SIR-વોટ ચોરી પર લડાઈ વધુ ગરમાઈ, મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે વિપક્ષ
વિપક્ષ મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાનું વિચારી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઘણા વિપક્ષી પાર્ટીઓ આ અંગે વિચાર-વિમર્શ કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ‘વોટ ચોરી'ના આરોપો અને બિહારમાં મતદાર યાદીના SIR સામે વિપક્ષના સતત વિરોધ વચ્ચે ચૂંટણી પંચ (ECI)એ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.
કોંગ્રેસના સાંસદ સૈયદ નાસિર હુસૈને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ લાવવાની શક્યતા પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ વિષય પર પાર્ટીમાં અત્યાર સુધી કોઈ ચર્ચા થઈ નથી, પરંતુ જો જરૂર પડે તો કોંગ્રેસ નિયમો મુજબ મહાભિયોગ પ્રસ્તાવ લાવી શકે છે.
ભારતીય ચૂંટણી પંચ (ECI)એ રવિવારે એક પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટપણે કહ્યું હતું કે, કમિશન કે મતદાતાઓ તેમના પર 'વોટ ચોરી' જેવા ખોટા આરોપોથી ડરતા નથી. પંચે લોકોને બંધારણમાં આપેલા અધિકારનો ઉપયોગ કરીને દરેક સંજોગોમાં મતદાન કરવાની અપીલ કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે ચૂંટણી પંચ જ રાજકીય પક્ષોની નોંધણી કરે છે અને તેની નજરમાં કોઈ પક્ષ કે વિપક્ષ નથી, બધા સમાન છે.
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે કહ્યું કે, આવા ખોટા આરોપોબુ અસર ન તો કમિશન પર થશે કે ન તો મતદારો પર. ચૂંટણી કમિશન નિર્ભયતા અને નિષ્પક્ષતાથી કામ કરવાનું ચાલુ રાખશે. તેમણે પુનરોચ્ચાર કર્યો કે કમિશનનું કાર્ય રાજકારણમાં સામેલ લોકોથી પ્રભાવિત થયા વિના તમામ મતદારો માટે સમાન તકો સુનિશ્ચિત કરવાનું છે. મતદાર યાદીમાં અનિયમિતતા અંગે વિપક્ષના આરોપો પર કડક વલણ અપનાવતા, કમિશને માહિતી આપી કે અત્યાર સુધીમાં 28,370 મતદારોએ તેમના દાવા અને વાંધા નોંધાવ્યા છે. આ માટે સમય મર્યાદા 1 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર સુધી નક્કી કરવામાં આવી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp