લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવી દેનાર દીપ સિધૂને ભાજપ સાથે શું કનેક્શન છે? સાચી બાબત જાણો
નવી દિલ્હી : છેલ્લા બે મહિના કરતા ય વધુ સમયથી શાંતિપૂર્ણ રીતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં (Farmer protest) ગઈકાલે મોટો વળાંક આવ્યો હતો. ગઈકાલે યોજાયેલી ટ્રેક્ટર પરેડ (tractor parade) બાદ જે હિંસક બનાવો અને જાહેર સંપત્તિને નુકસાનના બનાવો બન્યા, એ પછી આંદોલનને કોઈક ભળતી જ દિશામાં લઇ જવાતું હોવાનું ચિત્ર ઉપસ્યું છે.
અત્યાર સુધી દેશભરમાં અનેક લોકો એવા હતા જે ખેડૂતો માટેની લાગણીથી પ્રેરાઈને કૃષિ બિલ સામેના ખેડૂતોના આંદોલન પ્રત્યે સોફ્ટ કોર્નર ધરાવતા હતા. પરંતુ ગઈકાલે જે રીતે ખુલ્લી તલવારો અને હથિયારો સાથે રેલીમાં પ્રવેશેલા હિંસક ટોળાએ તોડફોડ (violence) કરી અને જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડ્યું, પોલીસકર્મીઓ પર હુમલાઓ કર્યા... એ બાદ અનેક લોકોને પોતાનું વલણ બદલવાની ફરજ પડી છે. એમાંય લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવવાની ઘટનાને કારણે આખા આંદોલન પાછળ દેશવિરોધી તાકાતો કામ કરી રહી હોવાની લાગણી લોકોમાં પ્રબળ બની છે.
અહીં પ્રશ્ન એ થાય કે આખરે કોણે લાલ કિલ્લા પર રાષ્ટ્ર ધ્વજ સિવાયનો કોઈ ધ્વજ ફરકાવવાનું કૃત્ય કર્યું? આ આખી ઘટનાને અંજામ આપનાર વ્યક્તિ તરીકે દીપ સિધ્ધુ (deep sidhu) નામના પંજાબી અભિનેતાનું નામ સામે આવ્યું છે.
દીપ સિધ્ધુએ પણ સ્વીકાર્યું છે કે જ્યારે લાલ કિલ્લા પર ‘નિશાન સાહિબ’નો ધ્વજ ફરકાવવામાં આવ્યો, ત્યારે પોતે ત્યાં મોજૂદ હતો. જો કે લુધિયાણાથી કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાયેલા રવનીતસિંહ બીટ્ટુએ દાવો કર્યો હતો કે ગઈકાલની હિંસા પાછળ ખેડૂતો નહિ પરંતુ સીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે જોડાયેલા ખાલિસ્તાની સમર્થકો જવાબદાર છે. આ લોકોએ એક દિવસ પહેલા જ આખું આંદોલન હાઈજેક કરી લીધું છે. લાલ કિલ્લા પર ગઈકાલે જે ધ્વજ લગાવવામાં આવ્યો એ નિશાન સાહિબનો ધ્વજ નથી. નિશાન સાહિબનો ધ્વજ કેસરી હોય છે, પીળો નહિ.
રવનીતસિંહ બીટ્ટુએ કરેલા આ ખુલાસા બાદ દીપ સિધ્ધુએ કરેલી નિશાન સાહિબવાળી વાત આપોઆપ ખોટી સાબિત થાય છે.
સોશિયલ મિડીયા પર અનેક લોકો જુના ફોટોઝ શેર કરીને દીપ સિધ્ધુને ભાજપ સમર્થક બતાવી રહ્યા છે. એમનું કહેવું છે કે દીપ ભાજપના જ એજન્ટ તરીકે કામ કરી રહ્યો છે. પણ ટ્વિટર ઉપર ઉપલબ્ધ એક વિડીયોમાં બરખા દત્ત સાથે વાત કરતી વખતે દીપ પોતે જ કબુલી રહ્યો છે કે “મેં ક્યારેય બીજેપીનો સપોર્ટ નથી કર્યો.”
