હાલ યુવાધનમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ દ્વારા નશાકારક વસ્તુઓ લેવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ત્યારે ગુજરાતનું ગૃહ વિભાગ હવે સફાળું જાગ્યું છે અને યુવાઓ દ્વારા કરવામાં આવતા નશાને રોકવા માટે તાત્કાલિક નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે સમગ્ર ગુજરાતમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન અને પરફેક્ટ રોલ જેવી વસ્તુઓના સંગ્રહ, વેચાણ, વિતરણ અને હેરાફેરી પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂક્યો છે.
આ જાહેરનામામાં સ્પષ્ટ જણાવાયું છે કે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, જાહેરાતો, સામાજિક સંગઠનો તેમજ અલગ-અલગ જન સમુદાયના માધ્યમથી મળેલી વિગતો મુજબ, રાજયમાં સગીર/યુવાઓ દ્વારા અલગ અલગ પ્રકારના નશાઓ જેવા કે ચરસ ગાંજાનું સેવન કરવા માટે રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે. તે પદાર્થની અંદર ટાઇટેનિયમ ઓક્સાઇડ, પોટેશિયમ નાઇટ્રેટ, આર્ટિફિશિયલ ડાય, કેલ્શિયમ કાર્બોનેટ તથા ક્લોરીન બ્લીચ જેવા ઝેરી પદાર્થો હોય છે, જે માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક છે. આવા રોલિંગ પેપર ગોગો સ્મોકિંગ કોણ, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ પર પાન પાર્લર, પરચુરણ કરિયાણાની દુકાનો તથા ચાની દુકાનો વગેરે ઉપર સરળતાથી ઉપલબ્ધ થઈ રહ્યા છે. જેના પરિણામે યુવા વર્ગમાં નશો કરવાની વૃત્તિમાં વધારો થયો છે. આથી રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓ ગુજરાત રાજ્યમાં આવેલ પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનો વગેરેમાં વેચાણ ન થાય તે બાબત નાગરિકોના હિતમાં આવશ્યક જણાય છે.
ગુજરાત રાજ્યના સમગ્ર વિસ્તારમાં આવેલ તમામ પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનો વગેરેમાં રોલિંગ પેપર, ગોગો સ્મોકિંગ કોન, પરફેક્ટ રોલ જેવી વસ્તુઓનું સંગ્રહ, વેચાણ, વિવરણ કે હેરાફેરી કરવી નહીં. આ આદેશ તાત્કાલિક અમલમાં આવશે અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા, 2023 (BNS)ની કલામ 223 મુજબ શિક્ષાને પાત્ર રહેશે.
સુરત શહેરમાં પ્રતિબંધિત 'ગોગો પેપર'ના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે સખ્ત કાર્યવાહી શરૂ કરી છે. સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા આ મામલે મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઇન સપ્લાય ચેઈન અને છૂટક વેચાણ કરતા વિક્રેતાઓ પર તવાઈ બોલાવવામાં આવી હતી. SOG દ્વારા સીટી લાઈટ વિસ્તારમાં એક ઓનલાઇન વેબસાઇટના ગોડાઉન પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જ્યાંથી 'ગોગો પેપર'નો જથ્થો મળ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ ગોડાઉનનો ઉપયોગ ગેરકાયદેસર રીતે 'ગોગો પેપર'ના વેચાણ માટે ઓનલાઇન વેબસાઈટ મર્ફતે થતો હતો. પોલીસે આ ગોડાઉન સંબંધિત વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ ઉપરાંત, સુરત પોલીસે શહેરમાં છૂટક વેચાણ કરતા પાનના ગલ્લા વિક્રેતાઓ સામે પણ લાલ આંખ કરી છે. પોલીસે ઉમરા, અઠવા, વેસુ, અલથાણ, ખટોદરા અને પાંડેસરા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ કર્યું હતું અને ગેરકાયદેસર રીતે 'ગોગો પેપર'નું વેચાણ કરતા 18 પાનના ગલ્લા વિક્રેતાઓની ધરપકડ કરી છે. પોલીસ કમિશનરની સૂચના મુજબ, યુવાનો અને સગીરોમાં નશાના દ્રવ્યોના વધતા ચલણને રોકવા માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે, જેથી આ ગેરકાયદેસર વેપારના મૂળ સુધી પહોંચી શકાય. આ સિવાય અમદાવાદમા પણ પ્રતિબંધિત પેપર વિરુદ્ધ તપાસ હાથ ધરવામાં આવી હતી.