આજે છે વાલ્મીકિ જયંતિ! જાણો રત્નાકર ડાકુમાંથી મહર્ષિ બનવાની કથા અને ધાર્મિક મહત્ત્વ
ભગવાન રામની જીવનકથા રામાયણની રચયિતા મહર્ષિ વાલ્મીકિનો જન્મ આસો મહિનાની પૂર્ણિમાના દિવસે થયો હોવાનું માનવામાં આવે છે. સનાતન પરંપરા સાથે સંકળાયેલા લોકો તેમની જન્મજયંતીને વાલ્મીકિ જયંતિ તરીકે ઉજવે છે. આજે 7 ઓક્ટોબર, 2025ના રોજ મહર્ષિ વાલ્મીકિની જન્મજયંતિ છે. આદિ કવિ (સંસ્કૃત ભાષાના પ્રથમ કવિ) ગણાતા મહર્ષિ વાલ્મીકિએ રામાયણ મહાકાવ્યની રચના કરી હતી, જેને સૌથી અધિકૃત માનવામાં આવે છે. ચાલો આપણે મહર્ષિ વાલ્મીકિના જીવનની કથા અને તેમની જન્મજયંતિની ઉજવણી કેવી રીતે કરવી તેની વિગતવાર માહિતી જાણીએ.
વાલ્મીકિ જયંતિ 2025 તારીખ: 7 ઓક્ટોબર, 2025, મંગળવાર
પૌરાણિક કથા અનુસાર, મહર્ષિ વાલ્મીકિનું બાળપણનું નામ રત્નાકર હતું. મહર્ષિના જન્મને લઇને ઘણી દંતકથાઓ છે. જેમાં કોઇ તેમને બ્રાહ્મણ પરિવારમાં જન્મ્યા હોવાનું કહે છે, તો કોઇ બાળપણમાં તેમના માતાપિતાથી વિખૂટા પડી ગયા બાદ શિકારીઓના સંપર્કમાં આવવાની વાત કહે છે. જોકે, યુવાનીમાં મહર્ષિ વાલ્મીકિએ લૂંટફાટ કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા.
એવું માનવામાં આવે છે કે તેમણે એક વખત મહર્ષિ નારદને લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ નારદ મુનિના ઉપદેશોએ તેમનું હૃદય બદલી નાખ્યું અને તેમણે પોતાના ભૂતકાળના પાપોનું પ્રાયશ્ચિત કરવા માટે કઠોર તપસ્યા શરૂ કરી. એવું માનવામાં આવે છે કે તેઓ પોતાની તપસ્યામાં એટલા મગ્ન થઈ ગયા કે તેમણે બહારની દુનિયાનું જરાં પણ ભાન રહ્યું નહોતુંઅને તેમના શરીર પર ઉધઈએ રાફડો બનાવી લીધો હતો. જેના કારણે તેમનું નામ રત્નાકરમાંથી વાલ્મીકિ થઈ ગયું.
મહર્ષિ વાલ્મીકિ ભગવાન રામના યુગના હોવાનું માનવામાં આવે છે. માન્યતા છે કે મહર્ષિ વાલ્મીકિએ માતા સીતાને તેમના આશ્રમમાં આશ્રય આપ્યો હતો, જ્યાં તેમના બે પુત્રો લવ અને કુશનો જન્મ થયો હતો. મહર્ષિ વાલ્મીકિએ લવ અને કુશને રામાયણનું જ્ઞાન આપ્યું હતું. એવું માન્યતા છે કે લવ અને કુશે સૌપ્રથમ રામાયણનું ગાન કર્યું હતું.
વાલ્મીકિ જયંતીના દિવસે સૂર્યોદય પહેલા ઉઠો, સ્નાન કરો, ધ્યાન કરો, તમારા પ્રાર્થના ખંડને સાફ કરો અને ત્યાં મહર્ષિ વાલ્મીકિનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરો. ધૂપ, દીવા, ફૂલો અને અન્ય પ્રસાદથી તેમની પૂજા કરો. પૂજા બાદ, વાલ્મીકિ રામાયણનો પાઠ કરો. મહર્ષિ વાલ્મીકિના જન્મ દિવસે, તેમના પ્રત્યે આદર વ્યક્ત કરવા માટે દેશભરમાં ઝાંખીઓ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવે છે. વાલ્મીકિ જયંતીના દિવસે, જરૂરિયાતમંદોને ભોજન, પૈસા અને કપડાંનું દાન કરો અને સમાજસેવામાં જોડાવ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp