નવી ગાઈડલાઈન જાહેર : રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર, શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ મુદ્દે લેવાયો આ નિર

નવી ગાઈડલાઈન જાહેર : રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર, શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ મુદ્દે લેવાયો આ નિર્ણય

01/07/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

નવી ગાઈડલાઈન જાહેર : રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફાર, શાળાઓમાં ઓફલાઈન શિક્ષણ મુદ્દે લેવાયો આ નિર

ગાંધીનગર: ગુજરાતમાં વધતા કોરોના સંક્રમણને જોતા રાજ્ય સરકારે નવા નિયંત્રણો લાગુ કર્યા છે. જે અનુસાર, રાજ્યમાં હવે રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ લાગુ રહેશે. ઉપરાંત ધોરણ 1 થી 9 ની શાળાઓ 31 મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી આઠ મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો, તે ઉપરાંત વધુ બે નગરો આણંદ, નડિયાદમાં દરરોજ રાત્રે 10 થી સવારે 6 સુધી કર્ફ્યુ અમલમાં રહેશે. જે અનુસાર, અમદાવાદ, સુરત, રાજકોટ, ભાવનગર, વડોદરા, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર, આણંદ અને નડિયાદમાં રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે. 

ઉપરોક્ત તમામ નગરોમાં વ્યાપારિક ગતિવિધિઓ રાત્રિના દસ વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. હોટેલ અને રેસ્ટોરન્ટ 75 ટકા ક્ષમતા સાથે રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. તેમજ હોટેલોમાં હોમ ડીલીવરી સુવિધા રાત્રે 11 સુધી ચાલુ રાખી શકાશે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા.


રાજ્યમાં ધાર્મિક, શૈક્ષણિક, સામાજિક, સાંસ્કૃતિક કે રાજકીય કાર્યક્રમો ખુલ્લા સ્થળોએ મહત્તમ 400 લોકો સાથે અને બંધ સ્થળોએ જગ્યાની ક્ષમતાનાં પચાસ ટકા વ્યક્તિઓની હાજરી સાથે આયોજિત કરી શકાશે. લગ્ન પ્રસંગ માટે ખુલ્લામાં મહત્તમ 400 અને બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના 50 ટકા લોકો એકત્રિત થવાની પરવાનગી આપવામાં આવી છે. લગ્ન માટે Digital Gujarat portal ઉપર નોંધણી કરાવવાની રહેશે. જ્યારે અંતિમ ક્રિયા માટે 100 લોકોને પરવાનગી આપવામાં આવી છે.

સિનેમા હોલ, જીમ, વોટરપાર્ક, લાઈબ્રેરી અને ઓડિટોરિયમ કે એસેમ્બલી હોલ ક્ષમતાના પચાસ ટકા સાથે ચાલુ રાખી શકાશે. જાહેર બાગ અને બગીચાઓ રાત્રિના 10 વાગ્યા સુધી ખુલ્લા રહેશે.

બસ સેવાઓ 75 ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. તેમજ બસ ટ્રાન્સપોર્ટ સેવાને રાત્રિ કર્ફ્યુમાંથી મુક્તિ આપવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ અને સ્પોર્ટ્સ સ્ટેડિયમ પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર ચાલુ રાખી શકાશે.

ધોરણ 9 થી પોસ્ટ ગ્રેજ્યુએશન કોર્ષ સુધીના કોચિંગ સેન્ટરો, ટ્યુશન ક્લાસીસ તેમજ તમામ પ્રકારની સ્પર્ધાત્મક/ભરતી અંગેની પરીક્ષાઓ માટેના કોચિંગ સેન્ટરો સ્થળની ક્ષમતાના 50 ટકા વિદ્યાર્થીઓ સાથે ચાલુ રાખી શકાશે. તેમજ શાળા, કોલેજો તેમજ અન્ય સંસ્થાઓની પ્રવેશ પરીક્ષાઓ તેમજ સ્પર્ધાત્મક અને ભરતી અંગેની પરીક્ષાઓ કોરોના ગાઈડલાઈનનાં પાલનની શરતે નિયત S.O.P સાથે યોજી શકાશે. 


રાત્રિ કર્ફ્યુના સમય દરમિયાન આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી શકાશે

-COVID-19ની કામગીરી સાથે સીધી રીતે સંકળાયેલી સેવા તેમજ આવશ્યક/તાત્કાલિક સેવા સાથે સંકળાયેલી સેવાઓ.

-મેડિકલ, પેરામેડિકલ તથા એને આનુષંગિક આરોગ્યલક્ષી સેવાઓ.

-ઓક્સિજન ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા.

-ઈન્ટરનેટ/ટેલિફોન/મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર/ આઇ.ટી. અને આઇ.ટી. સંબંધિત સેવાઓ.

-પ્રિન્ટ અને ઈલેકટ્રોનિક મીડિયા, ન્યૂઝ પેપર ડિસ્ટ્રિબ્યુશન.

-પેટ્રોલ, ડીઝલ, એલ.પી.જી./સી.એન.જી./પી.એન.જી.ને સંબંધિત પંપ, ઓપરેશન ઓફ પ્રોડકશન યુનિટ, પોર્ટ ઓફ લોડિંગ, ટર્મિનલ ડેપોઝ, પ્લાન્‍ટસ તથા તેને સંબંધિત ટ્રાન્સપોર્ટેશન, ડિસ્ટ્રિબ્યુશન અને રિપેરિંગ સેવાઓ.

-પોસ્ટ અને કુરિયર સર્વિસ.

-ખાનગી સિક્યોરિટી સેવા

-પશુ આહાર, ઘાસચારો તથા પશુઓની દવા તથા સારવાર સંબંધિત સેવાઓ.

-કૃષિ કામગીરી, પેસ્ટ ક્ન્ટ્રોલ અને અન્ય આવશ્યક સેવાઓનાં ઉત્પાદન, પરિવહન અને પુરવઠા વ્યવસ્થા.

-આંતરરાજ્ય, આંતરજિલ્લા અને આંતરશહેરની ટ્રાન્સપોર્ટ સેવાઓ તથા એને સંલગ્ન ઈ-કોમર્સ સેવાઓ.

-તમામ પ્રકારનાં ઉત્પાદન/ઔદ્યોગિક એકમો અને એને રો-મટીરિયલ પૂરો પાડતા એકમો ચાલુ રહેશે અને તેમના સ્ટાફ માટેની વાહનવ્યવસ્થા ચાલુ રહેશે. એ દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

-બાંધકામને લગતી પ્રવૃત્તિઓ ચાલુ રહેશે, જે દરમિયાન COVID-19 સંબંધિત માર્ગદર્શક સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.


કોરોનાને જોતા ગઈકાલે સરકારે વાઈબ્રન્ટ સમિટ રદ કરવાનો નિર્ણય કર્યો હતો. આ ગ્લોબલ સમિટ 10 થી 12 જાન્યુઆરી દરમિયાન યોજાનાર હતી પરંતુ હાલ કોરોનાની સ્થિતિને જોતા સરકારે આ સમિટનું આયોજન મોકૂફ રાખ્યું છે. ઉપરાંત, અમદાવાદ, સુરત સહિતના શહેરોમાં આયોજિત પતંગોત્સવ તેમજ અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત ફ્લાવર શો પણ રદ કરી દેવામાં આવ્યા છે.

કોરોનાની વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આજે વિવિધ જિલ્લાના કલેક્ટરો અને શહેરોમાં મ્યુનિસિપલ કમિશનરો સાથે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ આગામી સોમવાર 10 જાન્યુઆરીથી મહાનગરો અને જિલ્લાઓમાં આયુષ દ્વારા દરરોજ 2 હજાર કિલો ઉકાળા પાવડર પહોંચાડવાનો આદેશ આપ્યો હતો તેમજ રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓને શક્ય તેટલી સહાય પૂરી પાડવામાં આવશે તેમ જણાવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top