ભાજપ નેતાએ પીએમ મોદીને ઘમંડી કહી દીધા, કહ્યું- મુલાકાતની પાંચ જ મિનીટમાં અમારો ઝઘડો થઇ ગયો હતો

ભાજપ નેતાએ પીએમ મોદીને ઘમંડી કહી દીધા, કહ્યું- મુલાકાતની પાંચ જ મિનીટમાં અમારો ઝઘડો થઇ ગયો હતો

01/03/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

ભાજપ નેતાએ પીએમ મોદીને ઘમંડી કહી દીધા, કહ્યું- મુલાકાતની પાંચ જ મિનીટમાં અમારો ઝઘડો થઇ ગયો હતો

પોલિટિક્સ ડેસ્ક: બળવાખોર નેતાઓ માત્ર કોંગ્રેસ પાર્ટીમાં જ હોય તેમ નથી. ભાજપમાં પણ આવા નેતાઓની યાદી લાંબી થતી જાય છે. તાજેતરમાં જ સુબ્રમણ્યમ સ્વામી, વરૂણ ગાંધી કે સત્યપાલ મલિક જેવા નેતાઓ અવારનવાર પાર્ટી હાઈકમાન્ડ કે કેન્દ્ર સરકારના નિર્ણયો વિરુદ્ધ નિવેદનો આપી ચૂક્યા છે.

જમ્મુ-કાશ્મીર અને ગોવા સહિતના રાજ્યોના રાજ્યપાલ રહી ચૂકેલા અને હાલ મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિક ખેડૂત આંદોલન મુદ્દે સરકારને આડે હાથ લેતા રહે છે. આમ તો ભાજપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કદ કોઈ સુપ્રીમ લીડર જેવું ગણી શકાય, પરંતુ સત્યપાલ મલિક મોદી વિરુદ્ધ પણ સમય આવ્યે નિવેદન આપી દે છે. હવે તેમણે વડાપ્રધાનને ઘમંડી કહી દીધા છે.


તેમણે કહ્યું કે તેઓ ખેડૂતોના મુદ્દાને લઈને પીએમ મોદી સાથે મુલાકાત કરવા ગયા હતા તે દરમિયાન પાંચ જ મિનીટમાં તેમની વચ્ચે ઉગ્ર ચર્ચા થઇ ગઈ અને તેઓ બહુ ઘમંડમાં હતા. સત્યપાલ મલિક રવિવારે હરિયાણાના ચરખી દાદરીના એક કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. ત્યાં જ તેમણે આ વાત કહી હતી.

તેમણે કહ્યું, ‘હું ખેડૂતોના મુદ્દે વડાપ્રધાનને મળ્યો હતો. જ્યારે મેં તેમને કહ્યું કે આપણા પાંચસો લોકો મરી ગયા છે ત્યારે તેમણે કહ્યું હતું કે, શું મારા માટે મર્યા છે? મેં તેમને કહ્યું કે તમારા માટે જ મર્યા છે કારણ કે તમે રાજા છો. માત્ર પાંચ મિનીટની મુલાકાતમાં મારો તેમની સાથે ઝઘડો થઇ ગયો હતો. પછી તેમણે મને કહ્યું હતું કે તમે અમિત શાહને મળી લો. પછી હું અમિત શાહને મળ્યો હતો.’


કાર્યક્રમ બાદ તેમણે કહ્યું હતું કે, ખેડૂત આંદોલનમાં દાખલ થયેલા કેસ રદ કરવા ઉપરાંત સરકારે એમએસપીને કાયદાકીય રૂપ આપવા અંગે પણ ઈમાનદારીથી કામ કરવું જોઈએ. સરકાર એમ વિચારતી હોય કે આ આંદોલન ખતમ થઇ ચૂક્યું છે તો તે ભૂલ છે. આંદોલન સમાપ્ત નહીં પણ સ્થગિત થયું છે. તેમણે ચીમકી ઉચ્ચારતા કહ્યું કે ખેડૂતોને અન્યાય થયો તો આંદોલન ફરી જીવતું થશે.

સત્યપાલ મલિક ઘણાં સમયથી ભાજપ અને કેન્દ્ર સરકાર તેમજ પીએમ મોદી વિશે આવા નિવેદનો કરતા રહ્યા છે. જોકે, અનેક વખત સરકાર સામે મોરચો માંડી ચૂકેલા આ નેતા વિરુદ્ધ સરકારે કે પાર્ટીએ હજુ સુધી કોઈ પગલાં લીધા નથી તેમજ તેમને રાજ્યપાલ પદેથી પણ હટાવ્યા નથી. જેને લઈને પણ તેમણે કહ્યું હતું કે તેમને પદ પરથી હટાવવામાં આવે તેનો ડર નથી તેઓ હંમેશા ખેડૂતો સાથે જ છે, ભલે તે માટે કોઈ પણ પદ કેમ ન છોડવું પડે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top