આ દરમિયાન સની દેઓલનો એક જૂનો વિડીયો વાઈરલ થઇ રહ્યો છે, જેમાં તે દીપને પોતાના નાના ભાઈ સમાન ગણાવી રહ્યો છે. જો કે આ વિડીયો એક વર્ષ કર્તા વધુ જૂનો છે. સની દેઓલે છેક ૬ ડિસેમ્બરે જ ટ્વિટ કરીને સ્પષ્ટતા કરેલી કે દેઓલ પરિવારનો દીપ સાથે કોઈ સંબંધ નથી. હકીકત એવી છે કે દીપે ૨૦૧૯માં સની દેઓલ માટે ચૂંટણી પ્રચાર કર્યો હતો. એ સમયે સની દેઓલ ગુરૂદાસપુરથી સાંસદની ચૂંટણી લડી રહ્યા હતા અને પીએમ મોદી સાથેનો દીપનો ફોટો ઘણો વાયરલ થયો હતો. પરંતુ જ્યારથી દીપ ખેડૂત આંદોલનમાં જોડાયો ત્યારથી સની દેઓલ પરિવાર બીજા કોઈ ભાજપી નેતાના દીપ સાથે કોઈ સંબંધ રહ્યા નહોતા.
માત્ર ભાજપ નહિ, પણ બીજી પાર્ટીઝના નેતાઓ પણ લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવવાની ઘટના બાદ ચોમેરથી મળેલા ફિટકારને પગલે દીપ સિધ્ધુ સાથે સમબન્ધ કાપી નાખવા પર છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં રહેલા સ્વરાજ અભિયાનના નેતા યોગેન્દ્ર યાદવે પણ કહ્યું છે કે અમે તો દીપને શરૂઆતથી જ ખેડૂત પ્રદર્શનોથી દૂર રાખ્યો હતો.
આ બધા વચ્ચે સોશિયલ મિડીયા પર લોકો પૂછી રહ્યા છે કે ખેડૂત આંદોલન સાથે જોડાયેલા ક્યા નેતાઓ ખરા અર્થમાં ‘તટસ્થ’ છે? આણી પાછળનું કારણ એ છે કે ખેડૂત આંદોલનમાં ‘ખેડૂત હિતની વાત’નો દાવો કરતા અનેક નેતાઓ પોતપોતાનું રાજકીય બેકગ્રાઉન્ડ ધરાવે જ છે. આથી આ લોકો ખેડૂતો માટે નહિ પણ પોતાના રાજકીય હિતો સાધવા માટે લડી રહ્યા હોવાનું એક બહુ મોટો વર્ગ માની રહ્યો છે. ખેડૂત આંદોલન સમયે ઓચિંતા એક્ટિવ થઈને મેદાને ઉતરેલા ભૂતપૂર્વ પત્રકાર એવા યોગેન્દ્ર યાદવ આમ આદમી પાર્ટી તરફથી ચૂંટણી લડી ચૂક્યા છે. જ્યારે ખેડૂતો તરફથી ઝંડો ઉપાડનાર રાકેશ ટીકૈત આરએલડીમાંથી ચૂંટણી લડી ચૂક્યા છે!
જો કે અહીં મૂળ હકીકત એવી છે કે દીપ સિધ્ધુ કોઈ રાજકીય પાર્ટી સાથે નહિ પણ ખાલિસ્તાન સમર્થક મનાતા સીખ ફોર જસ્ટિસ (SFJ) સાથે સંબંધ ધરાવે છે. આ મામલે દીપ સિધ્ધુને ગત સપ્તાહે જ NIA દ્વારા સમન પણ મોકલવામાં આવ્યું હતું!
હાલમાં દેશના સામાન્ય નાગરિકોને જે ડર સતાવી રહ્યો છે, તે એ છે કે આખું ખેડૂત આંદોલન ક્યાંક ખાલિસ્તાન સમર્થકોનો હાથો ન બની બેસે!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp