અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તાજેતરના નિવેદનોએ આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની ધરપકડ બાદ પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે ગ્રીનલેન્ડને પોતાનું આગામી લક્ષ્ય ગણાવ્યું હતું. ગ્રીનલેન્ડ અંગે ટ્રમ્પની ધમકીના જવાબમાં યુરોપિયન દેશો હવે એક થયા છે.
ફ્રાન્સ, જર્મની, ઇટાલી, પોલેન્ડ, સ્પેન, બ્રિટન અને ડેનમાર્કે એક સંયુક્ત નિવેદન બહાર પાડીને સ્પષ્ટ કર્યું છે કે આર્કટિક ક્ષેત્રની સુરક્ષા યુરોપ માટે ટોચની પ્રાથમિકતા છે અને ગ્રીનલેન્ડના ભવિષ્યનો નિર્ણય ફક્ત ડેનમાર્ક અને ગ્રીનલેન્ડના લોકોનો અધિકાર છે. આ સંયુક્ત નિવેદન પર ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન, જર્મન ચાન્સેલર મેર્ઝ, ઇટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની, પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક, સ્પેનિશ વડાપ્રધાન પેડ્રો સાંચેઝ, બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર અને ડેનિશ વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિકસેન દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આર્કટિક સુરક્ષા માત્ર યુરોપ માટે જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય અને ટ્રાન્સ-એટલાન્ટિક સુરક્ષા માટે પણ મહત્ત્વપૂર્ણ છે. NATOએ પહેલાથી જ આર્કટિકને પ્રાથમિકતા આપી છે, અને યુરોપિયન સાથીઓ ત્યાં તેમની હાજરી, લશ્કરી પ્રવૃત્તિઓ અને રોકાણો વધારી રહ્યા છે.
યુરોપિયન નેતાઓએ સ્પષ્ટતા કરી હતી કે ડેનમાર્ક કિંગડમ, જેમાં ગ્રીનલેન્ડનો સમાવેશ થાય છે, તે NATOનો ભાગ છે, અને આર્કટિક ક્ષેત્રમાં સુરક્ષા NATO સાથીઓ, ખાસ કરીને અમેરિકા સાથે મળીને સુનિશ્ચિત કરવી જોઈએ. આ UN ચાર્ટરમાં સમાવિષ્ટ સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા અને સરહદોની અદમ્યતાના સિદ્ધાંતોને સુનિશ્ચિત કરશે. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું હતું કે 1951ની સંરક્ષણ સંધિ હેઠળ અમેરિકા આ પ્રયાસમાં મુખ્ય ભાગીદાર છે, પરંતુ ગ્રીનલેન્ડના ભવિષ્ય અંગેના નિર્ણયો બાહ્ય દબાણ હેઠળ લેવામાં આવશે નહીં.
આ સંયુક્ત નિવેદનનો સમય એટલે પણ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એરફોર્સ વન પર મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, ‘અમને ગ્રીનલેન્ડ જોઈએ ચ્હે... ત્યાં આ સમયે રશિયન અને ચીની જહાજો ઉપસ્થિત છે.’ ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે યુરોપિયન યુનિયન ઇચ્છે છે કે અમેરિકા ગ્રીનલેન્ડનો નિયંત્રણ લે, અને આ અમેરિકની સુરક્ષા અને આર્થિક હિતો માટે જરૂરી છે. તેમના નિવેદનથી યુરોપમાં ગંભીર ચિંતાઓ ઉભી થઈ છે.
સંયુક્ત નિવેદન દ્વારા, યુરોપિયન દેશોએ સ્પષ્ટપણે સંકેત આપ્યો છે કે ગ્રીનલેન્ડ ન તો વાટાઘાટોનો વિષય છે કે ન તો કોઈ શક્તિની વ્યૂહાત્મક સંપત્તિ છે, પરંતુ ત્યના લોકોનો અધિકાર છે.