દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે જાહેર થશે, બપોરે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ, જાણી લો સમય
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો આજે (7 જાન્યુઆરી) જાહેર કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર દિલ્હીમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. ચૂંટણી પંચની યોજના અનુસાર ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં મતદાન થઈ શકે છે અને 17 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થવાની સંભાવના છે. ચૂંટણી પંચ દ્વારા આજે બપોરે 2 કલાકે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવશે, જેમાં આગામી ચૂંટણીની પ્રક્રિયા અને તેને લગતા પાસાઓ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવશે.
ECIએ સોમવારે (6 જાન્યુઆરી) દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે અંતિમ મતદાર યાદી જાહેર કરી. આ યાદીમાં કુલ 1 કરોડ 55 લાખ 24 હજાર 858 મતદારો નોંધાયેલા છે. જેમાં 84 લાખ 49 હજાર 645 પુરૂષ મતદારો છે, જ્યારે 71 લાખ 73 હજાર 952 મહિલા મતદારો છે.
દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 15 ફેબ્રુઆરી 2025ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. છેલ્લી વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો વર્ષ 2020માં પણ દિલ્હીમાં ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાઈ હતી. તે ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)એ ભારે જીત મેળવી હતી અને સરકાર બનાવી હતી. હવે જેમ-જેમ કાર્યકાળની અંતિમ તારીખ નજીક આવી રહી છે તેમ-તેમ દિલ્હીમાં આગામી ચૂંટણીની તૈયારીઓ તેજ થઈ રહી છે.
પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ વખતે પણ નવી દિલ્હી વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે. આ વખતે તેમનો મુકાબલો કોંગ્રેસના સંદીપ દીક્ષિત અને ભાજપના પ્રવેશ વર્મા સાથે છે. કેજરીવાલ હંમેશાં આ સીટ પરથી ચૂંટણી લડ્યા છે અને અહીં તેમની મજબૂત પકડ છે.
નવી દિલ્હી સીટને VIP સીટ ગણવામાં આવે છે, જેના કારણે ભાજપ અને કોંગ્રેસ બંનેએ પોતાના અગ્રણી નેતાઓને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે, જેના કારણે સ્પર્ધા વધુ રસપ્રદ બની છે. બીજી તરફ, મુખ્યમંત્રી આતિશી કાલકાજી બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે જ્યાં તેમનો મુકાબલો કોંગ્રેસના નેતા અલ્કા લાંબા અને ભાજપના પૂર્વ સાંસદ રમેશ બિધૂડી સાથે થશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp