શું વાસ્તવમાં ગોલ્ડન ટેમ્પલની અંદર એર ડિફેન્સ ગન તૈનાત કરવામાં આવી? ભારતીય સેનાએ બતાવ્યું સત્ય
અમૃતસરના પવિત્ર શ્રી હરમંદિર સાહિબ (સુવર્ણ મંદિર) ખાતે ઓપરેશન સિંદૂર દરમિયાન એર ડિફેન્સ (AD) ગન્સની તૈનાતી અંગે વિવાદાસ્પદ સમાચાર સામે આવ્યા હતા. ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારી લેફ્ટિનેન્ટ જનરલ સુમેર ઇવાન ડી'કુન્હાએ 19 મે 2025ના રોજ દાવો કર્યો હતો કે સુવર્ણ મંદિરના મુખ્ય ગ્રંથીએ પાકિસ્તાનના ડ્રોન અને મિસાઇલ હુમલાઓથી રક્ષણ માટે મંદિર પરિસરમાં AD ગન તૈનાત કરવાની મંજૂરી આપી હતી. તેના પર સોશિયલ મીડિયામાં ઘણા પ્રકારના ખોટા દાવા થવા લાગ્યા, ત્યારે સેનાએ સ્પષ્ટતા કરી કે શ્રી દરબાર સાહિબ અમૃતસરના પરિસરમાં કોઈ AD ગન્સ કે અન્ય AD સંસાધનો તૈનાત કરવામાં આવ્યા નથી.
આ વિવાદ લેફ્ટિનન્ટ જનરલ ડી'કુન્હાના એક ઇન્ટરવ્યૂ બાદ થયો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે 7-8 મેની રાત્રે પાકિસ્તાને ડ્રોન અને મિસાઇલોથી સુવર્ણ મંદિરને નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો, જેને ભારતીય સેનાએ નિષ્ફળ બનાવી દીધો. તેમણે દાવો કર્યો હતો કે મંદિરની બાહ્ય લાઇટો બંધ કરવા અને AD ગન્સ તૈનાત કરવાની પરવાનગી મુખ્ય ગ્રંથિ પાસેથી મળી હતી. મેજર જનરલ કાર્તિક સી. શેષાદ્રીએ એમ પણ કહ્યું કે સેનાએ આકાશ મિસાઇલ સિસ્ટમ અને L-70 ગન્સની મદદથી તમામ હુમલાઓને નિષ્ફળ બનાવ્યા, જેના કારણે સુવર્ણ મંદિરને ખરોચ પણ ન આવી.
શિરોમણી ગુરુદ્વારા પ્રબંધક સમિતિ (SGPC)ના પ્રમુખ હરજિન્દર સિંહ ધામી અને મુખ્ય ગ્રંથી જ્ઞાની રઘબીર સિંહે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે. ધામીએ જણાવ્યું હતું કે પ્રશાસને માત્ર બ્લેકઆઉટ માટે બાહ્ય લાઇટ બંધ કરવાની વિનંતી કરી હતી, જેનું પાલન કરવામાં આવ્યું હતું, પરંતુ ગન્સ તૈનાત કરવાની કોઈ વાત થઈ નહોતી. પરંતુ સેના સુરક્ષા માટે વ્યવસ્થા કરી રહી છે.
ભારતીય સેનાએ એક સત્તાવાર નિવેદન જાહેર કરીને કહ્યું કે સુવર્ણ મંદિરના પરિસરમાં કોઈ AD ગન્સ તૈનાત કરવામાં આવી નથી. સેનાએ જણાવ્યું હતું કે, પંજાબમાં S-400, AKASH અને L-70 સિસ્ટમની મદદથી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા 800-1000 ડ્રોન હુમલાઓને નિષ્ફળ બનાવવામાં આવ્યા હતા. અમૃતસરમાં એક પ્રદર્શન દરમિયાન સેનાએ નષ્ટ કરેલા ડ્રોન અને મિસાઇલોના કાટમાળનું પ્રદર્શન કર્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp