'સંવિધાન ઉલ્લંઘનના પૂરતા પુરાવા લાવો, ત્યારે જ થશે હસ્તક્ષેપ..', વક્ફ કાયદા પર CJIએ ખેંચી દીધી લક્ષ્મણ રેખા?
સુપ્રીમ કોર્ટે મંગળવારે વક્ફ (સંશોધન) અધિનિયમ, 2025ની બંધારણીય માન્યતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી. મુખ્ય ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ આગેવાની હેઠળની 2 સભ્યોની બેન્ચે ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષની દલીલો સાંભળી. બેન્ચના બીજા ન્યાયાધીશ જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહ હતા. સૂનાવણી દરમિયાન, CJIએ સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓની બંધારણીયતા અંગે એક મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. તેમણે વક્ફ (સંશોધન) કાયદાને પડકારનાર અરજદારોને કહ્યું કે, 'સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદાઓમાં બંધારણીયતાની ધારણા હોય છે અને કોઇ કાયદો બંધારણીય નથી, તેનો જ્યાં સુધી નક્કર મામલો સામે આવતો નથી, ત્યાં સુધી કોર્ટો તેમાં હસ્તક્ષેપ કરી શકતી નથી.'
સુપ્રીમ કોર્ટમાં દલીલો દરમિયાન વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે વક્ફ અલ્લાહને આપવામાં આવેલું દાન છે. એક વખત વક્ફને આપવામાં આવેલી સંપત્તિ હંમેશાં માટે વક્ફની થશે, તેને કોઈ બીજાને ટ્રાન્સફર કરી નહીં શકાય. વક્ફ સંશોધન અધિનિયમ 2025ને પડકારતી અરજીઓનું પ્રતિનિધિત્વ કરનારા એડવોકેટ કપિલ સિબ્બલે કહ્યું કે, 'આ કાયદો વક્ફની રક્ષા માટે બનાવવામાં આવ્યો છે. પરંતુ આ કાયદોને એવી રીતે બનાવવામાં આવ્યો છે કે વક્ફને બિન-ન્યાયિક રીતે હાંસલ કરી શકાય છે.
સુપ્રીમ કોર્ટમાં સરકારનો પક્ષ રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટને અનુરોધ કર્યો વચગાળાનો આદેશ પસાર કરવા માટે માત્ર 3 મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે. આમાં વક્ફ બાય યુઝર, વક્ફનું માળખું અને કલેક્ટર તપાસનો મુદ્દો સામેલ થાય.
વક્ફ બાય યુઝરમાં એવી સંપત્તિઓનો સમાવેશ થાય છે જે વક્ફ બોર્ડને દાનમાં આપવામાં આવી નથી, પરંતુ લાંબા સમયથી વક્ફ માટે ઉપયોગમાં લેવામાં આવી રહી છે. તો, બીજો મુદ્દો વક્ફ બોર્ડમાં બિન-મુસ્લિમ સભ્યોના પ્રવેશ અંગેનો છે. ત્રીજો મુદ્દો વક્ફ કાયદામાં જોગવાઈ છે, જેમાં કલેક્ટરને વક્ફ સંપત્તિઓની તપાસનો અધિકાર કલેક્ટરને આપવામાં આવ્યો છે. તો જો કલેક્ટરને શંકા છે કે આ સંપત્તિ વક્ફની નથી, તો તેને વક્ફની જમીન માનવમાં નહીં આવે.
અંતિમ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે વક્ફ એક્ટ 1955 પર પ્રતિબંધ ન લગાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, કોર્ટે વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ અને કેન્દ્ર સરકારને 19 મે સુધીમાં લેખિતમાં નોંધ રજૂ કરવા જણાવ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp