ઇન્જેક્શન આપ્યા બાદ 7 વર્ષીય બાળકને એનાફિલેક્ટિક શૉક લાગતા મોત, જાણો એ શું હોય છે?
રાજસ્થાનના બુંદીમાં એક પ્રાઇવેટ ક્લિનિકમાં ઇન્જેક્શન આપ્યા બાદ 7 વર્ષીય છોકરાનું મોત થયું હતું. મૃતક છોકરાના પરિવારજનોએ ક્લિનિકની બહાર વિરોધ પ્રદર્શન કર્યું અને ડૉક્ટર પર ખોટી સારવાર આપવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે પોતાનો પક્ષ રાખતા ડૉક્ટર કહ્યું કે છોકરાનું મોત એલર્જીના કારણે થયું છે. જે અંગે તેની માતાએ સારવાર દરમિયાન જણાવ્યું નહોતું. તો પોલીસે જણાવ્યું હતું કે નિવૃત્ત બાળરોગ વિશેષજ્ઞની ક્લિનિકમાં એન્ટિબાયોટિક ઇન્જેક્શન આપ્યા બાદ બાળકનું મોત થઇ થયું હતું.
આજ તકના અહેવાલ મુજબ, રાજસ્થાનના બુંદી જિલ્લાના કનાહેડા ગામની કુંજ મીણાને તાવ, ઉધરસ અને શરદીની ફરિયાદ હતી. ત્યારબાદ 10 ઓક્ટોબરે તેને બુંદી સ્થિત ડૉક્ટરની ખાનગી ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યો હતો. બાળરોગ નિષ્ણાત ડૉ. કે.સી. ગગરાણીએ જણાવ્યું હતું કે તેમણે બાળકની માતાને દવા લખી આપી હતી, પરંતુ તેણે ઇન્જેક્શન આપવાનું કહ્યું. ત્યારબાદ તેમના સ્ટાફે એન્ટીબાયોટિક્સ (સીફેરિક્સોન)નો સામાન્ય ડૉઝ આપ્યો. જો કે, ઇન્જેક્શન આપ્યા બાદ તરત જ છોકરાના મોઢામાંથી ફીણ આવવા લાગ્યું. તે બેહોશ થઇ ગયો અને તેની સારવાર દરમિયાન મોત થઇ ગયું હતું.
ડૉક્ટર કે.સી. ગગરાણીએ કહ્યું કે તેમણે પોતાની 40 વર્ષની તબીબી કારકિર્દીમાં આ એનાફિલેક્ટિક શૉકનો બીજો કેસ જોયો છે. પ્રથમ કેસ 1980માં તાલેરાના સરકારી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં જોવા મળ્યો હતો. કોઇ વ્યક્તિને એનાફિલેક્ટિક શૉકથી બચાવવું તદ્દન અશક્ય છે. છોકરાની હાલત બગડ્યા બાદ, તેની માતાએ 3 દિવસ અગાઉ પોતાના ગામમાં ઇન્જેક્શન આપ્યા બાદ થયેલી એલર્જી વિશે જણાવ્યું. ઇન્જેક્શનના કારણે બાળકની ત્વચા પર રીએક્શન થયું હતું અને તે મોતનું કારણ બની શકે છે.
જો બાળકની માતાએ ઇન્જેક્શન વિશે અગાઉથી જાણ કરી હોત, તો મેં એન્ટિબાયોટિકનો ડૉઝ ન આપ્યો હોત. આ મામલે બુંદી સિટી પોલીસ સ્ટેશનના SHO તેજપાલે જણાવ્યું કે છોકરાની માતાની ફરિયાદ પર પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 194 હેઠળ શંકાસ્પદ મોતનો કેસ નોંધ્યો છે.
હેલ્થલાઇન વેબસાઇટ અનુસાર, એનાફિલેક્ટિક શૉક એ દુર્લભ પરંતુ ગંભીર એલર્જિક પ્રતિક્રિયા છે. તે મોટાભાગે ખોરાક, જંતુના કરડવાથી અથવા અમુક દવાઓની એલર્જીના કારણે થાય છે. એનાફિલેક્ટિક શૉકમાં દર્દીનું બ્લડ પ્રેશર એટલું ઓછું થઇ જાય છે કે સેલ (કોશિકાઓ) અને અન્ય અવયવોને પૂરતી ઓક્સિજન મળતી નથી. એનાફિલેક્ટિક શૉક એનાફિલેક્સિસના કારણે થાય છે. એનાફિલેક્સિસમાં, ઇમ્યૂન સિસ્ટમ રસાયણોનો પૂર પેદા કરે છે જે શરીરને શૉકમાં નાખી દે છે. બ્લડ પ્રેશર અચાનક ઘટી જાય છે અને શ્વાસ રૂંધાય જાય છે. એનાફિલેક્સિસની સારવાર એપિનેફ્રીનના ઇન્જેક્શનથી તરત જ કરવી જોઇએ. જો તેની તાત્કાલિક સારવાર ન કરવામાં આવે તો તે જીવલેણ બની શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp