છત્તીસગઢના નારાયણપુર જિલ્લામાં બુધવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા ઘર્ષણમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી. એન્કાઉન્ટર દરમિયાન, સુરક્ષા દળોએ 30 નક્સલીઓને ઠાર માર્યા હતા, જેમાં બસવ રાજુનો પણ સમાવેશ થાય છે, જેના પર 1 કરોડ રૂપિયાનું ઇનામ હતું. આ એન્કાઉન્ટર દરમિયાન એક જવાન શહીદ થઈ ગયો, જ્યારે એક ઇજાગ્રસ્ત છે.
બસવ રાજુને નમ્બલ્લા કેશવ રાવ, કૃષ્ણ, વિનય, ગંગન્ના, બસવરાજ, પ્રકાશ, ગગન્ના, વિજય, કેશવ, બીઆર, ઉમેશ, રાજુ, દારાપુ નરસિમ્હા રેડ્ડી અને નરસિમ્હાના નામથી પણ ઓળખવામાં આવતો હતો. તે જિયાન્નાપેટ, કોટાબોમમાલી, શ્રીકાકુલમ (આંધ્ર પ્રદેશ રાજ્ય)નો રહેવાસી હતો. તે 2018થી CPI માઓવાદીનો મહાસચિવ હતો. તે સેન્ટ્રલ કમિટીનો સભ્ય પણ હતો. બસવરાજ NIAના 2 કેસમાં પણ વોન્ટેડ હતો. NIAએ વર્ષ 2012 અને વર્ષ 2019માં બસવરાજ વિરુદ્ધ 2 FIR નોંધી હતી. વર્ષ 2019ની ઘટનામાં, IED વિસ્ફોટ દ્વારા 5 સુરક્ષા કર્મચારીઓને મારવાનો આરોપ હતો.
પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, અબુઝમાડ વિસ્તારમાં સવારે સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું. નારાયણપુર જિલ્લાના પોલીસ અધિક્ષક પ્રભાત કુમારે જણાવ્યું હતું કે જિલ્લાના અબુઝહમાડ વિસ્તારના માડ ડિવિઝનમાં નક્સલીઓની હાજરી અંગેની માહિતીના આધારે, જિલ્લા રિઝર્વ ગાર્ડ (DRG) નારાયણપુર, DRG દંતેવાડા, DRG બીજાપુર અને DRG કોંડાગાંવની સંયુક્ત ટીમને નક્સલ વિરોધી કાર્યવાહી માટે મોકલવામાં આવી હતી.
છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કહ્યું કે, ‘આપણા એક જવાન ઇજાગ્રસ્ત થયો છે, તે જોખમથી બહાર છે. સૈનિકોએ ચમત્કાર કરી બતાવ્યો છે. 26થી વધુ નક્સલીઓ માર્યા ગયા છે. અંતિમ સર્ચ ઓપરેશન ચાલુ છે.ગૃહમંત્રી વિજય શર્માએ કહ્યું કે, મોટા નક્સલીઓ માર્યા જવાની શક્યતા છે. નારાયણપુર, સુકમા અને બીજાપુરનો વિસ્તાર છે, જ્યાં DRGના જવાનોએ સાહસ બતાવ્યુ છે. આ એક મોટી સફળતા છે. મૃતદેહ અને હથિયારો વિશે ટૂંક સમયમાં માહિતી આપવામાં આવશે.
તેમણે કહ્યું કે, ‘અમે નક્સલીઓને કહેવા માગીએ છીએ કે કેન્દ્ર અને રાજ્ય સરકારો એક ગોળી પણ ચલાવવા માગતી નથી. અમિત શાહે બસ્તરની મુલાકાત દરમિયાન કહ્યું હતું કે હું નક્સલીઓને મુખ્ય પ્રવાહમાં પાછા ફરવા અને ચર્ચા કરવા વિનંતી કરું છું. મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાંઈએ પણ આ જ અપીલ કરી છે. હથિયારોથી કોઈ પરિણામ મળતું નથી. તેમણે મુખ્ય પ્રવાહમાં જોડાઈને દેશ અને સમાજની સેવા કરવી જોઈએ.
કેન્દ્ર સરકારે દેશને નક્સલમુક્ત બનાવવા માટે 31 માર્ચ, 2026ની સમયમર્યાદા નક્કી કરી છે. તેને ધ્યાનમાં રાખીને, નક્સલવાદીઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. તાજેતરમાં, છત્તીસગઢના બીજાપુર જિલ્લાના કરેગુટ્ટાલુની ટેકરીઓમાં નક્સલવાદીઓ વિરુદ્ધ 21 દિવસ સુધી ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું.
14 મે સુધી ચાલેલા ઓપરેશન બાદ પોલીસે કહ્યું કે આ ઓપરેશનથી માઓવાદી સંગઠનને ખૂબ નુકસાન થયું છે. અલગ-અલગ એન્કાઉન્ટરમાં 31 નક્સલીઓ માર્યા ગયા. આ ઉપરાંત, નક્સલીઓના 150થી વધુ બંકરોને ધ્વસ્ત કરી દેવામાં આવ્યા. આ સિવાય દેશી હથિયાર બનાવવાની એક ફેક્ટરી પણ ધ્વસ્ત કરી દેવામાં આવી હતી. અહીંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી.