SAACના પ્રયત્નો સફળ, સુરત એરપોર્ટ હવે CISFને હવાલે
સુરત : 'સુરત એરપોર્ટ એક્શન કમિટી' એટલે કે SAACના પ્રયત્નોને આખરે સફળતા મળી છે અને સુરત એરપોર્ટની સિક્યોરીટીની જવાબદારી અંતે CISFને સોંપવામાં આવી છે.
આ મુદ્દે SAAC દ્વારા વારંવાર ઈમેઈલ દ્વારા અને ટ્વિટર ઉપર અભિયાન ચલાવીને રજૂઆત કરવામાં આવી હતી. આખરે આ રજૂઆતો રંગ લાવી છે. SAAC દ્વારા #CISF4SuratAirport હેશટેગ હેઠળ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.
સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરીટી ફોર્સ એટલે કે CISFની રચના ઇસ ૧૯૬૯માં કરાઈ હતી. ત્યારબાદ ૧૯૮૩ની પંદરમી જૂને ખાસ કાયદો પસાર કરીને CISFને આર્મ્ડ ફોર્સીસની શ્રેણીમાં મૂકવામાં આવ્યું. પહેલા એરપોર્ટ પોલીસ દેશના તમામ એરપોર્ટની સુરક્ષા કરતી હતી. પરંતુ પછીથી આ જવાબદારી CISFને સોંપવામાં આવી. અત્યાર સુધી સુરત એરપોર્ટની સુરક્ષાની જવાબદારી ગુજરાત પોલીસને હસ્તક હતી. ખરેખર એરપોર્ટ જેવા સ્થળની જવાબદારી CISFને જ સોંપાવી જોઈએ. જોવાની ખૂબી એ છે કે સુરત એરપોર્ટ કસ્ટમ નોટીફાઈડ એરપોર્ટ છે. પરંતુ અગમ્ય કારણોસર સુરત એરપોર્ટ હજી સુધી ગુજરાત પોલીસને હવાલે જ હતું. બીજી તરફ સુરત કરતા ઓછો ટ્રાફિક ધરાવતા, નાના કદના એરપોર્ટની જવાબદારી સુધ્ધાં CISFને સોંપાઈ છે!
'સુરત એરપોર્ટ એક્શન કમિટી'ના નેજા હેઠળ વર્ષોથી સુરતને વર્કિંગ એરપોર્ટ અપાવવા માટેની લાંબી લડાઈ સફળતાપૂર્વક લડી ચૂકેલા સંજય ઇઝાવાએ સીધીખબર સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમારી શરૂઆતથી જ માગણી હતી કે સુરતને વર્કિંગ એરપોર્ટ મળે અને CISFની સિક્યોરીટી સાથે મળે. કારણકે ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે ઈમિગ્રેશન અને કસ્ટમની હાજરી રહેતી હોવાને કારણે CISF દ્વારા મળતી સિક્યોરીટી અતિશય જરૂરી બની જાય છે. વળી સુરત કોસ્ટલ એરિયા ગણાય છે. એ રીતે પણ સુરત એરપોર્ટની સુરક્ષાનું મહત્વ વધી જાય છે. આજની તારીખે દેશમાં ૩૦ જેટલા ઇન્ટરનેશનલ એરપોર્ટ્સ છે અને સુરત સિવાય બધે CISFની સિક્યોરીટી મોજૂદ છે. ભારતમાં ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક, બધું મળીને કુલ ૬૧ એરપોર્ટ પર CISF દ્વારા સિક્યોરીટી અપાઈ રહી છે.
સુરત એરપોર્ટની સુરક્ષા ગુજરાત પોલીસને હવાલે હતી, પણ રાજ્યના પોલીસ ખાતાની કેટલીક મર્યાદાઓ હોય છે. જ્યારે કોઈ વગદાર વ્યક્તિ કે રાજકારણી આવે ત્યારે પોલીસ શેહમાં આવી જતી હોય એવું બનવાની શક્યતા રહે છે. સંજય ઇઝાવા જણાવે છે કે ભૂતકાળમાં સુરત એરપોર્ટ ઉપર પણ આ રીતે મોટી સંખ્યામાં લોકો ધસી ગયા હોય અને સુરક્ષા ડહોળાઈ હોય એવા બનાવો બની ચૂક્યા છે. એ વિષે અમે સેન્ટ્રલ વિજીલન્સ કમિશનને પણ ફરિયાદ કરી ચૂક્યા છીએ.
આ બધા કારણોસર અમે ૩-૪ વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા હતા કે સુરત એરપોર્ટને પણ CISFની સુરક્ષા મળે. છેલ્લે ૭-૮ મહિના પહેલા પણ અમે રાજનાથસિંહજીને આ અંગે પત્ર લખેલો. પત્રમાં લખેલા અમારા મુદ્દાઓ યોગ્ય લાગતા રાજનાથ સિંહે પત્ર CISF હેડક્વાર્ટરમાં ફોરવર્ડ કરેલો, તેમજ જરૂરી કાર્યવાહી આગળ ધપાવવા માટે સૂચના પણ આપવામાં આવેલી.
સુરત એરપોર્ટ ઓથોરીટીએ આજે ટ્વિટ કરીને CISFની સિક્યોરીટી મંજૂર થવા બાબતની જાહેરાત કરી હતી. સંજય ઇઝાવાએ જણાવ્યું હતું કે આખરે વર્ષોના સંઘર્ષ પછી આ પરિણામ મળ્યું એની અમને ખુશી છે. આશા છે કે ઝડપથી સુરત એરપોર્ટની સિક્યોરીટી CISFને હેન્ડઓવર કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp