ઢાકા: પડોશી રાષ્ટ્ર બાંગ્લાદેશમાં (Bangladesh) ગુરુવારે એક આગ દુર્ઘટનામાં ૫૨ (52) લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. રાજધાની ઢાકામાં (Dhaka) એક છ માળની જ્યુસની ફેક્ટરીમાં આગ (Fire in Juice Factory) લાગી જતા અંદર ફસાયેલા ૫૨ લોકોના મોત થયા હતા જ્યારે આશરે પચાસેક જેટલા લોકો ઘવાયા હતા.
ફાયર અધિકારીઓના જણાવ્યા મુજબ, બાંગ્લાદેશની રાજધાની ઢાકાના નારાયણગંજના રૂપગંજમાં આવેલ શેઝાન જ્યુસ ફેક્ટરીમાં (Shezan juice Factory) ગુરુવારે સાંજે લગભગ પાંચ વાગ્યે આ આગ લાગી ગઈ હતી. આ આગ એટલી ભીષણ છે કે હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી.
ઢાકા ટ્રીબ્યુનનો અહેવાલ જણાવે છે કે, અત્યાર સુધી આ ઘટનામાં ૫૨ લોકો મૃત્યુ પામ્યાની પુષ્ટિ થઇ છે જ્યારે ૫૦ જેટલા લોકો ઘવાયા છે. બાકીના કેટલાક કર્મચારીઓ ભીષણ આગની જ્વાળા જોઇને જીવ બચાવવા બારીમાંથી કૂદી પડ્યા હતા. લગભગ અઢાર જેટલા ફાયર ટેન્ડરો આગ ઉપર કાબૂ મેળવવા માટે મથી રહ્યા છે.
આશંકા છે કે આ આગ ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર ઉપર લાગી અને ત્યાંથી ઉપરના માળ સુધી પહોંચી હતી. કંપનીમાં રસાયણો અને પ્લાસ્ટિકની બોટલોના કારણે આગ ઝડપથી પ્રસરી ગઈ હોવાનું અનુમાન છે.
ઈમારતમાંથી જીવ બચાવીને ભાગેલા કર્મચારીઓએ બહાર આવીને કહ્યું હતું કે, બિલ્ડીંગમાં આગ લાગી ત્યારે એન્ટ્રી અને એક્ઝીટ બંને ગેટ લોક હતા. તેમજ તેમણે ફાયર સેફ્ટીનો પણ અભાવ હોવાનું જણાવ્યું હતું. સ્થાનિક જિલ્લા તંત્ર દ્વારા આ મામલે તપાસ કરવા માટે એક પાંચ સભ્યોની સમિતિ બનાવવામાં આવી છે, જે તપાસ કરીને રિપોર્ટ સોંપશે.
સમાચાર એજન્સીના જણાવ્યા અનુસાર ફાયર વિભાગના કર્મચારીઓ ઈજાગ્રસ્ત લોકોને બચાવવા માટે દરેક સંભવ કોશિશો કરી રહ્યા છે. રાહતકાર્ય કરતા દળના ડેપ્યુટી ડાયરેક્ટરે કહ્યું કે એકલા ચોથા માળેથી જ ૪૯ શબ બહાર કાઢવામાં આવ્યા છે, અન્ય લાશો પણ મળવાની શક્યતા નકારી શકાતી નથી. તેમણે કહ્યું કે લાશો એટલી ખરાબ રીતે બળી ગઈ છે કે ઓળખ પણ કરી શકાતી નથી.