ભારતના પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનરે આખરે અંતિમ વિદાય લીધી! પણ એણે પ્રકટાવેલી ચેતના અમર રહેશે
03/12/2022
LifeStyle
Special Story : એક મોટીવેશનલ સ્પીકર સરસ મજાના ઈસ્ત્રીટાઈટ કપડા પહેરી, પ્રભાવક બોડી લેન્ગ્વેજ સાથે, પોતાની વાત રજૂ કરે. એની વાક્છટાનો જાદુ એવો હોય કે એણે કીધેલી સાવ સામાન્ય વાત પણ તમને ‘ગ્લેમરસ’ લાગે! તમારું મન એવું માનવા મજબૂર થઇ જાય, કે આ ભાઈ/બહેન જે બોલી રહ્યા છે, એ જ જીવનનું અંતિમ સત્ય છે. જો આટલું પચાવી લેશું તો સુખ આપણું ગુલામ બનીને રહેશે! જો કે આ બધો જાદુ હોલમાંથી બહાર નીકળીએ એના થોડા જ સમયમાં ઓસરી જતો હોય છે. વાસ્તવિક દુનિયા કઠોર છે. અંતિમ સત્ય એ છે કે અહીં ઈસ્ત્રીટાઈટ કપડા કે વાક્છટા કરતા વધુ કામ આવે છે તમારી કોઠાસૂઝ, ગમે એવા સંઘર્ષમાં ટકી રહેવાનું તમારું ઝનૂન, અને પોતાના લોકો પર- ઈશ્વર પર અખૂટ શ્રદ્ધા! અને એટલા માટે જ ગમે એવા મહાન ઉપદેશક કરતા જીવનની કઠોર વાસ્તવિકતાઓ સામે ઝઝૂમનાર સામાન્ય વ્યક્તિની વાતો વધુ ઉપયોગી સાબિત થાય છે. કમનસીબે આવા જ એક યુવાને થોડા દિવસો પહેલાજ નશ્વર દેહ ત્યજીને અનંતની વાટ પકડી. એનું નામ હાર્દિક કલ્પદેવ પંડ્યા. લગભગ જન્મથી જ અનેક શારીરિક તકલીફો વેઠનાર હાર્દિકે બહુ નાની ઉંમરે વિદાય લીધી, પણ પોતાના સંઘર્ષો થકી એણે પ્રકટાવેલી ચેતના, બીજા અનેક હિંમત હારી બેઠેલા લોકોનો જીવનપથ ઉજાળતી રહેશે. સાહિત્ય સર્જન ક્ષેત્રે પા-પા પગલી માંડી રહેલા યુવા લેખિકા મીરાં જોષી હાર્દિક પંડ્યા વિશેના પોતાના સંસ્મરણો અહીં આપણી સાથે વહેંચી રહ્યા છે.
હાર્દિક કલ્પદેવ પંડ્યા : એક ‘દિવ્યજીવ’ની વિદાય વેળાએ...
હા, એ દિવ્યાંગ હતો, પણ એવું રાખે માની લેતા કે હું કોઈ દિવ્યાંગ વ્યક્તિની અંતિમ વિદાય બાદ એના માટે સહાનુભૂતિ પેદા કરનાર લેખ વંચાવી રહી છું! હાર્દિકને શારીરિક દ્રષ્ટિએ ભલે ‘દિવ્યાંગ’ કહી શકાય, પણ એના આત્મા કારણ કે આ વ્યક્તિ વિશે વાંચ્યા બાદ તમારી દૃષ્ટિ બદલાઈ જશે એ વાતમાં કોઈ બેમત નથી.
હાર્દિક કલ્પદેવ પંડ્યા, જેણે પોતાના નામમાં કલ્પ એટલે માતા કલ્પનાબેન અને દેવ એટલે પિતા દેવેન્દ્ર પંડ્યાને સ્થાન આપ્યું છે, પરંતુ આજે એના પિતાને લોકો પુત્રના લીધે ઓળખે છે.
એક ખાલીપો સર્જાયો છે આ વ્યક્તિત્વની વિદાયથી, એક વ્યક્તિ જેને જન્મથી લઈને અંત સુધી જીવન ટકાવી રાખવા માટે સતત સંઘર્ષ કરવો પડ્યો છે. જન્મના ચોવીસ કલાકમાં કરોડરજ્જુના મણકાનું ઓપરેશન, જેની અસફળતાથી મળેલી અપંગતાની વસમી ભેટ, તો થોડા વર્ષ બાદ બંને કિડની નિષ્ફળ જવાની આઘાતજનક ઘટના! આટલું પૂરતું નહોતું તો ઈશ્વરે એનો સધિયારો ગણાય એવી માનો હૂંફનો પાલવ પણ છીનવી લીધો.
તમે વિચારી શકો, આટલું બધું આટલી નાની ઉંમરમાં તમારી સાથે થયું હોય ને તો પણ ચહેરા પર સ્મિત જાળવી રાખવાનું? હંમેશા પોઝિટિવ અભિગમ ને આત્મસાત કરવાનું? એટલું જ નહિ, અઢળક શારીરિક તકલીફ વચ્ચે પણ અન્ય માટે કશુંક કરી પ્રેરણારૂપ બનવાનું!?
આ કોઈ સામાન્ય વ્યક્તિ તો નહોતો જ. આપણી વચ્ચે એક અદ્વિતીય માનવી જીવી રહ્યો હતો કે જેના સકારાત્મક અભિગમ અને આત્મવિશ્વાસની કોઈ સીમા નહોતી.
મને યાદ છે ત્રણેક વર્ષ પહેલાં જ્યારે એમના ઘરે ગઈ હતી, જગ્યા પરથી બેઠા બેઠા જ જે ઉત્સાહ થી એણે શરીરના સહારે દરવાજો ખોલ્યો હતો, મારા ના કહેવા છતાં શરબત બનાવવા ની તસ્દી લીધી હતી. ને હું અવાચક બનીને એની યજમાનગતિ જોતી રહી હતી. કેટલું વિરલ વ્યક્તિત્વ ને કેવી લાગણીથી સભર આંખો, પ્રેરણાત્મક વાતો, એને મળીને ઈશ્વર સાથે ઝગડો કરવાનું મન થઈ આવેલું.
તમારી પાસે કશુંક છે અને તમે જગતને કશુંક આપો છો, એ એટલું મહત્વનું નથી. પણ તમારી પાસે કશું નથી ને છતાં તમે જગતને શું આપી શકો છો એ મહત્વનું છે.
ભારતનો સર્વ પ્રથમ દિવ્યાંગ મોટીવેશનલ અને માઈન્ડ ટ્રેનર, Unleash your inner power પુસ્તકના લેખક, ખુશીમંત્ર વેબસાઇટથી જીવન, સબંધો, લાગણી, કરિયર જેવા વિષયો પર સકારાત્મક અભિગમનું અજવાળું ફેલાવનાર બ્લોગર, ખુશીમંત્ર પોડકાસ્ટ થકી આ લેખોને પોતાના આત્મવિશ્વાસથી ખણકતા મજબૂત અવાજ થકી અસંખ્ય લોકો સુધી પહોંચાડનાર, અનેક એવોર્ડ થી સ્વર્ગસ્થ માતા, પોતાનો ખભો બની સાથ આપનાર પિતા અને બહેનોના પ્રેમને એણે શ્રેષ્ઠતમ ઊંચાઈ બક્ષી છે.
અંતે એટલું જ કહીશ, કે એની હાજરી નથી ત્યારે ય એના વિચારો, એના શબ્દો આપણી વચ્ચે હાજર રહેવાના છે. અનેક ઝંઝાવાતો વચ્ચે એણે પ્રકટાવેલી ચેતનાનો દીવો અનેક હતાશ થઇ ગયેલા લોકોને પ્રેરણાનો પ્રકાશ આપતો રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp