કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, આ 3 દેશમાંથી 2024 સુધીમાં ભારત આવેલા લોકોને દેશમાં રહેવાની મળી મંજૂરી
ગૃહ મંત્રાલયે 1 સપ્ટેમ્બરના રોજ ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ 2025 અંગે જાહેર કરેલી નોટિફિકેશનબાદ, નાગરિકતા સુધારા કાયદા (CAA) અંગે એક નવો વિવાદ અને મૂંઝવણ ઊભી થઈ ગઈ છે. 1 સપ્ટેમ્બરના રોજ જાહેર કરાયેલા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર, 2024 સુધી ભારતમાં દાખલ થઈ ચૂકેલા નોન-મુસ્લિમ વિદેશી નાગરિકોને તાત્કાલિક દેશમાંથી બહાર કાઢવામાં નહીં આવે, પરંતુ તેમાં નાગરિકતા આપવાનો કોઈ ઉલ્લેખ નથી.
કેન્દ્રીય મંત્રી ડૉ. સુકાંત મજુમદારે આ આદેશ બાદ સોશિયલ મીડિયા X પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘31 ડિસેમ્બર, 2024 સુધી ભારતમાં આવેલા નોન-મુસ્લિમોને CAA હેઠળ દેશમાં નાગરિકતા મળશે.’ મજુમદારે તેને ઐતિહાસિક નિર્ણય ગણાવ્યો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહનો આભાર પણ માન્યો. જો કે, બાદમાં તેમણે આ પોસ્ટ ડિલીટ કરી દીધી અને નવા કાયદાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેનાથી પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશના લઘુમતીઓને ભારતમાં રહેવાની મંજૂરી મળશે.
જોકે, કાયદાની પરિસ્થિતિ તેનાથી અલગ છે. CAA 2019 અને તેના હેઠળ બનાવેલા નિયમો અનુસાર, પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા નોન-મુસ્લિમ શરણાર્થીઓને માત્ર ત્યારે જ ભારતીય નાગરિકતા મળી શકે છે જો તેઓ 31 ડિસેમ્બર 2014 સુધીમાં ભારત આવ્યા હોય. એટલે કે, CAAની કટ-ઓફ તારીખ એજ છે, તેમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
જાણકારોના મતે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયનો તાજેતરનો આદેશ નાગરિકતા આપવા માટે નથી, પરંતુ દેશનિકાલમાંથી મુક્તિ આપવા માટે છે. તેનો અર્થ એ છે કે 31 ડિસેમ્બર 2024 સુધીમાં ભારત આવેલા નોન-મુસ્લિમ વિદેશીઓને તાત્કાલિક ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ માનીને હાંકી કાઢવામાં નહીં આવે. તેનાથી વિપરીત, આ છૂટ મુસ્લિમ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર લાગુ નહીં થાય, જેમની વિરુદ્ધ કાર્યવાહીનો રસ્તો સ્પષ્ટ રહે છે.
સરકારે તાજેતરમાં સંસદ અને જાહેર મંચોમાં પુનરોચ્ચાર કર્યો હતો કે બધા ઘુસણખોરોને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે, પરંતુ આ આદેશ બાદ સ્પષ્ટ થઈ ગયું છે કે દેશમાં ગેરકાયદેસર રીતે રહેતા નોન-મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને તેમાં સામેલ કરવામાં નહીં આવે, એટલે કે દેશમાંથી ગેરકાયદેસર મુસ્લિમ ઇમિગ્રન્ટ્સને હાંકી કાઢવાની પ્રક્રિયા ચાલુ રહેશે
હવે રાજકીય વર્તુળોમાં આ આદેશ અંગે ચર્ચા તેજ થઈ ગઈ છે. વિપક્ષનું કહેવું છે કે સરકાર ધાર્મિક આધાર પર નાગરિકતા અને ઇમિગ્રેશન નીતિમાં ભેદભાવ કરી રહી છે, જ્યારે શાસક પક્ષ તેને પીડિત સમુદાયોને સુરક્ષા પૂરી પાડવાનું પગલું ગણાવી રહ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp