ગુજરાતમાં વરસાદ અને પૂરનો પ્રચંડ પ્રકોપ જોવા મળી રહ્યો છે. અમદાવાદથી લઇને વડોદરા સુધી અને કચ્છથી લઇને દ્વારકા સુધીના રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા છે. સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર વડોદરા છે, જ્યાં ઘણા રેસિડેન્સિયલ કમ્પાઉન્ડમાં પાણી ભરાઈ ગયા છે. આ દરમિયાન ગુજરાત પર કુદરતનો વધુ એક એટેક થવાનો છે. કચ્છ પર ચક્રવાતનું જોખમ મંડરાઈ રહ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોકોને ચક્રવાતી તોફાનથી બચાવવાના નિર્દેશ આપ્યા છે.
કચ્છ જિલ્લામાં ચક્રવાતનું જોખમ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 24 કલાકમાં કચ્છમાં ચક્રવાત ત્રાટકશે. બંગાળની ખાડી પર સક્રિય ડીપ ડિપ્રેશન નબળું પડવાને બદલે મજબૂત થવાની શક્યતા છે. તેથી અમદાવાદ સહિત રાજ્યભરમાં ભારે પવન ફૂંકાશે. ભારે વરસાદ અને પૂરથી પ્રભાવિત કચ્છમાં શુક્રવારે (30 ઑગસ્ટ) વરસાદના સમાચાર છે. માંડવીમાં 11 ઈંચથી વધુ વરસાદ થયો, જેનાથી તમામ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. મુન્દ્રામાં પણ 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.
ચક્રવાતી તોફાન આગામી થોડા કલાકોમાં કચ્છમાં ત્રાટકી શકે છે. દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે રાત્રે વડોદરાથી ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા. તેમણે કચ્છના જિલ્લા કલેક્ટર પાસેથી ત્યાં આવનાર ચક્રવાતને લઇને માટે કરવામાં આવેલી તૈયારીઓની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ લોકોને આ આફતમાંથી બચાવવા માટે જ્યાં જરૂર જણાય ત્યાં પણ તાત્કાલિક અસરથી લોકોને સ્થળાંતર કરવાની સૂચના આપી છે. વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આયોજિત બેઠકમાં મુખ્યમંત્રીએ નિર્દેશ આપ્યો કે લોકોને બહાર કાઢવા માટે ભરપૂર પ્રયાસો કરવામાં આવે.
હવામાન વિભાગે જણાવ્યું છે કે ગુજરાતમાં વરસાદી માહોલ ચાલું રહેશે. વિભાગે માછીમારોને આગામી 2-3 દિવસ સુધી દરિયામાં ન જવાની સલાહ આપી છે. વરસાદના કારણે રાજ્યમાં 140 જળાશયો, ડેમ અને 24 નદીઓ જોખમી નિશાનથી ઉપર વહી રહી છે. ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર અને ટ્રેનની અવરજવર પણ ખોરવાઈ ગઈ છે. 206 ડેમમાંથી 122 ડેમના પાણીના સ્તરમાં તીવ્ર વધારો થવાને કારણે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. લોકોને જળાશયો અને નદીઓથી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે.
શુક્રવારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદ થવાનો છે. મુશળધાર વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. IMDએ જણાવ્યું છે કે સૌરાષ્ટ્ર, કચ્છ, જામનગર, પોરબંદર અને દ્વારકા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટ, જૂનાગઢ, મોરબી વગેરે જિલ્લાઓ માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાનો છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દાદરા નગર હવેલીમાં પણ ભારે વરસાદ જોવા મળશે.