કેનેડામાં અત્યાર સુધીમાં કેટલી વાર હિંદુઓ પર હુમલા થયા, શું ટ્રૂડોના મૌનના કારણે મંદિરો નિશાના પર આવ્યા?
Attack on Hindu Temple in Canada: ખાલિસ્તાની કટ્ટરપંથીઓએ રવિવારે (3 નવેમ્બર 2024) બ્રેમ્પટનના હિન્દુ સભા મંદિરમાં ભારે હોબાળો મચાવ્યો હતો. મંદિરમાં હિન્દુઓને માર મારવામાં આવ્યો હતો. કેનેડાના ઘણા સાંસદોએ આ ઘટનાની નિંદા કરી છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ પણ તેને નિંદનીય ગણાવ્યું છે અને કહ્યું હતું કે આવી ઘટનાઓ અસ્વીકાર્ય છે. કેટલાક હિંદુ નેતાઓ અને કેનેડાના સાંસદો પણ આ હુમલાના વિરોધમાં બહાર આવ્યા છે. તેઓ પણ આવીને પ્રદર્શન કરતા પણ જોવા મળે છે.
કેનેડાના સાંસદ ચંદ્ર આર્યએ આ હિંસાની નિંદા કરતા કહ્યું કે, ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ રેડ લાઇન ક્રોસ કરી લીધી છે, જે કેનેડામાં હિંસક ઉગ્રવાદના ઉદયને દર્શાવે છે. કેમ્પસની અંદર હિંદુ-કેનેડિયનો પર ખાલિસ્તાનીઓનો હુમલો દર્શાવે છે કે કેનેડામાં ખાલિસ્તાની ઉગ્રવાદ કેટલો હિંસક અને નિર્લજ્જ બની ગયો છે. જો કે કેનેડામાં હિન્દુ મંદિરો કે હિન્દુઓ પર હુમલાની આ પહેલી ઘટના નથી. આ પ્રકારના હુમલા ભૂતકાળમાં પણ અનેક વખત થયા છે. ચાલો જાણીએ કે કેનેડામાં ક્યારે ક્યારે હિન્દુઓ નિશાના પર આવ્યા છે.
આ વર્ષે જુલાઇમાં એડમૉન્ટનમાં હિન્દુ મંદિર BAPS સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી. મંદિરના ગેટ અને પાછળની દિવાલ પર ભારત વિરોધી અને ખાલિસ્તાન તરફી પોસ્ટરો ચોંટાડવામાં આવ્યા હતા. તેના પર હરદીપ સિંહ નિજ્જરની તસવીર પણ લગાવવામાં આવી હતી.
સરેમાં લક્ષ્મી નારાયણ મંદિર એ બ્રિટિશ કોલંબિયા પ્રાંતમાં સૌથી જૂનું અને સૌથી મોટું હિન્દુ મંદિર છે. ગયા વર્ષે પણ અહીં તોડફોડ થઇ હતી.
ગયા વર્ષે એટલે કે 2023માં, વિન્ડસરમાં એક હિન્દુ મંદિરને ક્ષતિગ્રસ્ત કરવામાં આવ્યું હતું, જેની વ્યાપક નિંદા થઇ હતી અને કેનેડિયન અને ભારતીય બંને અધિકારીઓએ કાર્યવાહીની માગ કરી હતી.
મિસિસૉગા અને બ્રેમ્પટનમાં અગાઉની ઘટનાઓમાં મંદિરોને આજ રીતે નિશાનો બનાવવામાં આવ્યા હતા, જેના પર કેનેડામાં ભારતીય સમુદાયની સખત પ્રતિક્રિયાઓ આવી હતી.
છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન, ગ્રેટર ટોરોન્ટો એરિયા, બ્રિટિશ કોલંબિયા અને કેનેડામાં અન્ય સ્થળોએ હિંદુ મંદિરોમાં નફરતના કારણે તોડફોડ કરવામાં આવી છે.
કેનેડાના સાંસદ આર્યએ વધુમાં કહ્યું કે, હું લાંબા સમયથી કહેતો આવ્યો છું કે હિન્દુ-કેનેડિયનોએ તેમના સમુદાયની સુરક્ષા અને સંરક્ષા માટે આગળ આવવું જોઇએ અને પોતાના અધિકારોનો દાવો કરતા રાજકારણીઓને જવાબદાર ઠેરવવા જોઇએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp