ટ્રમ્પ પરિવારમાં નવા સભ્યની એન્ટ્રી, જાણો કોણ છે બેટિના એન્ડરસન, જે ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રવધૂ બનશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના પરિવારમાં ખુશીનો માહોલ છે. 15 ડિસેમ્બર, 2025ના રોજ વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી ક્રિસમસ પાર્ટી દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમના મોટા પુત્ર, ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયર, પામ બીચની સોશ્યલાઇટ બેટિના એન્ડરસન સાથે સગાઈ થઈ ગઈ છે. આ પ્રસંગે ટ્રમ્પ જુનિયરે પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, બેટિનાએ ‘હા’ કહીને તેમનો પ્રસ્તાવ સ્વીકારી લીધો છે.
ધ ન્યૂ યોર્ક ટાઇમ્સ સહિત અનેક મુખ્ય મીડિયા અહેવાલો અનુસાર, આ દંપતી એક વર્ષથી વધુ સમયથી સાથે છે. બેટિનાની ટ્રમ્પ પરિવાર સાથેની નિકટતા પહેલાથી જ ચર્ચામાં રહી છે. ટ્રમ્પ જુનિયરે ડિસેમ્બર 2024માં પામ બીચ પર એન્ડરસનના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપી હતી. ટ્રમ્પ જુનિયર બેટિનાને માર-એ-લાગો ખાતે નવા વર્ષની પૂર્વ સંધ્યાના સમારોહમાં મહેમાન તરીકે લાવ્યા હતા. એન્ડરસન બાદમાં આ વર્ષે જાન્યુઆરીમાં ટ્રમ્પના ઉદ્ઘાટન સમારોહમાં તેમની સાથે ગઈ હતી. હવે, બંનેની સગાઈ થઈ ગઈ છે.
આ ટ્રમ્પ જુનિયરની ત્રીજી સગાઈ છે. તેમણે સૌપ્રથમ 2004માં ભૂતપૂર્વ પત્ની વેનેસા ટ્રમ્પને પ્રપોઝ કર્યું હતું અને 2005માં તેમણે માર-એ-લાગોમાં લગ્ન કર્યા હતા. આ સંબંધ લગભગ 13 વર્ષ ચાલ્યો હતો, પરંતુ વેનેસાએ 2018માં છૂટાછેડા માટે અરજી કરી હતી. ત્યારબાદ ટ્રમ્પ જુનિયરે કિમ્બર્લી ગુઈલફોય સાથે સગાઈ કરી હતી, જે તે સમયે રિપબ્લિકન પાર્ટીના અગ્રણી સમર્થક હતા. આ સંબંધ 2024ના અંતમાં સમાપ્ત થઈ ગયા હતા.
બેટિના એન્ડરસનનો જન્મ ડિસેમ્બર 1986માં થયો હતો. તે ફ્લોરિડાના પામ બીચમાં મોટી થઈ હતી. તે એક જાણીતા પરિવારમાંથી આવે છે. તેના પિતા હેરી લોય એન્ડરસન જૂનિયર એક સફળ બિઝનેસમેન અને બેન્કર હતા, જ્યારે તેની માતા ઇન્ગર એન્ડરસન, એક પ્રખ્યાત સમાજસેવી રહી છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પની થનાર વહૂ બેટિના એન્ડરસને કોલંબિયા યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો છે અને 2009માં કલા ઇતિહાસ, વિવેચન અને કન્ઝર્વેશનમાં ડિગ્રી મેળવી હતી. તે વારંવાર તેના ઇન્સ્ટાગ્રામ પર મોડેલિંગના ફોટા પણ શેર કરે છે.
2020માં ક્વેસ્ટ મેગેઝિનના કવર પર તેનો ફોટો તસવીર અને તે જ વર્ષે હેમિલ્ટન જ્વેલર્સ સાથેનો કરવામાં આવેલ ફોટોશૂટ પણ શામેલ છે. આ ઉપરાંત 2021માં પામ બીચ ઇલસ્ટ્રેટેડ મેગેઝિનમાં પણ તેની બાબતે સ્ટોરી પ્રકાશિત થઈ હતી, જેમાં તેને લોકલ ઇન્ફ્લૂએન્સર ગણાવવામાં આવી હતી.
બેટિના એન્ડરસન હેરી લોય એન્ડરસન જુનિયર અને ઇન્ગર એન્ડરસનની પુત્રી છે. એન્ડરસન એક સમાજસેવી, મોડેલ અને ઇન્ફ્લુએન્સર છે. બેટિના સામાજિક કાર્યમાં સામેલ રહી છે અને ઓડ્રે ગ્રસ દ્વારા સ્થાપિત હોપ ફોર ડિપ્રેશન રિસર્ચ ફાઉન્ડેશનની સમર્થક છે. બેટિના ફ્લોરિડા સ્થિત સંરક્ષણ પહેલ પ્રોજેક્ટ પેરેડાઇઝમાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે નિયમિતપણે પામ બીચ કાઉન્ટીના સાક્ષરતા ગઠબંધન સાથે સમાજ સેવાનું કામ પણ કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp