દિલ્હીમાં વાગ્યું ચૂંટણીનું બ્યૂગલ, શું છે AAP-BJP અને કોંગ્રેસના વચનો અને મુદ્દાઓ?
દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. ત્રણ મુખ્ય પક્ષો ભાજપ, આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ પોતપોતાની રણનીતિ બનાવવામાં વ્યસ્ત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તમામ પક્ષોના નેતાઓ એક-બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવીને મુદ્દા ઉઠાવી રહ્યા છે.
પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે તમામ પક્ષો મોટા-મોટા વચનો અને દાવાઓ કરતા જોવા મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના નેતાઓ સતત એમ કહેતા જોવા મળે છે કે જો તેમની સરકાર સત્તામાંથી હટી જશે તો જનતાને આપવામાં આવતી તમામ સુવિધાઓ બંધ કરી દેવામાં આવશે. આ દરમિયાન આમ આદમી પાર્ટીએ ઘણા ચૂંટણી વચનો આપ્યા છે. તો, કોંગ્રેસ અને ભાજપે હજુ સુધી તેમનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો નથી.
દિલ્હી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી (AAP) એ છેલ્લા કેટલાક દિવસોમાં ઘણી મોટી જાહેરાતો કરી છે. જેમાં મહિલાઓ માટે દર મહિને 2100 રૂપિયા, સંજીવની યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે મફત સારવાર અને દિલ્હીવાસીઓને 24 કલાક સ્વચ્છ પાણી અને વીજળી આપવાનું વચન સામેલ છે. તીર્થયાત્રા અને મફત બસ પ્રવાસની પણ વાત કરવામાં આવી છે. આ સાથે પૂજારીઓ અને ગ્રંથીઓ માટે દર મહિને 18,000 રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે.
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે હજુ સુધી કોઇ સંકલ્પ કે મેનિફેસ્ટો બહાર પાડ્યો નથી. ભાજપ AAP સરકારની મફત યોજનાઓને વધુ અસરકારક રીતે લોકો સમક્ષ રજૂ કરવાનું કામ કરી શકે છે. સૂત્રોનું માનીએ તો પાર્ટી 300 યુનિટ મફત વીજળી આપવાનું વચન આપી શકે છે. ઘોષણાપત્રમાં મફત 20 હજાર લીટર સ્વચ્છ પાણીનો ઉલ્લેખ પણ કરી શકાય છે. આ સાથે મહિલાઓ, વૃદ્ધો અને વિદ્યાર્થીઓ માટે મફત બસ મુસાફરીની પણ જાહેરાત કરવામાં આવી શકે છે. આયુષ્માન યોજના હેઠળ સારવાર અને ઝૂંપડપટ્ટીના બદલે કાયમી ઘર આપવાનું વચન પણ આપી શકાય છે.
કોંગ્રેસ પણ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પોતાની જીત સુનિશ્ચિત કરવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. પાર્ટીએ મહિલાઓને દર મહિને 2500 રૂપિયા આપવાનું વચન આપ્યું છે. કોંગ્રેસ બુધવારે બીજી ગેરંટી જાહેર કરશે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત 25 લાખ રૂપિયા સુધીના સ્વાસ્થ્ય વીમા સંબંધિત યોજનાની જાહેરાત કરશે. કોંગ્રેસનું ધ્યાન યુવાનો અને વૃદ્ધો પર પણ છે. પક્ષ પ્રદૂષણ અંગે પણ અવાજ ઉઠાવે છે. આ સાથે કોંગ્રેસ નાના વેપારીઓના ઉત્થાન માટે પણ કામ કરી રહી છે. તેને અંગે જાહેરાત કરી શકે છે. આ સિવાય રાજધાની દિલ્હીમાં ફ્લાયઓવરના નિર્માણ પર પણ મેનિફેસ્ટોમાં ભાર મૂકવામાં આવી શકે છે.
કર્ણાટક ચૂંટણીની જેમ દિલ્હીમાં પણ કોંગ્રેસે પાંચ ગેરંટી આપવાની તૈયારી કરી છે. તેમાં પ્યારી દીદી યોજના (મહિલા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર), જીવન રક્ષા યોજના (આરોગ્ય વીમો), યુવાનોને નોકરીની ગેરંટી, લેબર ક્લાસ ઇનકમ ગેરંટી યોજના અને બધા માટે રાશન યોજનાની જાહેરાત પણ કરી શકે છે.
દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની 70 સભ્યોની વિધાનસભા માટે 5 ફેબ્રુઆરીએ મતદાન થશે જ્યારે મતોની ગણતરી 8 ફેબ્રુઆરીએ થશે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ 23 ફેબ્રુઆરીએ પૂરો થઈ રહ્યો છે.
2020ની વિધાનસભા ચૂંટણીમાં AAPએ તમામ 70 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા, જેમાંથી તેણે 62 બેઠકો જીતીને સરકાર બનાવી હતી. તો આ ચૂંટણીમાં ભાજપે 67 બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા અને માત્ર 8 બેઠકો પર સફળતા મેળી હતી. જ્યારે કોંગ્રેસ સહિત અન્ય પક્ષોના ખાતા પણ ખૂલ્યા નહોતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp