જ્યોતિ જાસૂસનો મામલો સામે આવ્યા બાદ સરકાર થઈ સખત; યુટ્યુબર્સ માટે આ રાજ્યમાં બનશે નિયમ-કાયદા
યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાની ધરપકડ બાદ હવે હરિયાણા સરકાર એક નવી કાર્યવાહી કરવા જઈ રહી છે. યુટ્યુબર્સ અને સોશિયલ મીડિયા ઇન્ફ્લૂએન્સર્સ માટે સરકાર દ્વારા નવા દિશા-નિર્દેશ બનાવી શકાય છે. ટ્રાવેલ બ્લોગર્સ દ્વારા બનાવવામાં આવતી સામગ્રી માટે કડક નિયમો હશે. હકીકતમાં, હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સૈનીએ આ સંદર્ભમાં પોતાના ગૃહ વિભાગના એક અધિકારીને કડક સૂચના આપી છે. આ સાથે જ, તેમને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOPs)નો ડ્રાફ્ટ તૈયાર કરવાનું કહેવામાં આવ્યું છે. મળતી માહિતી અનુસાર, તેમાં અનેક વિભાગોનું સંકલન પણ સામેલ હશે, જેમાં ગૃહ વિભાગ, IT વિભાગ વગેરેનો સમાવેશ થશે.
હરિયાણાના ગૃહ સચિવ સુમિતા મિશ્રાએ કહ્યું છે કે, આજે મુખ્યમંત્રીના નેતૃત્વમાં એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ દરમિયાન કાયદા અને વ્યવસ્થા પર ચર્ચા થઈ. ઉપરાંત જિલ્લામાં SSP, CP અને DC વચ્ચે સંકલન પર ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી સાથેની બેઠકમાં જ્યોતિ મલ્હોત્રાને લઈને પણ ચર્ચા થઈ, જેના પર પાકિસ્તાન માટે જાસૂસી કરવાનો આરોપ છે. અહીં સોશિયલ મીડિયા અને યુટ્યુબર કન્ટેન્ટને લઈને પણ ચર્ચા થઈ હતી.
પાકિસ્તાની જાસૂસીના આરોપસર ધરપકડ કરાયેલી જ્યોતિ 5 દિવસની કસ્ટડીમાં હતી. આ દરમિયાન, અલગ-અલગ ટીમોએ તેને ઘણા સવાલ પૂછ્યા. જ્યોતિની વારંવાર પાકિસ્તાનની મુલાકાતો અને પાકિસ્તાન હાઈ કમિશનમાં સુધી તેની પહોંચને લઈને સવાલ કરવામાં આવ્યા. તપાસ દરમિયાન, પોલીસને એક તૂટેલો મોબાઇલ ફોન પણ મળ્યો, જેને જપ્ત કરીને ફોરેન્સિક ટીમને મોકલવામાં આવ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ મોબાઇલમાંથી ડીલિટ કરાયેલા ડેટાને રિકવર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp