશ્ય ASI ના બીજા અધિકારીએ જોયું. તેમણે જલ્દીથી મોહમ્મદ સાહેબને વાતની ગંભીરતા સમજાવી કે તેમણે મોટી ભૂલ કરી નાંખી છે.
આ જાણીને મોહમ્મદ સાહેબ ડરી ગયા પણ બીજી ક્ષણે બાજી સાચવી લીધી. તેમણે ડાકુને કહ્યું કે ‘તમે નસીબદાર છો, નિયતિ તમારી પાસે ખૂબ મોટું કામ કરાવવા જઈ રહી છે.’ નિર્ભયસિંહે કહ્યું, ‘હું સમજ્યો નહીં.’ મોહમ્મદ સાહેબ બોલ્યા, ‘જુઓ, આ બધા મંદિરો ‘ગુર્જજર પરિહાર વંશે’ બનાવ્યા હતા અને તમે પણ તે જ વંશના છો. તમારા કારણે જ આ બધી મૂર્તિઓ સચવાયેલ છે. જો તમે ન હોત તો આ બધુ અંગ્રેજો ચોરી કરીને લઇ ગયા હોત. હવે તમે જ થોડી મદદ કરો તો અમે આ બધા મંદિરોનું પુનઃ નિર્માણ કરી શકીએ તેમ છીએ.’ આંખના પલકારામાં ડાકુ સહમત થઈ ગયો અને ખુશ પણ થઈ ગયો. આ કિસ્સામાં કે.કે. સાહેબની મંદિર નિર્માણ પ્રત્યેની પ્રતિબદ્ધતા જાણવા મળે છે. આવી તો અસંખ્ય મુશ્કેલીઓનો સામનો કે.કે સાહેબે કર્યો.
વર્ષ 2006માં નિર્ભયસિંહ પોલીસ એન્કાઉન્ટરમાં મરાયો. તેની સાથે જ ત્યાં ખાણમાફિયાઓએ કબજો કરી લીધો. આજુબાજુ વિસ્ફોટ કરવા લાગ્યા અને તેના કારણે બનેલા મંદિરો તૂટવા લાગ્યા. કે.કે સાહેબે ખૂબ પ્રયત્નો કર્યા, પણ આ ખાણ માફિયાઓ એટલા શક્તિશાળી થઇ ગયા હતા કે તેમણે ત્યાંના તત્કાલીન એસ.પી. નરેન્દ્રસિંહની ક્રૂર હત્યા કરી હતી, કારણ કે તેઓ કે.કે. સાહેબને મદદ કરતાં હતા. રાજ્યમાં ભાજપની સરકાર હોવા છતાં સહકાર નહીં મળતા કે.કે. મોહમ્મદ સાહેબ હતાશ થઈ ગયા હતા. તેમણે પોતાનો પ્રોટોકોલ તોડીને તે સમયના RSS ના સરસંઘચાલક શ્રી સુદર્શનજીને પત્ર લખીને મદદ માંગી. સુદર્શનજીએ 24 કલાક માં જ પગલાં લઈને તે સમયના કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રી શ્રી અંબિકા સોનીનો સંપર્ક કર્યો. તેમણે તાત્કાલિક કે.કે. સાહેબને મદદ પહોંચાડવા માટે રાજ્ય સરકારને આદેશ આપ્યો. જોકે શિવરાજસિંહ ગુસ્સે થયા અને કે.કે. મોહમ્મદ સાહેબને બરતરફ કરવા માટે કેન્દ્ર સરકારને અપીલ કરી હતી. પરંતુ સંઘ અને અંબિકા સોનીએ તેમને ટેકો આપ્યો. કે.કે. સાહેબ ખાણમાફિયા સામે જીવના જોખમે અને નોકરીના જોખમે મંદિર નિર્માણ કરી રહ્યા હતા. જો કે થોડો સમય જતાં શિવરાજસિંહને પોતાની ભૂલ સમજાતા કે.કે. સાહેબને રાજ્યકક્ષાનો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જે રીતે એક ઝવેરી દાગીનાને એકદમ કાળજીપૂર્વક બનાવે તેટલી જ કાળજીથી મોહમ્મદ સાહેબે કુલ 200 માંથી 80 મંદિરો તૈયાર કર્યા છે. હાલમાં બટેશ્વર મંદિર પર્યટનનું મોટું સ્થળ બની ગયું છે. દેશ વિદેશથી પર્યટકો ભારત આવે છે. તેમણે એક-એક મંદિર શાસ્ત્રો અનુસાર બનાવ્યા છે.
એક ઉદાહરણ લઈએ. એક મંદિર પર એક ઝાડ ઊગી ગયું હતું. કે.કે. સાહેબ માનતા હતા કે આપણે વૃક્ષ કાપવા પહેલા વૃક્ષની અને તેની ઉપર રહેલા પંખીઓ અને જીવજંતુની મંજૂરી લેવી પડે, કારણ કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. તેમણે તે બધાની શસ્ત્રો અનુસાર મંજૂરી લીધી અને ત્યારબાદ વૃક્ષ કાપ્યું. તેમની ધગશ અને લગનનો આ કિસ્સા ઉપરથી અંદાજ લગાવી શકાય. પ્રશ્ન થાય કે કે.કે. મોહમ્મદ સાહેબને આ બધું કરવાથી શું મળ્યું હશે? આ બાબતે પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે, ‘એક દિવસ મને ભગવાન શિવ સપનામાં આવીને કહી ગયા હતા.’ તેઓ આ વાત ઘણીવાર કહી ચૂક્યા છે કે હું અને ભગવાન શિવ ઘણીવાર વાત કરીએ છીએ. જો કે તેઓ પોતાને નાસ્તિક ગણાવે છે.
કે.કે. મોહમ્મદ સાહેબનો બીજો પરિચય એ છે રામ જન્મભૂમિ કેસ જયારે કોર્ટમાં ચાલતો હતો ત્યારે વિવાદિત જમીન ઉપર પહેલા મંદિર હતું તેના પુરાવાઓ પણ તેમણે જ કોર્ટને આપ્યા હતા. વર્તમાન સરકારે તેમણે પદ્મ એવોર્ડથી સન્માનિત કર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp