સરકારી અને ખાનગી બસ વચ્ચે અકસ્માત, 15થી વધુ ઇજાગ્રસ્ત
Accident between ST Bus and Private Bus: ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સરકારી બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ખાનગી બસ પલટી મારી ગઇ હતી અને મુસાફરો બસમાં ફસાઇ ગયા હતા, જ્યારે સરકારી બસ રોડની બાજુમાં ખાડામાં ખાબકતા બચી ગઇ હતી. આ અકસ્માતમાં 15થી વધુ મુસાફરોને નાની-મોટી ઇજાઓ થઇ છે, જેમને સારવાર માટે નજીકની હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક આવેલ આમલાખાડીના ઓવરબ્રિજ પર ખાનગી લક્ઝરી બસ અને સરકારી ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતના કારણે ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ ગઇ હતી. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો પણ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
તો આજે સવારે જૂનાગઢમાં ભંડુરી પાસે ક્રિષ્ના હૉટલ બહાર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેતપુર-સોમનાથ હાઈવે પર 2 કાર સામસામે અથડાઈ હતી. આ અકસ્માતમાં 7 લોકોના ઘટનાસ્થળે જ મોત થઇ ગયા હતા. માર્યા ગયેલા લોકોમાં 5 કૉલેજના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે, જેઓ પરીક્ષા આપવા જઈ રહ્યા હતા. સ્પીડમાં આવતી કાર ડિવાઈડર સાથે અથડાઈને બીજી લેનમાં જતી રહી અને બીજી કાર સાથે અથડાઈ ગઇ હતી. અથડામણ થતા જ બંને વાહનો ઉછળીને દૂર જઇ પડ્યા હતા.
બંને કારને નુકસાન થયું હતું અને તેમાં મુસાફરી કરી રહેલા લોકો બહાર નીકળી પડ્યા હતા. રાહદારીઓએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી હતી અને અકસ્માત અંગે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતા જ પોલીસે ઘટનાસ્થળે પહોંચી શબોનો કબજો લઈ પોસ્ટમૉર્ટમ માટે બાદમાલિયા હાટીની સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp