Surat: હજીરાની AM/NS કંપનીમાં આગ લાગતા 4ના કમકમાટીભર્યા મોત, ઘટના બાદ..
Hazira Steel Plant News: વર્ષ 2024એ વિદાઇ લીધી અને વર્ષ 2025નું આગમન થઇ ગયું છે, પરંતુ વર્ષ 2025ની સવાર જોવાનું હજીરાની એક કંપનીમાં કામ કરતા 4 લોકોના નસીબમાં જ નહોતું. વર્ષના અંતિમ દિવસની સાંજે હજીરા ખાતે આવેલી AM/NS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આગની દુર્ઘટના સર્જાતા 4 મજૂરોના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે એક કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો હોવાનું સામે આવ્યું છે. તમામ ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે હૉસ્પિટલ ખસેડાયા હતા. ઘટના બનતા જ નોટિફાઇડ એરિયાની ફાયરની ટીમ સ્થળે પહોંચી હતી.
મળતી માહિતી મુજબ સુરતના હજીરાની આર્સેલર મિત્તલ કંપનીમાં લોખંડ પીગળાવવાના કોરેક્સ પ્લાન્ટ-૨માં બ્લાસ્ટ થતા નજીકમાં લીફ્ટ રીપેરિંગ કરતા 4 કર્મચારી ભડથું થઇ ગયા હતા. અને એક કર્મચારી ગંભીર રીતે દાઝી ગયો હતો, જેને કંપનીની ઇનહાઉસ હૉસ્પિટલના બર્ન્સ બોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ચીમનીમાંથી ટેક્નિકલ કારણોસર ઓક્સિજન લીકેજ થતી હતી. તો એમ પણ કહેવામાં આવે છે કે પ્લાન્ટમાં કોઇલ ફાટીને કર્મચારીઓ પર પડતા 4 કર્મચારીઓના મોત થયા. ચારેય મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ મૃતદેહો ઓળખી શકાય એવા ન હોવાના કારણે DNA ટેસ્ટ કરાયા બાદ પરિવારજનોને સોંપવામાં આવશે.
કંપનીમાં બ્લાસ્ટ થયા બાદ કંપનીના ફાયર ફાયટરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવી લીધો હતો. મીડિયા રિપોર્ટ મુજબ કંપનીના જવાબદાર અધિકારીઓએ આ ઘટનાને છૂપાવવા ધમપછાડા કર્યા હતા અને બનેલી દુર્ઘટના અંગે મૃતકોના પરિવારજનોને જાણ પણ કરી નહોતી. આ ઉપરાંત જિલ્લા કલેક્ટર, પોલીસ કે નોટિફાઇડ એરિયાના જવાબદાર અધિકારીઓને પણ જાણ કરાઈ નહોતી. પરિવારજનોનો અક્ષેપ છે કે ઘટના બન્યા બાદ 4-5 કલાક પછી જાણ કરવામાં આવી હતી. જેને લઇને પરિવારજનોએ હૉસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.
જો કે, મોડેથી કંપનીએ જિલ્લા કલેક્ટર અને પોલીસને જાણ કરી હોવાની વાત સામે આવી રહી છે. ઘટનાના એક કલાક બાદ સરકારી તંત્રને ઘટના અંગે જાણ કરતા અનેક શંકા-કુશંકાઓ ઉપજાવે છે. મૃતકોની ઓળખ (૧) જીજ્ઞેશ પારેખ (અડાજણ), (૨) ધવલ નરેશભાઈ પટેલ (રહે. પાટી જવાહર ફળિયું, વ્યારા), સંદીપ પટેલ (ખાંડલ મહુવા, સુરત) એ ગણેશ સુરજ બુધ ( રહે બાલાપુર રોડ, શેગાવ ભુલાડા મહારાષ્ટ્ર)ના રૂપમાં થઇ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp