હવે ભારતમાં પણ નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ કાયદાનો કડક અમલ, આ વિદેશી નાગરિકોની 'નો એન્ટ્રી', જા

હવે ભારતમાં પણ નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ કાયદાનો કડક અમલ, આ વિદેશી નાગરિકોની 'નો એન્ટ્રી', જાણો વિગતવાર

09/03/2025 National

SidhiKhabar

SidhiKhabar

હવે ભારતમાં પણ નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ કાયદાનો કડક અમલ, આ વિદેશી નાગરિકોની 'નો એન્ટ્રી', જા

નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ ઍક્ટ-2025 મુજબ, કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી નાગરિકો મામલે કડક નિયમો જાહેર કરાયા છે. નવો કાયદો 1971 માં સ્થાપિત બ્યુરો ઓફ ઇમિગ્રેશનને ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ પર ભારતના કડક પગલાં વચ્ચે વધુ સત્તાઓ આપે છે. એજન્સી અગાઉ સમાન કાર્યો કરતી હોવા છતાં, તેની ભૂમિકા નિયમનકારી હતી, અને કાયદામાં કોડિફાઇડ નહોતી.


નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ અમલમાં

નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટ અમલમાં

મંત્રાલયે સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોઈપણ વિદેશી નાગરિક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ, જાસૂસી, દુષ્કર્મ, હત્યા, આતંકવાદી કૃત્યો, બાળ તસ્કરી, માનવ તસ્કરી, નકલી ડૉક્યુમેન્ટ અથવા કરન્સી (ક્રિપ્ટોકરન્સી સહિત), ડ્રગ્સની દાણચોરી, સાયબર ગુનો, મની લોન્ડ્રિંગ અથવા કોઈપણ પ્રતિબંધ ધરાવતા સંગઠનના સભ્ય જેવા ગંભીર ગુનાઓમાં સામેલ હશે તો તેને ભારતમાં આવવાની કે પછી રોકાવાની કોઈપણ મંજૂરી આપવામાં નહીં આવે.

અમલમાં આવેલા નવા ઇમિગ્રેશન અને ફોરેનર્સ એક્ટમાં પાસપોર્ટ, વિઝા અને ઇમિગ્રેશન પર કડક નિયમો છે. જ્યારે આ કાયદો હોટલ, હોસ્પિટલો અને શિક્ષણ સંસ્થાઓ માટે વિદેશીઓની અધિકારીઓને જાણ કરવી ફરજિયાત બનાવે છે. ઉપરાંત તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ ડિટેન્શન કેમ્પ બનાવવા પડશે. તેમાં પકડવામાં આવેલ ગેરકાયદે પ્રવાસીઓને રાખવામાં આવશે. જ્યાં સુધી આ પ્રવાસીઓને તેમના દેશમાં પરત ન મોકલવામાં આવે ત્યાં સુધી તેમના પર ચાપતી નજર રાખવાની સાથે આવાગમન મર્યાદિત રાખવામાં આવશે.


ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ સામે ભારતની લડાઈ

ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ સામે ભારતની લડાઈ

ઉપરાંત ભારતમાં પ્રવેશવા, રહેવા કે બહાર નીકળવા માટે બનાવટી પાસપોર્ટ અથવા વિઝાનો ઉપયોગ કરનાર કોઈપણ વ્યક્તિ સાત વર્ષ સુધીની જેલ અને રૂ. 10 લાખ સુધીના દંડની સજાને પાત્ર છે. કાયદામાં બનાવટી પાસપોર્ટ અથવા મુસાફરી દસ્તાવેજો પૂરા પાડનારાઓ માટે સજાની જોગવાઈ છે. ગેરકાયદેસર સ્થળાંતર કરનારાઓ સામે ભારતની લડાઈને મજબૂત બનાવવા માટે નવા નિયમો સૂચિત કરવામાં આવ્યા છે, જે દેશ માટે મોટો સુરક્ષા જોખમ ઊભું કરે છે. ઇમિગ્રેશન બ્યુરોને હવે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સને ઓળખવા, અટકાયતમાં રાખવા અને દેશનિકાલ કરવા માટે રાજ્યો સાથે સંકલન કરવાની વધુ સત્તાઓ મળે છે.


બાયોમેટ્રિક ડેટા ફરજિયાત

બાયોમેટ્રિક ડેટા ફરજિયાત

કાયદાની કેટલીક મુખ્ય જોગવાઈ મુજબ, ભારતમાં આવતા અને રહેતા વિદેશી નાગરિકો માટે હવે બાયોમેટ્રિક ડેટા આપવાનું ફરજિયાત છે. બાયોમેટ્રિકની માહિતી કેન્દ્ર સરકારના પોર્ટલ પર સુરક્ષિત રખાશે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ અને કોસ્ટ ગાર્ડને આદેશ અપાયો છે કે, જો કોઈ વિદેશી વ્યક્તિ ભારતમાં ગેરકાયદે પ્રવેશ કરતો ઝડપાય તો તેની બાયોમેટ્રિક અને ડેમોગ્રાફિક માહિતી નોંધે અને પછી તેને પરત મોકલી દે. આ ઉપરાંત વિઝા નિયમોનું ઉલ્લંઘન કરતાં વિદેશીઓ માટે દંડ અને જેલની સજાની જોગવાઈઓ વધુ સખત કરવામાં આવી છે. લાંબા સમય સુધી ભારતમાં રહેતા વિદેશીઓ માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી છે, જેથી તેમની દેખરેખ વધુ સરળ બને. સરહદી વિસ્તારોમાં નવી ઇમિગ્રેશન ચેકપોસ્ટ સ્થાપિત કરવાની અને હાલની ચેકપોસ્ટ્સને અપગ્રેડ કરવાની સત્તા સરકારને આપવામાં આવી છે.


ભારતના કેટલાક ભાગોમાં જવા પર વિદેશી નાગરિકો પર પ્રતિબંધ

વિદેશી નાગરિકો મંજૂરી વગર ભારતના કોઈપણ પહાડ પર જઈ શકશે નહીં. તેમણે રૂટ બતાવવો પડશે, સરકાર દ્વારા નિમાયત સંપર્ક અધિકારીને સાથે રાખવા પડશે અને કેમેરા-વાયરલેસ ઉપકરણના ઉપયોગની માહિતી આપવી પડશે. ભારતના સંરક્ષિત અને પ્રતિબંધિત વિસ્તારોમાં જવા માટે અલગથી મંજૂરી લેવી ફરજિયાત છે. બીજીતરફ અફઘાનિસ્તાન, ચીન અને પાકિસ્તાની મૂળના વિદેશી નાગરિકોને આવા વિસ્તારોમાં જવાની મંજૂરી બિલકુલ નહીં મળે. પ્રતિબંધિત વિસ્તારોમાં અરુણાચલ પ્રદેશ, મણિપુર, મિઝોરમ, નાગાલૅન્ડ, સિક્કિમ, જમ્મુ-કાશ્મીર, લદ્દાખ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના કેટલાગ ભાગો સામેલ છે.


ભારતના નાગરિકો માટે પણ આ નિયમો ફરજીયાત

ગૃહ મંત્રાલયે કહ્યું છે કે, જો કોઈ વ્યક્તિની ભારતની કોર્ટમાં હાજરી જરૂરી હોય અથવા તે કોઈ એવા રોગથી પીડિત હોય જે જાહેર આરોગ્ય માટે ખતરો હોય, તો તેને ભારત છોડવાની મંજૂરી આપવામાં આવશે નહીં. જો કોઈ વ્યક્તિના ભારત છોડવાથી અન્ય દેશો સાથેના સંબંધો પર અસર થતી હોય અથવા તેના પર કેન્દ્ર સરકાર કે કોઈ તપાસ એજન્સી દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવ્યો હોય, તો તેવા સંજોગોમાં પણ તેને ભારત છોડવાની મંજૂરી મળશે નહીં. આ સમગ્ર વ્યવસ્થા પર નજર રાખવાની અને રૅકોર્ડ જાળવવાની જવાબદારી બ્યુરો ઑફ ઇમિગ્રેશનને સોંપવામાં આવી છે. આ સાથે વિદેશી નાગરિકો જેઓ જહાજના નાવિક અથવા વિમાનના ક્રૂ મેમ્બર હોય, જો તેમની પાસે ભારતીય વિઝા ન હોય તો તેમને ભારતમાં ઉતરવા માટે લેન્ડિંગ પરમિટ અથવા શોર લીવ પાસ લેવો ફરજિયાત રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top