'શું તમે ડ્રગ માફિયાઓનો પક્ષ લઇ રહ્યા છો..?' હરભજન પર કેમ અકળાયા AAPના નેતા સોમનાથ ભરતી
Somnath Bharti: દરેક રાજકીય પાર્ટીની અંદર ક્યાંક ને ક્યાંક આંતરિક કલેશ હોય જ છે, પરંતુ કેટલીક પાર્ટીઓ તેને બહાર આવવા દેતી નથી, તો કેટલીક પાર્ટીઓનો આંતરિક કલેશ જગજાહેર થઇ જાય છે. તો કેટલીક પાર્ટીઓ આંતરિક કલેશને સારી રીતે નિપટી જાણે છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટી (AAP)ની હાર બાદ આંતરિક કલેશ જોવા મળી રહ્યો છે. હવે આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે અણબનાવના સમાચાર મળી રહ્યા છે.
દિલ્હીના પૂર્વ મંત્રી સોમનાથ ભારતીએ પંજાબથી AAPના રાજ્યસભાના સાંસદ હરભજન સિંહ પર પ્રહાર કર્યો છે. હરભજને પંજાબ સરકારની બુલડોઝર કાર્યવાહીની નિંદા કરી હતી, જેના કારણે સોમનાથ ભારતીએ હરભજન સિંહ પર ટીપ્પણી કરી છે. ભારતીએ હરભજન સિંહને પૂછ્યું કે, 'શું તમે ડ્રગ માફિયાઓનો પક્ષ લઇ રહ્યા છો? ડ્રગ માફિયાઓના પક્ષમાં તમારું નિવેદન એકદમ અનુચિત છે. આ ડ્રગ માફિયાઓએ લાખો પરિવાર બરબાદ કર્યા છે, તેમણે વૃદ્ધ માતા-પિતાના સપનાંઓને કચડ્યા છે. તેમણે નવપરિણીત છોકરીઓના સપનાઓ સળગાવ્યા છે અને તમે તેમનો પક્ષ લઇ રહ્યા છો?'
AAPના સાંસદ હરભજન સિંહે પોલીસ કાર્યવાહી પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, 'કોઈ નશો વેચે છે તો તેનું ઘર તોડી પાડવામાં આવે છે. હું એ વાતના પક્ષમાં નથી. કોઈના માથે છત છે તો મને લાગે છે કે ઘર તોડી પાડવું કોઈ સારો વિકલ્પ નથી. કોઈક બીજો રસ્તો શોધવો જોઈએ. ખબર નહીં કઈ વ્યક્તિએ કેવી રીતે ઘર બનાવ્યું હશે.
હાલના દિવસોમાં આમ આદમી પાર્ટી શાસિત રાજ્ય પંજાબમાં નશાના તસ્કરો વિરુદ્ધ કાર્યવાહી કરતા તેમના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવી રહ્યો છે. નશાનો વેપાર કરનારા આરોપીઓના ઘરો ધ્વસ્ત કરવામાં આવી રહ્યા છે.
પંજાબ સરકારના મંત્રી અમન અરોડાએ કહ્યું કે, કોઈને નહીં છોડીએ. પંજાબમાં જે પણ નશાનો કારોબાર કરશે, તેમણે છોડવામાં નહીં આવે. અથવા તો નશાનો કારોબાર છોડી દો અથવા પંજાબ છોડી દો. સરકારને ખબર છે આ નશાનો કારોબાર કેવી રીતે છોડવાનો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp