યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદોમીર ઝેલેન્સકીએ અલાસ્કામાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ વચ્ચેની વાતચીત બાદ પ્રતિક્રિયા આપી છે. તેમણે ઐતિહાસિક શાંતિ કરાર માટે યુક્રેનને સુરક્ષાની ગેરન્ટી આપવાની ટ્રમ્પની ઓફરની પ્રશંસા કરી. તેમણે વ્હાઇટ હાઉસમાં ટ્રમ્પ સાથેની મુલાકાત અગાઉ પણ સ્પષ્ટ કર્યું હતું કે યુક્રેન તેની અખંડિતતા અને સાર્વભૌમત્વ સાથે સમાધાન નહીં કરે અને તે પોતાની શરતો પર યુદ્ધ બંધ કરવા તૈયાર રહેશે. આ દરમિયાન, યુરોપિયન દેશોએ પણ યુક્રેનને સમર્થન કર્યું છે.
ઝેલેન્સકીએ એક નિવેદનમાં કહ્યું કે, ‘આ એક ઐતિહાસિક નિર્ણય છે કે અમેરિકા યુક્રેન માટે સુરક્ષા ગેરંટીમાં ભાગ લેવા માટે તૈયાર છે. આ ગેરંટીઓ આપણા સંયુક્ત પ્રયાસોનું પરિણામ હોવી જોઈએ જે ખરેખર વ્યવહારુ હોય, જેમાં જમીન, હવા અને સમુદ્ર પર સુરક્ષાનો સમાવેશ થાય છે અને યુરોપની ભાગીદારીથી વિકસિત કરવામાં આવે.' તેમણે કહ્યું કે રશિયા સાથે વાતચીત વર્તમાન ફ્રન્ટ લાઇનથી શરૂ થવી જોઈએ. ઝેલેન્સકીનું નિવેદન સોમવારે વોશિંગ્ટનમાં ટ્રમ્પ સાથેની તેમની મુલાકાતના એક દિવસ અગાઉ આવ્યું હતું.
ઝેલેન્સ્કીએ યુરોપિયન દેશોનો આભાર માનતા કહ્યું કે તેમણે અમારી સ્થિતિને મજબૂત બનાવતું મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. બીજી તરફ, યુરોપિયન નેતાઓ પણ આ પહેલને સમર્થન આપી રહ્યા છે. બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ટ્રમ્પની ગેરંટી આપવાની તૈયારીની પ્રશંસા કરી અને યુદ્ધ સમાપ્ત થવા પર એક આશ્વાસન બળ માટે સમર્થન આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તો, જર્મની અને યુરોપિયન કમિશને, ઝેલેન્સ્કી સાથે મળીને પુષ્ટિ આપી કે સરહદો બળ દ્વારા બદલી નહીં શકાય.
આ દરમિયાન, વિયેનામાં આંતરરાષ્ટ્રીય સંગઠનોમાં રશિયાના રાજદૂત, મિખાઇલ ઉલ્યાનોવે કહ્યું કે, મોસ્કો સહમત છે કે કોઈપણ શાંતિ કરારમાં યુક્રેન માટે વિશ્વસનીય ગેરંટી શામેલ હોવી જોઈએ, પરંતુ તેમણે ભારપૂર્વક જણાવ્યું કે રશિયાને પણ વિશ્વસનીય આશ્વાસન મળવું જોઈએ. ઉલ્યાનોવે X પર લખ્યું કે, ‘ઘણા EU નેતાઓ ભાર આપે છે કે ભવિષ્યના શાંતિ કરારમાં યુક્રેન માટે વિશ્વસનીય સુરક્ષા ગેરંટી હોવી જોઈએ. રશિયા આ સાથે સહમત છે, પરંતુ મોસ્કોને પણ અસરકારક સુરક્ષા ગેરંટીનો સમાન અધિકાર છે.'
અમેરિકાના ખાસ દૂત સ્ટીવ વિટકોફે CNNને જણાવ્યું હતું કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે એક અણધારી સમજૂતી થઈ છે, જેમાં અમેરિકા અને યુરોપિયન સાથીઓ યુક્રેનને NATO-શૈલીની સુરક્ષા ગેરંટી આપી શકે છે. વિટકોફે કહ્યું, 'અમે એ છૂટ મેળવી છે કે અમેરિકા કલમ 5 જેવી સુરક્ષા પૂરી પાડી શકે છે, જે યુક્રેન માટે NATOમાં જોડાવાનું એક મુખ્ય કારણ છે.' તેમણે એમ પણ કહ્યું કે આ પહેલી વાર છે જ્યારે રશિયા સૈદ્ધાંતિક રીતે આ વ્યવસ્થા માટે સંમત થયું છે.
અમેરિકન વિદેશ મંત્રી માર્કો રુબિયોએ અલાસ્કા વાટાઘાટોને પ્રગતિ ગણાવી, પરંતુ ચેતવણી આપી કે નજીકના ભવિષ્યમાં યુદ્ધવિરામની શક્યતા ઓછી છે. આ ઉપરાંત નાટો સંધિની કલમ-5 જણાવે છે કે યુરોપ અને ઉત્તર અમેરિકામાં ગઠબંધનના સભ્યોમાંથી કોઈપણ દેશ પર હુમલો તમામ 32 દેશોમાં હુમલો માનવામાં આવશે. તો અમેરિકન અધિકારીઓએ સંકેત આપ્યો કે સંપૂર્ણ નાટો સભ્યપદના વિકલ્પ તરીકે યુક્રેન પર સમાન માળખું લાગુ કરી શકાય છે, જેનો પુતિન લાંબા સમયથી વિરોધ કરી રહ્યા છે.