મહારાષ્ટ્રમાં મતદાન વચ્ચે બિટકોઇન મામલે ફડણવીસે કરી આ માગ, નાના પટોલે-સુપ્રિયા સુલેની પણ આવી પ્રતિક્રિયા
Maharashtra Assembly Election 2024 Voting: મહારાષ્ટ્ર અને ઝારખંડમાં આજે મતદાન થઇ રહ્યું છે, પરંતુ મહારાષ્ટ્રમાં અત્યારે પણ મતદાનની ગતિ ધીમી જોવા મળી રહી છે. અહીં સવારે 9:00 વાગ્યા સુધીમાં 6.61 ટકા મતદાન થયું હતું, જ્યારે ઝારખંડમાં મતદાનની સ્પીડ સારી છે. અહીં સવારે 9:00 વાગ્યા સુધીમાં 12.71 ટકા મતદાન નોંધાયું હતું.
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેશ ફોર વૉટ અને બિટકોઈન વિવાદ પર પ્રતિક્રિયા આપી હતી. પોતાનો મત આપ્યા બાદ તેમણે પત્રકારોને કહ્યું કે, જ્યાં સુધી વિનોદ તાવડે સાથે સંબંધિત વિવાદનો સંબંધ છે, તેમની વિરુદ્ધ એક ઇકો-સિસ્ટમનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તમામ પાયાવિહોણા અને ખોટા આક્ષેપો છે. આ ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ અને તેનો રિપોર્ટ બહાર આવવો જોઈએ.
બિટકોઈન વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, જો સુપ્રિયા સુલે કહે છે કે તેમના અવાજ સાથે છેડછાડ કરવામાં આવી છે તો AI દ્વારા તેની તપાસ થઈ શકે છે. આ બાબતની તપાસ એજન્સીઓ દ્વારા થવી જોઈએ.
બિટકોઈન વિવાદ પર નાના પટોલેએ કહ્યું છે કે, ભાજપે ચૂંટણીની પૂર્વ સંધ્યાએ એક તોછડી હરકત કરી છે. ઓડિયો ક્લિપમાં ઉપસ્થિત અવાજ મારો નથી, હું ખેડૂત છું. મને બિટકોઈન સમજાતું નથી. અમે ભાજપના નેતાઓ સામે માનહાનિનો કેસ દાખલ કરીશું. હું ખેડૂત છું, ભાજપે મને બદનામ ન કરવું જોઈએ. ભાજપ પાસેથી કોઈ અપેક્ષા રાખી શકાય નહીં. તમને જણાવી દઈએ કે ભાજપે નાના પટોલે અને સુપ્રિયા સુલે પર બિટકોઈન ટ્રાન્ઝેક્શનમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.
NCP SPના નેતા સુપ્રિયા સુલેએ તેમના પરિવાર સાથે રિમાન્ડ હોમ પોલિંગ બૂથ પર મતદાન કર્યું. પોતાનો મત આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા સુપ્રિયાએ બિટકોઈનને લગતા વિવાદ પર સફાઇ આપી, તેમણે કહ્યું કે મીડિયામાં જે ઓડિયો ક્લિપ ફરતી થઈ રહી છે તેમાં તેમનો અવાજ નથી અને તેની તપાસ થવી જોઈએ. તેમણે સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે. ભાજપના પ્રવક્તાએ પ્રેસ કોન્ફરન્સ કરી, ઘણા લોકોએ મને ફોન કર્યો, મેં સુધાંશુ ત્રિવેદી સામે ફોજદારી માનહાનિની નોટિસ આપી છે.
બિટકોઈન વિવાદ પર અજીત પવારે કહ્યું છે કે આ મામલે તપાસ થવી જોઈએ. હું આ સાથે જોડાયેલા સમાચાર જોઈ રહ્યો હતો. હું પટોલેને ઘણા વર્ષોથી ઓળખું છું. તેઓ સ્પીકર હતા અને હું તેમનો અવાજ ઓળખી શકું છું. પણ હું સ્પષ્ટપણે કંઇ કહી શકતો નથી કારણ કે કેટલાક લોકો અવાજની નકલ પણ કરે છે, પરંતુ જ્યાં સુધી આ ઓડિયો ક્લિપમાં ઉપસ્થિત અવાજનો સવાલ છે તો તે સુપ્રિયા સુલે અને નાના પટોલેનો અવાજ છે. આ મામલે તપાસ કરવામાં આવશે.
સુપ્રિયા સુલે પર લાગેલા આરોપો પર શરદ પવારે કહ્યું કે, જે વ્યક્તિએ આરોપ લગાવ્યા છે તે ઘણા મહિનાઓથી જેલમાં રહ્યા અને તે વ્યક્તિને સાથે લઈને ખોટા આરોપો લગાવવાનું કામ માત્ર ભાજપ જ કરી શકે છે. લોકોએ મતદાન કરવું જોઈએ અને મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રના લોકો શાંતિપૂર્ણ રીતે મોટી સંખ્યામાં મતદાન કરશે. 23 નવેમ્બર બાદ સ્પષ્ટ થશે કે રાજ્યમાં સરકાર બનાવવાની જવાબદારી કોને આપવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp